માલદીવમાં નવી સરકાર આવી અને ચીન સાથે નિકટતા વધારી એટલે મોદીએ તેને માત્ર એક ઝલક આપીને માપમાં રહેવાનો ઈશારો કરી દીધો છે. દેશના વડાપ્રધાન લક્ષદ્વિપ ઉપર જઈને બીચ ઉપર હળવાશની પળો માણે, સ્ફુબા ડાઇવિંગ કરે અને તેનું ફોટોસેશન કરાવીને સોશિયલ મીડિયા ઉપર મૂકે આવી ઘટના સર્જાય એટલે સ્વાભાવિક એક પ્રશ્ન દરેક લોકોને ઉઠે કે શું વડાપ્રધાન મોદી આટલા ફ્રી છે ? તો આનો જવાબ એ પણ સમજી શકાય કે માલદીવને ભારતની તાકાતનો પરચો આપવા માટે વડાપ્રધાને દેશવાસીઓને માત્ર એક ઈશારો કર્યો કે આપણું લક્ષદ્રીપ માલદીવથી કઈ ઓછું નથી. જો કે વડાપ્રધાનના આ પ્રયત્નથી એ તો નક્કી છે કે લક્ષદ્રીપમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાનો છે.
ભારત અને માલદીવ વચ્ચે વેપારમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2021માં પ્રથમ વખત ભારત અને માલદીવ વચ્ચેની કુલ આયાત 300 મિલિયન ડોલરને વટાવી ગઈ હતી. વર્ષ 2021માં ભારત અને માલદીવ વચ્ચે 323 મિલિયન ડોલરનો વેપાર થયો હતો, જેમાંથી ભારતે માલદીવમાં 317 મિલિયન ડોલરની નિકાસ કરી હતી અને 5.94 મિલિયન ડોલરની આયાત કરી હતી. તે વર્ષ 2022માં વધીને 501.83 મિલિયન ડોલર થશે અને મે 2023 સુધીમાં 180.15 મિલિયન ડોલર સુધી પહોંચી જશે.
ભારત અને માલદીવ વચ્ચેના વેપારના આંકડા જોઈએ તો સમજાશે કે માલદીવ આપણા પર કેટલું નિર્ભર છે. વર્ષ 2022 માં, ભારતે માલદીવમાં 495 મિલિયન ડોલરના માલની નિકાસ કરી હતી, જ્યારે માત્ર 5.94 મિલિયન ડોલરના માલની ખરીદી કરી હતી. માલદીવ ભારતથી થતી નિકાસ પર નિર્ભર છે. માલદીવ ભારતમાંથી કૃષિ અને મરઘાં ઉત્પાદનો, ખાંડ, ફળો, શાકભાજી, મસાલા, ચોખા, ઘઉંનો લોટ, કાપડ અને દવાઓ જેવી મહત્વપૂર્ણ ચીજવસ્તુઓની આયાત કરે છે. ભારત માલદીવને મિકેનિકલ એપ્લીકેશન્સ, ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ, પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકની વસ્તુઓ, લાકડું અને લાકડાના ઉત્પાદનોનું વેચાણ કરે છે. જો ભારત માલદીવ પ્રત્યે થોડી કઠોરતા બતાવશે તો ત્યાં ખાવા-પીવાની સમસ્યા સર્જાશે.
માલદીવનું પ્રવાસન ક્ષેત્ર ભારત પર નિર્ભર છે. માલદીવમાં આવનાર વિદેશીઓની યાદીમાં ભારત ટોચ પર છે. વર્ષ 2023માં ભારતમાંથી 209198 લાખ લોકો માલદીવની મુલાકાતે આવ્યા હતા. માલદીવનું અર્થતંત્ર પ્રવાસન પર નિર્ભર છે. તેની અર્થવ્યવસ્થામાં પ્રવાસન ક્ષેત્રનું યોગદાન 28 ટકા છે, જ્યારે વિદેશી વિનિમયમાં પ્રવાસન ક્ષેત્રનું યોગદાન 60 ટકા છે. આવી સ્થિતિમાં જો ભારતીયો માલદીવથી દૂર રહેશે તો માલદીવની અર્થવ્યવસ્થા પડી ભાંગશે.
માલદીવમાં લગભગ 26,000 ભારતીયો રહે છે, જેઓ તેની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. જો બંને દેશો વચ્ચે અણબનાવ વધશે તો માલદીવની અર્થવ્યવસ્થાને ફટકો પડશે. વર્ષ 2021 માં, ભારતીય કંપની, એફકોન્સએ માલદીવમાં સૌથી મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રેટર મેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટ હાથ ધર્યો. ભારતે ઓપરેશન કેક્ટસ 1988 હેઠળ બળવાના પ્રયાસને નિષ્ફળ બનાવીને માલદીવની સરકારને મદદ કરી. ઓપરેશન નીર 2014 હેઠળ માલદીવને પીવાનું પાણી પૂરું પાડ્યું અને ઓપરેશન સંજીવની હેઠળ કોવિડ દરમિયાન દવાઓ પૂરી પાડી.