ફરી એકવાર મોદી સરકાર ફરી એકવાર ભાજપ સરકાર
મધ્યપ્રદેશથી ખાસ ટીમ ટેકનોલોજી યુક્ત કમળ બનાવવા માટે રાજકોટ આવી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કરાવ્યો દેશવ્યાપી વોલ પેન્ટિંગ અભિયાનનો આરંભ
લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા જોર શોરથી ચૂંટણીલક્ષી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડા દ્વારા વોલ પેન્ટિંગ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં વિશેષ ટેકનોલોજી સાથે દીવાલો પર કમળ દોરવામાં આવશે. રાજકોટમાં મવડી વિસ્તારમાં આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. શહેરમાં 5,000 થી વધુ કમળ દોરવામાં આવશે.જેમાં ફરી એકવાર મોદી સરકાર ફરી એકવાર ભાજપ સરકાર જેવા સૂત્રો પણ લખવામાં આવશે.આટલો જ નહીં વિધાનસભા દીઠ કેટલા કમળો દોરવામાં આવ્યું તેનું લીસ્ટ પણ દિલ્હી મોકલવામાં આવશે.મધ્યપ્રદેશથી ખાસ ટિમ ડિજિટલ કમળ દોરવા માટે રાજકોટ પધારી છે.
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા આજરોજ બપોરના 2 કલાકે દેશવ્યાપી લોકસભાની 2024ની ચૂંટણીનું રણસિંગું ફૂંકવામાં આવ્યું હતું.ભારતીય જનતા પાર્ટીના પ્રતીક કમળનું ડિજિટલ પોસ્ટર દીવાલો પર લગાડી ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે.જેના ભાગરૂપે રાજકોટ ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડિજિટલ પોસ્ટર લગાવી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવાયો છે જેમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી ભાજપ અગ્રણીઓ તથા સભ્યો દ્વારા મવડી વિસ્તારમાં કમળના ડિજિટલ પોસ્ટર લગાવી પ્રચાર કરવામાં આવ્યો હતો.બહોળી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા.તેમજ લોકસભા ચૂંટણીનો પ્રચાર નારાબાજી સાથે કર્યો હતો.
અબ કી બાર ફિર સે મોદી સરકાર: લોકસભા ચૂંટણી ફરી બહુમતી સાથે જીતીશું: મુકેશભાઈ દોશી
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી એ જણાવ્યું કે, પાર્ટીના અધ્યક્ષ જે પી નડાએ આજરોજ ભારતીય જનતા પાર્ટીના પ્રતીક કમળનું ડિજિટલ પોસ્ટર દીવાલો પર લગાવી લોકસભાની ચૂંટણીના પ્રચારનું રણસિંગું ફૂંક્યું છે. ભારતીય જનતા પાર્ટીએ પરંપરા મુજબ નગાળે ઘા કર્યો છે.રાજકોટ ખાતે પણ લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે.અબકી બાર 400 પલ્સનો વડાપ્રધાનના નારાને દેશની જનતાએ સ્વીકારી લીધો છે.ભારતીય જનતા પાર્ટી જંગી બહુપત્તિ સાથે સત્તા પર આવશે.