રાજ્યની 14 યુનિવર્સિટીઓમાં એકસૂત્રતા લાવવાના નામે કોમન એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ પહેલા તબક્કામાં બે-બે ક્રેડિટના ત્રણ વિષયની પરીક્ષા લેવામાં જ કોમન એક્ટનો ફિયાસ્કો થઇ જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યમાં કોમન એક્ટ લાગુ કરવામાં આવ્યા પછી હજુસુધી સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સ તૈયાર ન થતાં હાલ યુનિવર્સિટીઓ કોમન એક્ટમાં કરાયેલી જોગવાઇના દરેક યુનિવર્સિટીઓ અલગ અલગ અર્થઘટન કરી રહી છે.
યુનિવર્સિટીઓ વચ્ચે અલગ અલગ પરીક્ષા પદ્ધતિથી એકસૂત્રતા કેવી રીતે રહેશે?
ગુજરાત યુનિવર્સિટીએ બે-બે ક્રેડિટના ત્રણ વિષયની પરીક્ષા મૌખિક લીધા બાદ હવે અન્ય યુનિવર્સિટીઓમાં આ ત્રણ વિષયની પરીક્ષા લેખિતમાં લેવાની સૂચના અપાઈ છે. આમ, કોમન એક્ટ લાગુ થયા પછી પહેલી પરીક્ષામાં જ તેનો ઉદ્દેશ્ય માર્યો જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કોમન એક્ટ અંતર્ગત નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે તમામ સાત વિષયની પરીક્ષા યુનિવર્સિટી દ્વારા લેવાશે તેવી સ્પષ્ટતા કરવા છતાં ઘણી ખરી યુનિવર્સીટીએ બે-બે ક્રેડિટના ત્રણ વિષયની પરીક્ષા મૌખિક પદ્ધતિથી લેવાની જાહેરાત કરીને અમલ કરી દીધો છે.
સરકાર દ્વારા તમામ વિષયોની પરીક્ષા લેખિત લેવાનો આદેશ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સમાં પણ આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કરાશે. જોકે, ગુજરાત યુનિવર્સિટીએ કેસીજીના આદેશને અવગણીને પોતાની રીતે ત્રણ વિષયની પરીક્ષા મૌખિક પદ્ધતિથી લીધી તે અંગે કેસીજીના સત્તાધીશો કશું કહેવા તૈયાર નથી. આશ્ચર્યની વાત એ કે, રાજ્યની અન્ય યુનિવર્સિટીઓમાં આ પરીક્ષા લેખિતમાં જ લેવાશે તેવો આદેશ કરી દેવાયો હોવાનું કહે છે. મહત્વની વાત એ કે, રાજ્યની અન્ય યુનિવર્સિટીઓમાં બે-બે ક્રેડિટના ત્રણ વિષયની પરીક્ષા લેખિતમાં લેવામાં આવે તો ગુજરાત યુનિવર્સિટીને કયા કારણોસર આજ વિષયોની પરીક્ષા મૌખિક લેવાની વિશેષ છૂટ આપવામાં આવી તે અંગે કોઇ સ્પષ્ટતા કરવા તૈયાર નથી.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં એસઓપી મુજબ જ પરીક્ષા લેવાશે: પરીક્ષા નિયામક સોની
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની પરીક્ષાનો આગામી તા.19મી જાન્યુઆરીથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આ મુદ્દે યુનિવર્સીટીના પરીક્ષા નિયામક ડો.નિલેશ સોનીએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, સૌ.યુનિ. સરકારની હાલની એસઓપી મુજબ જ પરીક્ષા લેવા જઈ રહી છે. વિધાર્થીઓ પોતાની મરજી મુજબ જે વિષયની પરીક્ષા આપવા ઇરછતો હશે તે મુજબ પરીક્ષા લેવામાં આવશે.