વન ટેકસ વન નેશન તરફ સરકારના ડગલા વધુ અડગ થયા
નોટબંધી અને જીએસટીના ફટકા બાદ હાલક-ડોલક થઈ રહેલી અર્થતંત્રની ગાડી ચાલુ કવાર્ટરમાં પટરી પર ચડી ગઈ છે. જુલાઈથી સપ્ટેમ્બર સુધીના કવાર્ટરમાં જીડીપી ૫.૭ ટકાથી વધીને ૬.૩ ટકા પહોંચી છે. ‘વન ટેકસ વન નેશન’ની અમલવારીના કારણે અગાઉ વૃદ્ધિ દર મંદ પડશે તેવી દહેશત વ્યકત કરાતી હતી. અગાઉના કવાર્ટરમાં જીડીપીનો દર ૫.૭ ટકાનો હતો જો કે જીએસટીમાં પ્રોત્સાહનોના પરિણામે આ વધીને ૬.૩ ટકા પહોંચી ગયો છે.
સરકારે જાહેર કરેલા આંકડાનુસાર બીજા કવાર્ટરમાં મેન્યુફેકચરીંગ, વીજળી, ગેસ, પાણી પુરવઠો, વેપાર,હોટેલ, ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન ક્ષેત્રમાં ૬ ટકાથી વધુ વિકાસ થયો છે. અલબત્ત ફોરેસ્ટી અને ફિશરીઝ ક્ષેત્રનો વિકાસ ૧.૭ ટકા રહ્યો છે. ૨૦૧૭-૧૮માં સરકાર નાણાકીય ખાદ્ય જીડીપીના ૩.૨ ટકા લઈ જવાનો લક્ષ્યાંક ધરાવે છે. ગયા વર્ષે પણ સરકારે નાણાકીય ખાદ્ય જીડીપીના ૩.૫ ટકા રાખવાનો લક્ષ્યાંક નકકી કર્યો હતો જેમાં સફળતા મળી હતી.
બીજી તરફ સરકાર ‘વન ટેકસ વન નેશન’ તરફ વધુ આગળ વધી રહી છે. જીએસટીની આવક વધ્યા બાદ ૧૨ ટકા અને ૧૮ ટકાનો સ્લેબ મર્જ કરી દેવાની વાત નાણા પ્રધાન જેટલી કરી ચૂકયા છે. ૧ જુલાઈથી અમલમાં આવેલા જીએસટીમાં હાલ ચાર ટેકસ સ્લેબ છે.
૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકાના સ્લેબમાં ધરખમ સુધારા થવાની શકયતા છે. અગાઉ સરકારે ૨૮ ટકાના સ્લેબમાં ખૂબજ ઓછી વસ્તુઓ રાખવાનો નિર્ણય લીધો હતો.
જેટલીએ કહ્યું હતું કે, ૧૨ ટકા અને ૧૮ ટકાના સ્લેબને મર્જ કરતી વખતે ૧૨ ટકામાં આવતી કેટલીક વસ્તુઓને ૫ ટકામાં લઈ જવામાં આવશે. જેટલીના આ નિવેદનથી હજુ અનેક વસ્તુ સસ્તી થઈ શકે તેવી શકયતા છે. એકંદરે હવે ચાર સ્ટેપની જગ્યાએ ઓછા સ્લેબ થઈ જશે તેવી સંપૂર્ણ સંભાવના જોવા મળી રહી છે. જીએસટીના લાંબાગાળાના સકારાત્મક પરિણામ આવશે તેવું અગાઉ પણ સરકારે કહ્યું હતું. ગઈકાલે જાહેર થયેલા આંકડાનુસાર જીએસટીમાં ગત કવાર્ટર કરતા વધારો થતા હવે સરકાર આ મુદ્દે વધુ આશાસ્પદ જણાય રહી છે.