મંદિર પરિસરમાં ભોજનશાળા, રૂમ, વિસામો, યજ્ઞ શાળા તેમજ શૌચાલય સહિતની સુવિધાઓ ઉભી કરાશે: રૂ.28 લાખની ગ્રાન્ટ સરકારમાંથી આવી જતા મંદિરના અંદરના ભાગે કેમિકલ ટ્રીટમેન્ટ શરૂ કરાશે
રાજકોટના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં ઉતાવળી નદીના કિનારે એક પૌરાણિક મંદિર આવેલું છે. મંદિરની કોતરણી તેનું બાંધકામ તેમજ તેના મંડપ જોઈને જ સૈકા જૂના સ્મારકો યાદ આવી જાય. આવા મંદિરો જોવા માટે લોકો દૂર દૂર જાય છે પણ સુપેડીની આ ઐતિહાસિક ધરોહર સમા મુરલી મનોહર મંદિરથી સૌરાષ્ટ્રના લોકો જ અજાણ છે. ત્યારે આ પૌરાણિક મંદિર એક પ્રવાસન સ્થળ બને તે માટે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ કમર કસી છે.
જિલ્લા કલેકટર પ્રભવ જોશીના જણાવ્યા મુજબ આ પ્રૌરાણીક મંદિરનો વિકાસ કરવા માટે સરકારી કમિટી બનાવવા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્તને સરકારે મંજૂરી આપી દીધી છે. એટલે હવે આ મંદિરના અધ્યક્ષ તરીકે જિલ્લા કલેકટર, ઉપાધ્યક્ષ તરીકે પ્રાંત અધિકારી, સભ્ય સચિવ તરીકે મામલતદાર આ ઉપરાંત પુરાતત્વ વિભાગના અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ અને સુપેડી ગામના સભ્યને કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
કમિટી હવે પૌરાણિક મંદિરમાં વધુમાં વધુ સુવિધા વિકસાવવા આવે, તે દિશામાં પગલાં લેશે. આ માટે પુરાતત્વ વિભાગ સાથે મળીને રૂ.6 કરોડના ખર્ચે સુવિધા વિકસાવવાની સરકારમાં દરખાસ્ત પણ કરવામાં આવી છે. જેમાં આ મંદિરના પરિસરમાં ભોજનશાળા, રૂમ, વિસામો, યજ્ઞ શાળા તેમજ શૌચાલય સહિતની સુવિધાઓ ઉભી કરાશે. જો કે સરકારમાંથી રૂ.28 લાખની ગ્રાન્ટ આવી પણ ગઈ છે. જેમાંથી મંદિરના અંદરના ભાગે કેમિકલ ટ્રીટમેન્ટ શરૂ કરાશે.
મંદિરમાં હરિ અને હર બન્ને એક સાથે બિરાજમાન
હરિ અને હર, હરિ એટલે કૃષ્ણ અને હર એટલે મહાદેવ બંને એક સાથે બિરાજતા હોય તેવું સમગ્ર ભારતવર્ષમાં કોઈ મંદિર હોય તો તે ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ મુરલી મનોહર મંદિર છે. પ્રાચીન અલભ્ય કલાકૃતિનો વારસો ધરાવતાં આ મંદિરને પુરાતન ખાતા દ્વારા રક્ષિત સ્મારક જાહેર તો કર્યું હતું. પરંતુ તેની કલાકૃતિની કંઈ દેખભાળ કરતા ન હોવાની ફરિયાદો ઉઠી હતી.
મંદિર 750 વર્ષ જૂનું, બે ભાઈઓએ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું
લોકવાયકા મુજબ સાડા સાતસો વર્ષ પૂર્વે માણાવદર ગામે રહેતા મોઢ બ્રાહ્મણ જગુદાદ અને તેમના ભાઈ વિરૂદાદને લક્ષ્મીજીએ સપનામાં આવી ધનની પ્રાપ્તી કરાવી હતી. આ ધન યોગ્ય જગ્યાએ વાપરવાની પ્રેરણા આપી હતી. જેથી બંને ભાઈઓએ સુપેડી ગામ પાસે ઉતાવણી, જાંજમેરી અને ધારુણી એમ ત્રણ નદીઓના સંગમ સ્થાન ત્રિવેણી સંગમના કાંઠે મંદિર બનાવવાનો નિર્ણય લીધો પરંતુ બંને ભાઈઓએ એક શરત રાખી કે કોઈએ એકબીજાનું મંદિર નિર્માણનું બાંધકામ જોવું નહિ. આમ એક જ પરિસરમાં બંને ભાઈઓ દ્વારા મંદિર નિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું, જેમાં વચ્ચે એક વિશાળ પડદો રાખવામાં આવ્યો જેથી કોઈ ભૂલથી પણ એકબીજાનું નિર્માણ કાર્ય જોય ન જાય. જ્યારે નિર્માણ કાર્ય પૂર્ણ થયું ત્યારે વચ્ચેથી પડદો હટાવતા ભારે આશ્ચર્ય વચ્ચે બંને મંદિરો એક બીજાની નકલ સમાન બન્યો હતો.
મંદિરમાં દરવાજા જ ફક્ત ઉગમણું અને આથમણું બન્યા એટલો જ ફરક હતો. ડાકોર અને દ્વારિકાના મંદિરના દ્વાર પશ્ચિમ દિશામાં ખુલતા હોય અહીં જે મંદિરના દ્વાર પશ્ચિમ દિશા બાજુ ખુલતા હતા તે મંદિરમાં મુરલી મનોહરને અને જેના દ્વાર પૂર્વ તરફ ખુલતા હતા તેમાં રેવાનાથ મહાદેવની પ્રાણપ્રતિસ્ઠા કરવામાં આવી હતી. બંને મોટા મંદિર સહિત શ્રી રામજી મંદિર, બાળગોપાલ, હનુમાનજી એવા દસ નાના મંદિરો પણ પરિસરમાં આવેલ છે. દરેક મંદિર એક જ પથ્થરમાંથી નિર્માણ પામેલ છે. મંદિરની કોતરણી એટલી અલભ્ય છે કે, જોતા વેંત જ મન હરી લ્યે છે.