ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ગુરુવારથી ત્રણ ટી-20 મેચની શ્રેણી શરૂ થઈ રહી છે. સિરીઝની પહેલી મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાશે પરંતુ આ મેચ પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. મોહાલી ટી-20માં વિરાટ કોહલી ટીમનો ભાગ નહીં હોય. હેડ કોચ રાહુલ દ્રવિડે મેચની પૂર્વ સંધ્યાએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ માહિતી આપી હતી.
જૂનમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ અગાઉ ભારતની આખરી ટી-20 શ્રેણી છે
કોહલીની ગેરહાજરીમાં યશસ્વી જયસ્વાલ રોહિત શર્મા સાથે ઇનિંગ્સની શરૂઆત કરશે જ્યારે શુભમન ગિલ ત્રીજા નંબર પર બેટિંગ કરશે. રાહુલ દ્રવિડે આ દરમિયાન કહ્યું હતું કે વિરાટ કોહલી અંગત કારણોસર અફઘાનિસ્તાન સામેની પ્રથમ ટી-20માં નહીં રમે. વિરાટ અને રોહિત છેલ્લા 14 મહિનાથી ભારત માટે કોઈ ટી-20 મેચ રમ્યા નથી. ટી-20 વર્લ્ડ કપ પહેલા બંને દિગ્ગજ ખેલાડીઓની ટીમમાં વાપસી બાદ આ પહેલી મેચ છે.
અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણી જૂનમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ અગાઉ ભારતની આખરી ટી-20 શ્રેણી છે. આ શ્રેણીમાં વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકામાં આયોજિત આઈસીસી ટૂર્નામેન્ટના આયોજન પહેલા એ સ્પષ્ટ થઈ જશે કે ટીમમાં કેટલો દમ છે. ભારતીય ટીમ 11 વર્ષથી આઈસીસી ટ્રોફીની રાહ જોઈ રહી છે. બંને ઇનિંગ દરમિયાન ઝાકળનું પરિબળ ખેલાડીઓને સતત પરેશાન કરશે. વર્તમાન સમયમાં મોહાલીમાં હાડકાં થિજાવી નાખે તેવી ઠંડી પડી રહી છે અને ઠંડા પવનના કારણે અનેક લોકોને સમસ્યા થઇ રહી છે. આ ઉપરાંત મેચ દરમિયાન વાતાવરણ ઝાંખું પડશે તો ખેલાડીઓને સમસ્યા થઇ શકે છે.