માનવ તસ્કરીની આશંકામાં ફ્રાન્સથી ભારત પરત મોકલવામાં આવેલા ’ડોન્કી ફ્લાઈટ’ની તપાસમાં વધુ એક ખુલાસો થયો છે. પ્લેન મારફત અમેરિકામાં ગેરકાયદેસર સ્થળાંતરના મામલામાં સીઆઈડી (ક્રાઈમ એન્ડ રેલવે)ની તપાસમાં ખુલાસો થયો છે કે 6 ડિસેમ્બરે પણ દુબઈથી નિકારાગુઆ માટે અન્ય એક વિમાને ઉડાન ભરી હતી. અત્યાર સુધીમાં આવી કુલ 3 ચાર્ટર ફ્લાઇટએ ઉડાન ભર્યાનું માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે, 21 ડિસેમ્બરના રોજ શંકાસ્પદ માનવ તસ્કરીની માહિતી મળ્યા બાદ ફ્રાન્સના સત્તાવાળાઓએ 303 મુસાફરો (જેમાંથી 96 ગુજરાતના હતા)ને લઈને ફ્રાન્સના વેટ્રી એરપોર્ટથી ફ્લાઇટને ઉડવાની મંજૂરી આપી ન હતી.
6 ડિસેમ્બરે ઉપડેલી ફ્લાઇટમાં આશરે 200 મુસાફરો હોવાનો પ્રાથમિક અહેવાલ
દુબઈથી નિકારાગુઆ જઈ રહેલું આ પ્લેન ફ્રાંસના એરપોર્ટ પર ઈંધણ ભરવા માટે રોકાઈ ગયું હતું પરંતુ આ ઘટનાના બે દિવસ પહેલા જર્મનીમાં એક ચાર્ટર પ્લેન રોકાઈ ગયું હતું. અહેવાલ અનુસાર સીઆઈડી (ક્રાઈમ)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તપાસ દરમિયાન અમને વધુ બે ફ્લાઈટ્સ વિશે જાણવા મળ્યું જે ભારતીયોને લઈ જઈ રહી હતી. અમે પુષ્ટિ કરી છે કે 6 ડિસેમ્બરે દુબઈથી નિકારાગુઆ માટે ફ્લાઇટ ઉપડી હતી. જે એજન્ટોની ફ્રાન્સ મારફતે ફ્લાઇટ વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે તેઓ 6 ડિસેમ્બરની ટ્રિપમાં પણ સામેલ હતા.
સીઆઈડી ક્રાઇમના એસપી સંજય ખરાતે જણાવ્યું હતું કે પોલીસે ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર રોકાયેલા મુસાફરોની પૂછપરછ કરી છે, પરંતુ તેમના દસ્તાવેજોમાં કોઈ ગેરરીતિ જોવા મળી નથી. તેમણે કહ્યું કે તેમના દસ્તાવેજો માન્ય છે પરંતુ તેમણે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાની યોજના બનાવી હતી. તમને જણાવી દઈએ કે 24 ડિસેમ્બરે વેટ્રી એરપોર્ટની એક કોર્ટે પ્લેનને ભારત પરત ફરવાની મંજૂરી આપી હતી. ફ્રાંસમાં જ્યારે ફ્લાઇટ અટકાવવામાં આવી ત્યારે તેમાં 303 મુસાફરો સવાર હતા, પરંતુ ફ્લાઇટ માત્ર 276 મુસાફરો સાથે મુંબઈમાં લેન્ડ થઈ હતી.
તપાસ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે ફ્રેન્ચ ફ્લાઇટ પહેલાની ફ્લાઇટમાં 200 જેટલા મુસાફરો હતા, જેમાંથી 60 ગુજરાતના હતા અને વિમાનને 10-12 કલાક માટે જર્મનીના એરપોર્ટ પર ટેક્નિકલ રીતે રોકી દેવામાં આવ્યું હતું. આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે આમાંના કેટલાક ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અમેરિકામાં પ્રવેશ્યા હોઈ શકે છે, જ્યારે કેટલાક મેક્સિકોમાં હતા. તેમણે કહ્યું કે વેટ્રી એરપોર્ટ અને જર્મની દ્વારા ચાર્ટર્ડ ફ્લાઈટની વ્યવસ્થા કરનારા એજન્ટો એક જ હતા.
માનવ તસ્કરીની આશંકાથી ફ્રાન્સથી પરત મોકલવામાં આવેલા મધ્ય અમેરિકન દેશ નિકારાગુઆ જવાના વિમાનમાં સવાર ગુજરાતના 60 થી વધુ લોકો ઇમિગ્રેશન એજન્ટને 60-80 લાખ રૂપિયા ચૂકવવા તૈયાર થયા હતા તેવું જાણવા મળ્યું છે. આ તમામ મુસાફરોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાનું વચન આપવામાં આવ્યું હતું. એક અઠવાડિયા પહેલા નિકારાગુઆ જનાર એરબસ એ340 પ્લેનને માનવ તસ્કરીની શંકાના આધારે ફ્રાન્સમાં ચાર દિવસ માટે અટકાયતમાં રાખવામાં આવ્યું હતું. વિમાનમાં 260 ભારતીયો સહિત 303 મુસાફરો સવાર હતા. તે પ્લેન 26 ડિસેમ્બરના વહેલી સવારે મુંબઈ પરત ફર્યું હતું. સ્ટેટ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આ મુસાફરોમાં 66 ગુજરાતના લોકો હતા.