મધ્યાહ્નન ભોજન યોજનામાં અપાતી કુકિંગ કોસ્ટ પોષાય તેમ નથી તેવો સંચાલકોમાં દેકારો મચ્યો છે. આ સાથે નાસ્તા માટે કોઈ અલગથી અનાજ કે કુકિંગ કોસ્ટ અપાતું નથી, ફક્ત એક ટાઇમના જ ભોજનની જૂની પ્રથા લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે મધ્યાહ્નન ભોજન યોજના કર્મચારી મંડળે મધ્યાહ્નન ભોજન યોજનાના કમિશનરને રજુઆત કરવામાં આવી છે.
ધો.1થી 5માં રસોઈનો ખર્ચ રૂ.5નો જ્યારે કુકિંગ કોસ્ટ માત્ર રૂ.3.16 જ અપાઈ છે, ધો.6થી 8માં રસોઈનો ખર્ચ રૂ.7.50નો જ્યારે કુંકિંગ કોસ્ટ માત્ર રૂ. 4.72 જ અપાઈ છે
નાસ્તા માટે કોઈ અલગથી અનાજ કે કુકિંગ કોસ્ટ અપાતું નથી, ફક્ત એક ટાઇમના જ ભોજનની જૂની પ્રથા લાગુ કરો : મધ્યાહ્નન ભોજન યોજના કર્મચારી મંડળની ગાંધીનગર રજુઆત
પી એમ પોષણ યોજના હેઠળ સરકારી પ્રાથમિક શાળાના બાલવાટિકાથી લઈ ધોરણ 1 થી 8 ના વિધાર્થીઓને દરેક શાળા માં મધ્યાહન ભોજન યોજનાના કિચન શેડમાં રાંધેલ ગરમાગરમ ખોરાક આપવામાં આવે છે. સરકાર દ્વારા ધો. 1થી 5ના બાળકો માટે કુકીંગ કોસ્ટ રૂ 3.16 તેમજ ધોરણ 6 થી 8 માટે રૂ 4.72 આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા 2006ની ગાઈડલાઇન મુજબ દર વર્ષે કુકીંગ કોસ્ટમાં 7.5% નો વધારો કરવા પણ સૂચવેલ છે પરંતુ ચાલુ નાણાકીય વર્ષ 2022/23 ના વર્ષ અને અગાઉના વર્ષમાં પણ કુકીંગ કોસ્ટમાં વધારો અપાયો નથી.
અત્યારે ધો. 1થી 5ના એક વિદ્યાર્થી દીઠ થતો ખર્ચ 4.50 થી 5.00 છે. જ્યારે આપવામાં આવતો કુંકિંગ કોસ્ટ રૂ. 3.16 છે. એટલે કે રૂ.1.50 થી 1.75 જેટલી ઘટ આવે છે. એવી જ રીતે ધો. 6 થી 8 મા આપવામાં આવતા ખોરાક માટે કુકિંગ કોસ્ટ રૂ.4.72 આપવામા આવે છે. જ્યારે થતો ખર્ચ રૂ. 7 થી 7:50 છે.
તેમાં પણ રૂ. 2 થી 2:50ની ઘટ આવે છે ઉપર થી નાસ્તો અલગ થી આપવાનો થાય છે એ બનાવવા માટે અલગથી કુકિંગ કોસ્ટની કોઈ જોગવાઈ નથી.
સુખડી માટે એક વિદ્યાર્થી દીઠ 74 પૈસા જ ચૂકવાય છે !!
સંચાલકોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા 2013 માં સુખડી આપવાનું ઠરાવેલ છે 2013માં સુખડી માટે ધોરણ 1 થી 5 માટે 0.74 પૈસા તેમજ ધોરણ 6 થી 8 માટે 1 રૂપિયા એક વિધાર્થી દીઠ આપવામાં આવે છે જેમાં ગોળ, ગેસ દળામણનો ખર્ચ કરવાનો હોય છે. રાજ્ય સરકાર દ્વારા જયારથી સુખડી 2013માં અમલમાં આવી ત્યારથી આજ દિન સુધી સુખડી માટે કોઈ પણ જાતનો કુકીંગ કોસ્ટનો વધારો કરેલ નથી. હાલની મોંઘવારી મુજબ સુખડી માટે ધોરણ 1 થી 5 માટે 2:00 રૂપિયા અને ધોરણ 6 થી 8 માટે 3:00 કુકીંગ કોસ્ટ કરવામાં આવે અને અલગથી ઘઉં અને તેલ આપવામાં આવે તો બાળકો સારી રીતે સુખડી જમી શકે એવી બનાવી શકાય.
કઠોળમાં માત્ર ચણાની દાળ જ મળે છે, આમાં મેનુ દરરોજ કેમ ફેરવવું ?
હાલ રાજ્ય સરકાર દ્વારા કઠોળમાં ફક્ત ચણા દાળ એક જ આપવામાં આવે છે ચણાથી મેનુ મુજબ રસોઈ બની શકાતી નથી. જેમ કે મેનુમાં ખીચડી, શાક છે દાળ ઢોકરી છે જે ચણાદળામાં બની ના શકે અને જો બનાવીએ તો વિધાર્થીઓ જમતા નથી. મેનુ મુજબ સમયસર સારો જથ્થો નિયમિત આપવામાં આવે જેથી બાળકો ને નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર દરેક વિધાર્થીઓ ના ગરમગરમ તાજો રાંધેલ ખોરાક મેનુ મુજબ બનાવી શકાય તેવી સંચાલકો માંગ કરી રહ્યા છે.