142 કારની આયાત પર ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા રેમન્ડ ગ્રુપ ઉપર કસ્ટમ ડ્યુટી ચોરીના કેસ દાખલ કર્યો હતો. જો કે રેમન્ડ ગ્રુપે રૂ.328 કરોડની ચુકવણી કરી આ કેસમાં સમાધાન કર્યું છે.
અબજોપતિ ગૌતમ સિંઘાનિયાના રેમન્ડ ગ્રૂપે 142 કારની આયાત પર કથિત કસ્ટમ ડ્યુટી ચોરીના કેસનો ઉકેલ લાવી દીધો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ રૂ. 328 કરોડની કસ્ટમ ડ્યુટી ચોરીનો આક્ષેપ કર્યો હતો. હવે ડીઆરઆઈના ક્લોઝર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રેમન્ડ ગ્રુપે 328 કરોડ રૂપિયા ચૂકવીને કેસનો ઉકેલ લાવી દીધો છે.
અગાઉ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે કસ્ટમ ડ્યુટી ચોરી મામલે ફટકારી હતી નોટિસ
અહેવાલ મુજબ, રેમન્ડ ગ્રુપના એકમ જેકે ઈન્વેસ્ટર્સ (બોમ્બે) લિમિટેડ દ્વારા ચૂકવવામાં આવેલી રકમમાં 15%ના દરે લાગુ વ્યાજ અને દંડ વગેરેનો પણ સમાવેશ થાય છે. રેમન્ડ ગ્રૂપના સીએમડી ગૌતમ સિંઘાનિયાને ડીઆરઆઈ દ્વારા ગ્રૂપની કંપનીઓ દ્વારા કાર ખરીદવામાં આવેલા કેસમાં ફાયદાકારક માલિક તરીકે ઓળખવામાં આવી હતી. ડીઆરઆઈના જણાવ્યા અનુસાર, સોથેબી, બેરેટ-જેકસન અને બોનહેમ્સ પાસેથી 138 જૂની કાર અને 4 આર એન્ડ ડી વાહનો ખરીદવામાં આવ્યા હતા.
ડીઆરઆઈના જણાવ્યા અનુસાર, કારનું મૂલ્ય ઓછું કરવામાં આવ્યું હતું અને યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ), હોંગકોંગ અને યુએસમાં નોંધાયેલી મધ્યસ્થી કંપનીઓ દ્વારા ભારત મોકલવામાં આવી હતી. આનાથી સરકારી તિજોરીને રૂ. 229.72 કરોડની આવકનું નુકસાન થયું હતું.
રેમન્ડ જૂથના જેકે ઇન્વેસ્ટર્સ (બોમ્બે)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આ એક જૂનો કેસ છે. તે ખોટી ગણતરીનો મામલો હતો જે ચૂકવવામાં આવ્યો છે અને હવે કેસ બંધ છે.” આ કેસ સાથે સંકળાયેલા રેમન્ડ ગ્રૂપના અધિકારીએ જણાવ્યું હતું કે તિજોરીને થયેલું નુકસાન નોંધાયેલી રકમ કરતાં ઘણું ઓછું છે કારણ કે તેમાં દંડ અને વ્યાજનો સમાવેશ થાય છે. કરચોરી કરવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી.” ડીઆરઆઈના જણાવ્યા અનુસાર, 2018 અને 2021 વચ્ચે અલગ-અલગ ઓક્શન હાઉસમાંથી ખરીદેલી કાર યુએસ અને યુકેથી સીધી ભારતમાં મોકલવામાં આવી હતી. 27 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી, 2022 ની વચ્ચેની તેની તપાસ દરમિયાન, ડીઆરઆઈએ જેકે હાઉસ, સિંઘાનિયાના મુંબઈના નિવાસસ્થાન સહિત રેમન્ડ ગ્રૂપ સાથે જોડાયેલ જગ્યાઓ પર પણ તપાસ હાથ ધરી હતી. એજન્સીએ ઈમેલ અને ચેટ દ્વારા ખરીદી માટે ચૂકવવામાં આવેલ વાસ્તવિક કિંમતો શોધી કાઢી હતી. ડીઆરઆઈ અનુસાર, કોડમાં 78 વપરાયેલી કારની કિંમતો દર્શાવવામાં આવી હતી.