છેલ્લા ઘણા સમયથી રાતા સમુદ્રને ચાંચિયાઓએ બાનમાં લીધું છે. ત્યારે હવે વેપારમાં જળમાર્ગની સુરક્ષા જળવાય રહેશે. કારણકે વૈશ્વિક વેપારમાં રોડા નાખતા ચાંચિયાઓને ભરી પીવા ભારતીય નૌસેના સજ્જ બની છે. નૌ સેનાએ 10 યુદ્ધ જહાજ દરિયાઈ સુરક્ષા માટે ઉતાર્યા છે.
નૌસેનાએ આધુનિક શસ્ત્રોથી સજ્જ 10 યુદ્ધ જહાજો દરિયામાં ઉતાર્યા, ડ્રોનથી પણ દરિયાઈ માર્ગનું સતત નિરીક્ષણ
ભારતીય સેનાએ 10 થી વધુ યુદ્ધ જહાજો દરિયામાં ઉતાર્યા છે. તેમને અરબી સમુદ્ર અને એડનની ખાડીમાં તૈનાત કરવામાં આવ્યા છે. તમામ યુદ્ધ જહાજો મરીન કમાન્ડો અને આધુનિક હથિયારોથી સજ્જ છે. તૈનાત જહાજોમાં આઈએનએસ કોલકાતા, આઈએનએસ કોચી, આઈએનએસ ચેન્નાઈ, આઈએનએસ મોર્મુગાઓ, આઈએનએસ તલવાર અને આઈએનએસ તારકશનો સમાવેશ થાય છે.
હુથી બળવાખોરો અને ચાંચિયાઓથી દરિયાઈ માર્ગને સુરક્ષિત કરવા ભારતે આ મહત્વનું પગલું લીધું છે. ભારતીય નૌકાદળે દરિયાઈ સુરક્ષા અભિયાન શરૂ કર્યું છે. એક તરફ યમન અને બીજી તરફ સોમાલિયા છે અને તે તેલના પરિવહન માટેનો સૌથી મહત્વપૂર્ણ માર્ગ છે. તાજેતરમાં, સોમાલિયાના દરિયાકાંઠે સમુદ્રી જહાજને ચાંચિયાઓએ હાઇજેક કર્યું હતું. તેથી, ભારતીય નૌકાદળે આ વિસ્તારમાં તેના યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે.
રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાએ દરિયાઈ સુરક્ષા માટે ઓપરેશન ગાર્ડિયન પણ શરૂ કર્યું છે, ભારતીય નૌકાદળે તેની સરહદો અને પરિવહન માર્ગોની સુરક્ષા માટે યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે. કારણ કે માલસામાન વહન કરતા જહાજો પર હુથીઓ અને ચાંચિયાઓના વધતા હુમલાઓને કારણે નૂરના દરો વધવા લાગ્યા છે, આનાથી બચવા માટે ભારત સરકારે નૌકાદળને સુરક્ષા આપવા માટે સૂચના આપી છે. પી-8આઈ એરક્રાફ્ટ અને એમકયું -9બી સી-ગાર્ડિયન ડ્રોન દ્વારા પશ્ચિમ કિનારે સમુદ્રમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જે દરિયાની સરહદોનું લાઈવ નિરીક્ષણ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ આઈએનએસ ચેન્નાઈના કમાન્ડોએ પી-8આઈ એરક્રાફ્ટની સાથે અરબી સમુદ્રમાંથી પસાર થઈ રહેલા એક લાઈબેરિયન કાર્ગો જહાજને હાઈજેક થતા બચાવ્યું હતું. ચાંચિયાઓએ તેને ઘેરી લીધુ હતું. આ ઓપરેશન હેઠળ 15 ભારતીયો સહિત તમામ 21 ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા હતા. આ ઓપરેશનને સફળ બનાવવામાં ભારતીય નૌકાદળના માર્કોસ કમાન્ડોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. અગાઉ પણ દરિયામાં 4 યુદ્ધ જહાજો તૈનાત કરવામાં આવ્યા હતા, પરંતુ હવે તૈનાત કરાયેલા યુદ્ધ જહાજો પાસે વિવિધ પ્રકારની ગન, શોર્ટ અને મિડિયમ રેન્જ એટેક મિસાઈલ અને જામર છે, જેનો ઉપયોગ જરૂર પડ્યે થઈ શકે છે.
રાતા સમુદ્રનો માર્ગ જો બંધ થાય તો અઢી લાખ કરોડની નુકસાની થઈ શકે
રાતા સમુદ્રનો ઉપયોગ જળમાર્ગ તરીકે વિપુલ પ્રમાણમાં થાય છે. વિશ્વભરના વેપારમાં આ માર્ગ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે જો આ માર્ગ જોખમી હાલતમાં રહેશે તો ભારત ચાલુ નાણાકીય વર્ષમાં તેની કુલ નિકાસમાં આશરે રૂ.અઢી લાખ કરોડનો ઘટાડો જોઈ શકે છે, કારણ કે રાતા સમુદ્રમાં કાર્ગો જહાજો માટેના જોખમોને કારણે ક્ધટેનર શિપિંગના દરમાં વધારો થાય છે અને નિકાસકારો શિપમેન્ટ પર રોક લગાવે છે. વિશ્વના સૌથી મોટા શિપ બ્રોકરના એકમ ક્લાર્કસન રિસર્ચ સર્વિસિસના જણાવ્યા અનુસાર સુએઝ કેનાલમાંથી પસાર થતા જહાજોની સંખ્યા ડિસેમ્બરના પ્રથમ અર્ધમાં સરેરાશની સરખામણીમાં લગભગ 44% ઓછી છે. તેઓએ જણાવ્યું હતું કે ગત મહિનાની શરૂઆતમાં લગભગ 4 મિલિયન ટનની સરખામણીએ 3 જાન્યુઆરીના અઠવાડિયામાં લગભગ 2.5 મિલિયન ગ્રોસ ટનના સંયુક્ત ટનેજ સાથેના જહાજો પસાર થયા હતા. યમનના ઈરાન સમર્થિત હુથી આતંકવાદીઓએ તાજેતરના અઠવાડિયામાં રાતા સમુદ્રમાંથી પસાર થતા જહાજોને મિસાઈલોથી નિશાન બનાવ્યા છે. હુથિઓ કહે છે કે તેઓ ઇઝરાયેલ સાથે જોડાણ ધરાવતા કોઈપણ જહાજોની પાછળ જઈ રહ્યા છે.