રણજી ટ્રોફી ચેમ્પિયન સૌરાષ્ટ્રની ટીમ નવી સિઝનમાં પ્રથમ બે મેચ પોતાના ઘરઆંગણે રમશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે આગામી 5 થી 8 જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર અને ઝારખંડ વચ્ચે પ્રથમ મુકાબલો જામશે. સુકાની જયદેવ ઉનડકટની આગેવાનીમાં સૌરાષ્ટ્રની ટીમની ઘોષણા કરી દેવામાં આવી છે.
ડિફેન્ડીંગ ચેમ્પિયન સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફીની આગામી સિઝનમાં પ્રથમ બે મેચ ઘર આંગણે રમશે
સુકાની જયદેવ ઉનડકટની આગેવાનીમાં ટીમ સૌરાષ્ટ્ર જાહેર
રણજી ટ્રોફીની આગામી સિઝનમાં સૌરાષ્ટ્રની ટીમ એલીટ-એ ગ્રુપમાં કુલ 7 મેચ રમશે. જેમાં ત્રણ મેચ પોતાના હોમ ગ્રાઉન્ડ ખાતે રમશે. આગામી 5 થી 8 જાન્યુઆરી દરમિયાન ખંઢેરી ગ્રાઉન્ડ ખાતે ઝારખંડ સામેની પ્રથમ મેચમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન સૌરાષ્ટ્ર પોતાના રણજી ટ્રોફી અભિયાનનો આરંભ કરશે. જ્યારે બીજો મેચ 12 થી 15 જાન્યુઆરી દરમિયાન ખંઢેરીમાં જ હરિયાણા સામે રમશે. ત્રીજા મેચમાં સૌરાષ્ટ્રનો મુકાબલો નાગપુર ખાતે 19 થી 22 જાન્યુઆરી દરમિયાન વિદર્ભ સામે થશે. જ્યારે ચોથા મેચમાં નવી દિલ્હી ખાતે 26 થી 29 જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્રની ટીમ સર્વિસીસની ટીમ સામે ટકરાશે. જ્યારે પુણે ખાતે 2 થી 5 ફેબ્રુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર વચ્ચે જંગ જામશે. ટુર્નામેન્ટના છઠ્ઠા મુકાબલામાં સૌરાષ્ટ્રની ટીમ 9 થી 12 ફેબ્રુઆરી દરમિયાન જયપુર ખાતે રાજસ્થાન સામે બાથ ભીડશે. જ્યારે અંતિમ મુકાબલામાં સૌરાષ્ટ્રને ફરી એક વખત હોમ ગ્રાઉન્ડ એટલે કે રાજકોટ ખાતે રમવાનો લાભ મળશે. 16 થી 19 ફેબ્રુઆરી દરમિયાન મણીપુર સામેની અંતિમ મેચમાં સૌરાષ્ટ્ર પોતાના ઘરઆંગણે મેદાનમાં ઉતરશે.
કેવિન જીવરાજાનીની સૌરાષ્ટ્રની ટીમમાં એન્ટ્રી
બીસીસીઆઇની પ્રતિષ્ઠિત એવી રણજી ટ્રોફીની સિઝન-2023-2024 માટે આજે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સિનિયર સિલેક્શન કમિટિ દ્વારા ટીમની ઘોષણા કરવામાં આવી છે.
જેમાં જાણીતા તબીબ એવા ડો.સંજય જીવરાજાનીના પુત્ર કેવિન જીવરાજાનીની પસંદગી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કેવિન સતત સારૂં પ્રદર્શન કરી રહ્યો હોય જેને ધ્યાનમાં રાખી પસંદગીકારો માટે તેની પસંદગી સૌરાષ્ટ્રની ટીમમાં કરવામાં આવી છે.
તે ક્રિકેટમાં રાજકોટનું નામ ગુંજતું કરે તેવી શુભકામનાઓનો વરસાદ થઇ રહ્યો છે. નાનપણથી જ કેવિન જીવરાજાની ક્રિકેટ પ્રત્યે અનહદ લગાવ ધરાવે છે.બેત વડે સતત શાનદાર પ્રદર્શન કરતો રહ્યો છે. માતા પિતાએ પણ કેવીનને એક ઉમદા ક્રિકેટર બનાવવા માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દીધી છે.
જેનું આજે સવાયું ફળ જીવરાજાની પરિવારને પ્રાપ્ત થઈ રહયુ છે.પોતાની આગવી ટેકનિકના કારણે કેવીનને એક આદર્શ બેટ્સમેન માનવામાં આવે છે જ્યારે જ્યારે તેને મોકો મળે છે ત્યારે તે તકનો લાભ ઉઠાવી શ્રેષ્ઠ પ્રદર્શન આપતો રહ્યો છે.
એક ઉમદા બેટ્સમેન સાથે સર્વશ્રેષ્ઠ ફિલ્ડર પણ છે તેની આ આવડતને પારખી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સિલેક્શન કમિટી દ્વારા રણજી ટ્રોફીની આગામી ટુર્નામેન્ટ માટે તેની પસંદગી સૌરાષ્ટ્રની ટીમમાં કરવામાં આવી છે.