વિપક્ષી સંગઠન ઇન્ડિયામાં સીટ વહેંચણીને લઈને તૃણમૂલ અને કોંગ્રેસ વચ્ચે ધમાસાણ મચી છે.ભાજપ સામે લડવાનો પડકાર ઝીલવા પૂર્વે વિપક્ષી સંગઠનમાં એકતા સાધવાનો જ મોટો પડકાર આવ્યો છે. અનેક રાજ્યોમાં બેઠક વહેંચણીને લઈને વિવાદ સર્જાયો છે. બંગાળમાં સીટોની વહેંચણીને લઈને વિપક્ષી ગઠબંધનનો ભાગ બનેલી તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલો વિવાદ સતત વધી રહ્યો છે. પશ્ચિમ બંગાળ રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ અધિન રંજન ચૌધરીએ ગુરુવારે તૃણમૂલ કોંગ્રેસ દ્વારા બે બેઠકોની ઓફર પર વળતો પ્રહાર કર્યો હતો.
ભાજપ સામે લડવાનો પડકાર ઝીલવા પૂર્વે વિપક્ષી સંગઠનમાં એકતા સાધવાનો જ મોટો પડકાર અનેક રાજ્યોમાં બેઠક વહેંચણીને લઈને વિવાદ
તૃણમૂલ પર નિશાન સાધતા અધીર રંજને કહ્યું કે કોણ તેમની પાસેથી ભીખ માંગવા ગયું છે, ’અમને ખબર નથી કે અમારી પાસે બે બેઠકો છે કે નહીં. મમતા પાસે કોણ માંગી રહ્યું છે સીટો? કોંગ્રેસને મમતાની દયાની જરૂર નથી, અમે સ્વબળે ચૂંટણી લડી શકીએ છીએ. તેમણે કહ્યું કે જો ગઠબંધન નહીં થાય તો સૌથી વધુ ખુશ કોનણ થશે? તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી આનાથી સૌથી વધુ ખુશ થશે. તેથી આ બધું કરીને તૃણમૂલના વડા અને મુખ્યમંત્રી મમતા બેનર્જી નરેન્દ્ર મોદીની સેવા કરી રહ્યા છે.
મમતા બેનર્જીએ સંકેત આપ્યા બાદ અધીર રંજનનું આ નિવેદન આવ્યું છે કે મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી માટે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને બે બેઠકોની ઓફર કરી હતી. આ સાથે મમતા બેનર્જીએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી સાથે રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા માટે જ ઈન્ડિયા બ્લોકની રચના કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં માત્ર તૃણમૂલ કોંગ્રેસ જ ભાજપ સામે લડશે, જ્યારે બાકીના દેશમાં ઈન્ડિયા બ્લોક હશે. પશ્ચિમ બંગાળમાં માત્ર તૃણમૂલ કોંગ્રેસ જ ભાજપને હરાવી શકે છે અને દેશભરમાં અન્ય લોકો માટે એક મોડેલ સેટ કરી શકે છે.
અધીર રંજન ચૌધરીએ, જેઓ રાજ્યમાં મમતા બેનર્જી સરકારના સખત ટીકાકાર છે , જણાવ્યું હતું કે “મમતા બેનર્જીનો અસલી ઈરાદો બહાર આવી ગયો છે. તેઓ જે બે બેઠકો વિશે વાત કરી રહ્યા છે ત્યાં પહેલાથી જ કોંગ્રેસના સાંસદો છે, જે અમે તૃણમૂલ કોંગ્રેસને હરાવીને જીત્યા છે. મમતા બેનર્જી પર કોણ વિશ્વાસ કરશે? કોંગ્રેસ આ બે બેઠકો પર એકલા હાથે લડી શકે છે અને વધુ બેઠકો લડવા અને જીતવા સક્ષમ છે.
પશ્ચિમ બંગાળમાં, કોંગ્રેસે 2019ની લોકસભાની ચૂંટણી એકલા હાથે લડી હતી, જ્યારે કોંગ્રેસના મોટાભાગના નેતાઓએ સીપીઆઈ (એમ) સાથે બેઠક વહેંચણીની માંગ કરી હતી, પરંતુ કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ એકલા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. તેથી, 42 બેઠકોમાંથી, કોંગ્રેસ માત્ર 2 બેઠકો જીતી શકી, જ્યારે ટીએમસીએ 22 બેઠકો જીતી.