જામનગર રોડ પર નવા કોર્ટ બિલ્ડીંગના લોકાર્પણ બાદ વકીલો માટે ટેબલ-ખુરશી રાખવાના પ્રશ્ર્ને છેલ્લા ત્રણ દિવસથી ચાલતા વિવાદનો ઉકેલ લાવવા મળેલા વકીલોના જનરલ બોર્ડમાં બારની ગરીમાનું ચિર હરણ થયું હોય તેવા વરવા દ્રશ્ય સર્જાયા હતા. વકીલો વચ્ચે ઝપાઝપી થતા જનરલ બોર્ડમાં સ્થગીત કરી વિસર્જન કરવાની ફરજ પડી હતી. ધારાશાસ્ત્રીના ગ્રુપીજમ, જ્ઞાતિવાદ અને રાજકારણના કારણે એડવોકેટોને ન શોભે તેવા આક્ષેપ અને પ્રતિ આક્ષેપથી પરિસ્થતી બેકાબુ બની ગઇ હતી. કોર્ટ સંકુલમાં વાતાવરણ ઉગ્ર બની જતા પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. જનરલ બોર્ડ સ્થગીત કરી ટેબલ-ખુરશીનો પ્રશ્ર્ન કર્મુતા બાદ ઉકેલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ટેબલ-ખુરશીના મુદે ચર્ચા થાય તે પૂર્વે જ વકીલો વચ્ચે થયેલી ઝપાઝપીથી જનરલ બોર્ડ સ્થગીત કરાયું: ગુ્રપીઝમ, જ્ઞાતિવાદ અને રાજકારણના કારણે ધારાશાસ્ત્રીઓને ન શોભે તેવા આક્ષેપ-પ્રતિઆક્ષેપથી બંને જુથને છોડાવવા મુશ્કેલ બન્યા
કોર્ટ સંકુલમાં પરિસ્થિતિ બેકાબુ બનતા પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા: કમુરતા બાદ ટેબલ-ખુરશીનો વિવાદ ઉકેલવાની જાહેરાત
નવા કોર્ટ બિલ્ડીંગમાં રાતોરાત ટેબલ ખુરશી રાખી દેવામાં આવતા ટેબલ ખુરશી નવા કોર્ટ સંકુલમાં રાખવાતી વંચિત રહેલા ધારાશાસ્ત્રીઓમાં અસંતોષ થયો હતો. વકીલો વચ્ચે વિવાદ ઉભો થતા ગઇકાલે મોડી રાતે પોલીસની મદદ લેવી પડી હતી અને ત્રણ અધિક સેશન્સ જજની મધ્યસ્થીતી મામલો થાળે પાડી ટેબલ-ખુરશીનો વિવાદ જનરલ બોર્ડમાં ઉકેલવાનો નિર્ણય કર્યો હતો.
નવા કોર્ટ બિલ્ડીંગના પટાગણમાં જાહેરમાં મળેલા વકીલોના જનરલ બોર્ડમાં ટેબલ-ખુરશી અંગેનો પ્રશ્ર્નની ચર્ચા પૂર્વે એક સિનિયર એડવોકેટ દ્વારા જ્ઞાતિ અંગે બોલાયેલા શબ્દથી જનરલ બોર્ડમાં વરવા દ્રશ્ય સર્જાયા હતા. જનરલ બોર્ડ સમરાણમાં ફેરવાયું હતું અને વકીલોના બે જુથ્થ આમને સામને આવી એક બીજાના કાથલા પકડી ઝપાઝપી શરુ કરી હતી. કોણ કોના પર હુમલો કરે છે અને કોણ વકીલોને છોડાવી રહ્યું છે તે નક્કી કરવું મુશ્કેલ બની ગયું હતું. પરિસ્થિતી બેકાબુ બની રાજકોટ બાર એસોિએશનની ગરીમાનું ચિર હરણ થયું હતું. હાથોહાથની થયેલી મારામારી અંગે પોલીસ ફરિયાદ નોંધાવવા સુધી વાત પહોચી હતી ત્યારે કેટલાક સમજુ ધારાશાસ્ત્રીઓએ રાજકોટ બારની ગરીમાને ધ્યાને રાખી સાથે મળી પ્રશ્ર્ન ઉકેલવા કરેલી અપીલ બાદ મામલો થાળે પડયો હતો.
