આયુર્વેદનો જન્મ ભારતમાં થયો હોવા છતાં અત્યારે આયુર્વેદથી આપણે દૂર ભાગી રહ્યા છીએ. જ્યારે વિશ્વના અનેક દેશોને અત્યારે આયુર્વેદ પ્રત્યે ઘેલું લાગ્યું છે. આયુર્વેદ શીખવે છે કે આપણું રસોડું પણ એક દવાખાનું જ છે. જ્યાંથી અનેક વસ્તુ દવા તરીકે ઉપયોગ થઈ છે અને કોઈ આડઅસરનો પણ સામનો કરવો નથી પડતો. તેમ છતાં અત્યારે એન્ટીબાયોટિક સહિતની અન્ય દવાઓનો ઉપયોગ જોખમી રીતે વધ્યો છે.

એન્ટી બાયોટિક દવાઓનો બેફામ ઉપયોગ ચિંતાનું કારણ છે. વર્ષ 2019માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જાહેર આરોગ્યના ટોચના 10 જોખમોમાં એક જોખમ તરીકે એન્ટિમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સનો સમાવેશ કર્યો છે. જેની પાછળનું મુખ્ય કારણ એન્ટી બાયોટિક દવાઓનો આડેધડ ઉપયોગ છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે આ પડકારનો સામનો કરવા ઘણા પગલા લીધા છે, પરંતુ  સરકારી રિપોર્ટમાં જાહેર થતા આંકડાઓ ચિંતાજનક છે.

આ અભ્યાસ 15 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશની 20 હોસ્પિટલમાં કરવામાં આવ્યો છે. આ સર્વે છ મહિનામાં 9,652 દર્દીઓ પર કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ હોસ્પિટલોમાં ડોક્ટરોએ 71.9 ટકા દર્દીઓને એન્ટિ બાયોટિક્સ દવાઓ લખી હતી. 20 માંથી ચાર સંસ્થાઓએ 95 ટકાથી વધુ દર્દીઓને એન્ટિ બાયોટિક્સ દવાઓ સૂચવી હતી.

આ અભ્યાસ નવેમ્બર 2021 અને એપ્રિલ 2022 વચ્ચે કરવામાં આવ્યો હતો. તમાં મંગળવારે  કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તારણો બહાર પાડ્યા હતા. જેમાં કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 45 ટકા દર્દીઓને સારવાર માટે એન્ટિ બાયોટિક્સ આપવામાં આવી રહી છે. જ્યારે 55 ટકા દર્દીઓને રોગથી બચવા માટે એન્ટિ બાયોટિક્સ આપવામાં આવી રહી છે. અભ્યાસમાં  એ પણ જાણવા મળ્યું છે કે 4.6 ટકા દર્દીઓએ ચાર કે તેથી વધુ એન્ટિ બાયોટિક્સ લીધી હતી.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એક્સેસ ગ્રૂપ એન્ટિ બાયોટિક્સ (38 ટકા) કરતાં વોચ ગ્રૂપ એન્ટિ બાયોટિક્સ (57 ટકા) વધુ વખત સૂચવવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે વોચ ગ્રુપ એન્ટિબાયોટિક્સમાં એન્ટિ બાયોટિક પ્રતિકાર વિકસાવવાની વધુ ક્ષમતા હોય છે. એક એવી  ભલામણ પણ કરવામાં આવી છે કે, દરેક તબીબી સંસ્થા પાસે એન્ટિ બાયોટિક પોલિસી હોવી જોઈએ. તેમજ તબીબી સંસ્થાઓએ એન્ટિ બાયોટિક પ્રતિકાર ઘટાડવા માટે સારવાર માનક માર્ગદર્શિકાઓનું પાલન કરવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.