મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત-ઉલ-દાવાનો ચીફ હાફિઝ સઈદ પાકિસ્તાનની જેલમાં છે. તે પાકિસ્તાનમાં 78 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ પોતાની અપડેટ માહિતીમાં આ જાણકારી આપી છે.
લશ્કરના સ્થાપક સભ્ય અને નાયબ વડા અબ્દુલ સલામ ભુટ્ટાવીના મોતનો અહેવાલ
યુએનએ જણાવ્યું છે કે આતંકી હાફિઝ સઈદ 12 ફેબ્રુઆરી 2020થી 78 વર્ષની સજા કાપી રહ્યો છે. ટેરર ફંડિંગના 7 કેસમાં તે દોષિત સાબિત થયો છે. તમને જણાવી દઈએ કે ભારતની તપાસ એજન્સીઓ દ્વારા નોંધવામાં આવેલા અનેક કેસોમાં હાફિઝ સઈદ વોન્ટેડ આરોપી છે.
હાફિઝ સઈદને પાકિસ્તાનમાં આતંકવાદને ફંડિંગ માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે. હકીકતમાં હાફિઝ સઈદને ડિસેમ્બર 2008માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 અલ-કાયદા પ્રતિબંધ સમિતિ દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.
વાસ્તવમાં ગયા મહિને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આતંકવાદીઓ અને તેમના સંગઠનોની સંપત્તિને ફ્રીઝ કરવા સહિત મુસાફરીને પ્રતિબંધિત કરવા માટે અલ-કાયદાની પ્રતિબંધોની સૂચિમાંની એન્ટ્રીઓમાં પણ સુધારો કર્યો હતો.
પ્રતિબંધ સમિતિએ અપડેટમાં એમ પણ કહ્યું છે કે લશ્કરના સ્થાપક સભ્ય અને નાયબ વડા અબ્દુલ સલામ ભુટ્ટાવીનું મોત થઇ ગયું છે. તમને જણાવી દઈએ કે ભુટ્ટાવી યુએનની યાદીમાં સામેલ આતંકવાદી હતો અને હાફિઝ સઈદનો નજીક હતો. ભુટ્ટાવીએ 2008માં મુંબઈમાં થયેલા હુમલા માટે લશ્કરના હુમલાખોરોને તાલીમ આપી હતી. મુંબઈ આતંકવાદી હુમલા સિવાય ભુટ્ટાવીએ અનેક આતંકવાદી હુમલા કરાવ્યાનું પણ સામે આવ્યું છે. ગયા વર્ષે મે મહિનામાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતની જેલમાં ટેરર ફંડિંગના કેસમાં સજા ભોગવતા તેનું મૃત્યુ થયું હતું.