અંદાજે એકાદ હજારથી વધુ વકીલોના મળેલા જનરલ બોર્ડ દરમિયાન થયેલી બઘડાટી વધુ ઉગ્ર બને નહી તે માટે કોઇએ પોલીસને જાણ કરતા પોલીસના ધાડેધાડ ઉતારી દેવામાં આવ્યા હતા.
જનરલ બોર્ડ જે મુદે મળ્યું હતું તે અંગે કોઇ નિર્ણય કે ચર્ચા વિના મોકફુ રાખવાની ફરજ પડી હતી.
ટેબલ-ખુરશીનો વિવાદ કંઇ રીતે ઉકેલવો તે અંગે તમામ એડવોકેટ પોતાનો મત રજુ કરી રહ્યા હતા ત્યારે બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણીએ તમામ એડવોકેટનોની જરુરીયાત મુજબ ટેબલ અને બેઠક વ્યવસ્થા થઇ જશે તેવી હૈયાધારણા આપી હતી. તમામ એડવોકેટને જનરલ બોર્ડ પુરુ થયેલું જાહેર કરી કોર્ટ કમ્પાઉનમાંથી જતા રહેવા અપીલ કરવી પડી હતી.
બારની ચૂંટણીમાં અપાતા વચનો પુરા કરવામાં અસમર્થ?
રાજકોટ બાર એસોસિએશનની ગરીમા વધારવા, બાર અને બેન્ચ વચ્ચેના સુમેળ ભર્યા સંબંધો વધરાવા, જુનિયર વકીલોને પડતી મુશ્કેલીનું નિરાકરણ લાવવા, અસીલો અને વકીલોની સુરક્ષા સહિતના મહત્વના પ્રશ્ર્નોને છેલ્લા ત્રણ વર્ષથી બાર એસોસિએશનની ચૂંટણીમાં સાઇડ લાઇન કરી ચૂંટણીના મહત્વના હોદા પર વિજય થવા માટે જામનગર રોડ પર નવી બનેલા કોર્ટ બિલ્ડીંગમાં ટેબલ-ખુરશી મુકાવી દેવાના પોકળ વચનો આપવાના થયેલા સીલસીલાના કારણે ટેબલ ખુરશી વિવાદનો મુદો બન્યો છે. વકીલોના હિતના બદલે અંગત હિત માટે ચૂંટણી પ્રચાર દરમિયાન ટેબલ ખુરશી માટે મતદાર વકીલોને અપાયેલા વચન અને વાયદામાં પુરા કરવામાં અસમર્થ રહેતા હોવાથી વકીલોના વોટસએપ ગ્રુપમાં રાતભર મેસેજનો મારો ચાલ્યો હતો.
તું…તું…મેં…મેં…અંતે વકીલોની દરમિયાનગીરીથી શાંતિ સ્થપાઈ
નવનિર્મિત કોર્ટ બિલ્ડીંગના લોકાર્પણ બાદ ટેબલ ખુરશી રાખવાના પ્રશ્ર્ને બે દિવસથી ચાલતા વિવાદમાં બાર એસોશીએશન દ્વારા આજરોજ 11 કલાકે વકીલોનું સામુહિક જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું. જેમાં સિનિયર-જૂનિયર વકીલો પોત-પોતાનું મંતવ્ય રજૂ કરવા માટે તક આપવામાં આવી હતી ત્યારે સિનિયર ધારાશાસ્ત્રી દ્વારા જ્ઞાતિ વિષે કરેલા ઉચ્ચારણથી મામલો ગરમાયો હતો અને ઝપાઝપી થઇ હતી. જનરલ બોર્ડને મુલત્વી રાખવાનો વારો આવ્યો હતો. બાદ ઘીના ઠામમાં ઘી પાડવા બાર એસોશીએશનના પ્રમુખ બકુલ રાજાણી, ભગીરથસિંહ ડોડીયા, અશોકસિંહ વાઘેલા, આર.ડી.ઝાલા, અંશ ભારદ્વાજ, ભાવેશ રંગાણી, પરેશ મારૂ, ઇન્દ્રસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ઝાલા સહિતની મધ્યસ્થી ઘંટેશ્ર્વર પાર્ક ખાતે મહેશભાઇ ત્રિવેદી, જે.બી.શાહ, અશ્ર્વિન મહાવીયા અને ડી.બી.બગડા સહિતે બારના હિતને ધ્યાને લઇ રાજીખુશીથી સાથે ચા-પાણી પીને બાર એસોશીએશનના કામે લાગી જવા હાંકલ કરી છે.