જામનગર રોડ પર એસઆરપી કેમ્પ નજીક આવેલા વર્ધમાનનગરની બે સગી બહેનને લગ્ન સમયે સોનાના ઘરેણા માટે આપેલા રુા.10 લાખ બંને બહેનના પતિ અને સાસુ ઓળવી જઇ સોનાના ઘરેણા ન બનાવી બંને બહેનના છુટાછેડા આપી દેવાની ધમકી દઇ ત્રાસ દેતા કેરોસીન પી આપઘાતનો પ્રયાસ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
બે સગા ભાઇ સાથે ત્રણ વર્ષ પહેલાં બે બહેનના લગ્ન સમયે સોનાના ઘરેણા માટે આપેલા રૂ.10 લાખ ઓળવી જતા કેરોસીન ગટગટાવી લીધું
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઘંટેશ્ર્વર પાસે એસઆરપી કેમ્પ પાસે વર્ધમાનનગરમાં રહેતી હેતલબા શૈલેન્દ્રસિંહ ઝાલાએ ગઇકાલે સાંજે પોતાના ઘરે કેરોસીન પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.મવડી પ્લોટમાં રહેતા હેમુભા મેરુભા જાડેજાની પુત્રી હેતલબા અને તેનાથી નાની પુત્રી ધૃતિબાના ત્રણેક વર્ષ પહેલાં વર્ધમાનગરમાં રહેતા જગદીશસિંહ યશવંતસિંહ ઝાલાના પુત્ર શૈલેન્દ્રસિંહ ઝાલા અને હરપાલસિંહ ઝાલા સાથે લગ્ન થયા હતા. લગ્ન સમયે બંને પુત્રીને સોનાના ઘરેણા બનાવવા માટે હેમુભા જાડેજા રુા.10 લાખ રોકડા પોતાના જમાઇ શૈલેન્દ્રસિંહ ઝાલા અને હરપાલસિંહ ઝાલાને આપ્યા હતા ત્યારે તેમને ફલેટની લોન પેટે ભરી દઇ પોતાની સગવડ થશે ત્યારે સોનાના ઘરેણા બનાવી આપશે તેમ જણાવ્યું હતું.
લગ્નના ત્રણ વર્ષ થવા છતાં હેતલબા અને ધૃતિબાને સોનાના ઘરેણા ન બનાવી ઓળવી જતાં બંને બહેનને પોતાના પતિ અને સાસુ નિલમબા સાથે ઝઘડો થયો હતો. શેલૈન્દ્રસિંહ અને હરપાલસિંહ તેમજ સાસુ નિલમબાએ બંને બહેનોને છુટાછેડા દેવાની ધમકી દેતા હેતલબાએ કેરોસીન પી આત્મહત્યાનો પ્રયાસ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. યુનિર્વસિટી પોલીસે હેતલબાની ફરિયાદ પરથી શેલૈન્દ્રસિંહ ઝાલા, હરપાલસિંહ ઝાલા અને નિલમબા ઝાલા સામે શારિરીક અને માનસિક ત્રાસ અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.