થોળારા વિસ્તારમાં આવેલા રામનગરમાં જય ખોડીયાર એન્ટરપ્રાઇઝ નામના કારખાનેદારે પોતાના પુત્રની પ્રેમિકાના પિતા અને તેના ભાઇ માર મારી રુા.10 લાખ પડાવ્યાની અને વધુ રુા.25 લાખ પડાવવા જમીનનું સાટાખત લખી આપવા દબાણ કરતા કંટાળી સ્યુસાઇટ નો લઇ આપઘાત કરી લેતા પોલીસે બંને શખ્સો સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેની થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દેવપરા નજીક નિલકંઠ પાર્કમાં કાવેરી એપાર્ટમેન્ટમાં રહેતા અને રામનગરમાં જય ખોડીયાર એન્ટર પ્રાઇઝ નામનું ઘડીયાળનું કારખાનું ધરાવતા સુરેશભાઇ માવજીભાઇ ટીંબડીયા નામના 50 વર્ષના પટેલ પ્રૌઢે ગઇકાલે સાંજે પોતાના કારખાનામાં ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનું પોલીસમાં નોંધાયું છે.
પ્રેમિકાના મંગેતરને પ્રેમીએ વોટસએપથી ફોટા મોકલતા ડખ્ખો થયો: યુવતીના પિતાએ માર મારી 10 લાખ પડાવી વધારે 25 લાખ પડાવવા જમીનનું સાટાખત કરી દેવા દબાણ કર્યાનો સ્યુસાઇડ નોટમાં આક્ષેપ
કારખાનેદારને ગળાફાંસો ખાઇ આપઘાતની ફરજ પડાયા અંગેનો બે સામે નોંધાતો ગુનો
સુરેશભાઇ માવજીભાઇ ટીંબડીયાને રાજુ વેલજી રોકડ અને સંજય વેલજી રોકડ માર મારી રુા.10 લાખ પડાવ્યાની અને વધુ રુા.25 લાખ પડાવવા માટે જમીનનું સાટાખત કરી આપવા ધાક ધમકી દેતા હોવાથી કંટાળી આપઘાત કર્યાનો મૃતક સુરેશભાઇ ટીંબરડીયાના પુત્ર મયુર ટીંબડીયાએ આક્ષેપ કરતા થોરાળા પોલીસે તેની ફરિયાદ પરથી બંને સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધ્યો છે.
મયુર ટીંબડીયાને રાજુભાઇ રોકડની પુત્રી સાથે પ્રેમ સંબંધ હતો પરંતુ રાજુભાઇ રોકડે પોતાની પુત્રી અન્ય યુવક સાથે સગાઇ કરતા મયુર ટીંબડીયાએ પોતાના પ્રેમ સંબંધ અંગેના ફોટા વોટસએપથી પ્રેમિકાના મંગેતરને મોકલતા સગાઇ તુટી ગઇ હતી.
આથી રાજુભાઇ રોકડ અને તેના ભાઇ સંજયભાઇ રોકડ ઉશ્કેરાયા હતા તમારા કારણે અમારી દિકરીની સગાઇ તુટી ગઇ છે. સમાજમાં બદનામી થઇ છે તેમ કહી છ માસ પહેલાં મયુર ટીંબડીયા અને તેના પિતા સુરેશભાઇ ટીંબડીયાને માર મારી રુા.10 લાખ પડાવ્યા હતા અને વધુ રુા.25 લાખ માટે ધાક ધમકી દેતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
થોરાળા પોલીસ મથકના પીએસઆઇ આર.આર.સોલંકીએ રાજુ રોકડ અને સંજય રોકડ સામે આત્મ હત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
કારખાનેદાર છ માસથી હેરાન કરતા હોવાની સ્યુસાઇડ નોટ લખી
સુરેશભાઇ ટીંબડીયાએ ગઇકાલે સાંજે પોતાના કારખાને જઇ રાજુભાઇ રોકડ અને સંજયભાઇ રોકડને સમાધાન માટે રુા.10 લાખ આપ્યા છતાં ધાક ધમકી દેતા હોવાનું તેમજ પોતાની હાજરીમાં પોતાના પુત્રને માર માર્યા અંગેના આક્ષેપ સાથે સ્યુસાઇટ નોટ લખી હતી. પોતાના પર કોઇ જાતનું દેણું ન હોવાનું તેમજ તે કોની પાસે કેટલી રકમ માગે તેનો ઉલ્લેખ કરી પોતાનું શરીર કોઇને કામ આપે તેમ હોય તો અંગ દાન માટે પરિવારને ભલામણ કરી હોવાથી સુરેશભાઇ ટીંબડીયાની ઇચ્છા અનુસાર ચક્ષુદાન કરવામાં આવ્યું હતું.