કાલાવડ રોડ પરના અમૃતનગર-3માં શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતી ચાર્મીબેન જીતેન્દ્રભાઈ માર્કેડીયા (ઉ.વ.29)એ મોટામવાના પૂર્વ પતિ નિલ, સસરા નરેન્દ્રભાઈ મનજીભાઈ રબારા અને સાસુ તરૂણાબેન (રહે. ત્રણેય આરણ્ય એપાર્ટમેન્ટ, મોટામવા) 38 થી 40 તોલા સોનુ અને રૂા. 21 લાખ ઓળવી ગયાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
રૂ. 21 લાખ રોકડા અને 40 તોલા સોનાના ધરેણા ઓળવી ગયાની પૂર્વ પતિ સહિત ત્રણ સામે નોંધાતો ગુનો
ફરિયાદમાં ચાર્મીબેને જણાવ્યું છે કે તેના 2020માં લગ્ન થયા હતા. તે વખતે માવતરે કરિયાવરમાં આશરે 40 – તોલા સોનાના દાગીના અને ઘરવખરીનો – સામાન આપ્યો હતો. ત્યારબાદ તેના છૂટાછેડા થઇ ગયા હતા. તે વખતે તેને – કોઈ દરદાગીના આપ્યા ન હતાં. તેના છૂટાછેડાને છએક માસ થયા છે. તેના એક વર્ષથી પતિથી અલગ રહેતી હતી.
છૂટાછેડાના કેસ વખતે પતિ, સાસુ કે સસરાએ સોનાના દાગીનાઓ છોડાવીને પરત આપવાની ખાતરી આપી હતી. પરંતુ સમાજના માણસો દ્વારા અવારનવાર કહેવા છતાં દાગીના પરત આપ્યા ન હતાં. આખરે ગત નવેમ્બર માસમાં વકીલ મારફતે કાનૂની નોટીસ મોકલી હતી. તેનો પણ સાસરિયાઓએ કોઇ જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ તેને જાણવા મળ્યું હતું કે તેના પતિએ ફાયનાન્સ કંપનીમાંથી તમામ ગોલ્ડ ઉપાડી તેને પરત આપ્યું નથી. એટલું જ નહીં આ ગોલ્ડ પોતાના સંબંધીઓના ઘરે મૂકી આવ્યો હતો. લગ્નના એકાદ માસ પછી સાસરીયાઓએ તેની ઉપર દબાણ કરી તેના માતા-પિતા પાસેથી કટકે- કટકે રૂા. 21 લાખ લીધા હતા.
કારખાના માટે લેથ મશીન ખરીદયું હતું. જે લોન પતિના નામે હતી. જેમાં દગાથી તેને જામીન તરીકે રાખી હતી. હવે તેને જાણવા મળ્યું છે કે આ લોન ચાલુ હોવા છતાં પૂર્વ પતિ અને સાસરિયાઓએ કારખાનાનો સામાન અને મશીનરી વેચી નાખી છે. એટલું જ નહીં બેન્કના ચડત વ્યાજ સાથે હપ્તા નહીં ભરી તેના પિતા પાસેથી રૂા. બે લાખ ભરાવ્યા હતાં. લોનના હપ્તાની નોટિસ પોતાના ઘરે આવતી હોવાના ફરીયાદમાં આક્ષેપ કરાયા છે. મહિલા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કે.બી. મકવાણાએ ત્રણેય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.