ડિજિટલ ઇન્ડિયા રંગ લાવી રહ્યું છે. ડિસેમ્બર મહિનામાં જીએસટીની આવકથી 1.64 લાખ કરોડ એકત્ર થયા છે. તો બીજી તરફ આવકવેરા રિટર્ન ભરનારાઓની સંખ્યા 9 ટકા વધીને 8.18 કરોડને આંબી છે. આ ઉપરાંત યુપીઆઈથી એક જ મહિનામાં અધધધ 18 લાખ કરોડના વ્યવહારો થયા છે.
ડિસેમ્બર મહિનામાં જીએસટીની આવકથી 1.64 લાખ કરોડ એકત્ર થયા, આવકવેરા રિટર્ન ભરનારાઓની સંખ્યા 9 ટકા વધીને 8.18 કરોડને આંબી, યુપીઆઈથી એક જ મહિનામાં અધધધ 18 લાખ કરોડના વ્યવહારો
સરકારે ડિસેમ્બર-2023માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીમાંથી લગભગ રૂ. 1.64 લાખ કરોડ એકત્ર કર્યા છે. આ એક વર્ષ પહેલા એટલે કે ડિસેમ્બર 2022 કરતા 10% વધુ છે. ત્યારબાદ જીએસટીમાંથી 1.49 લાખ કરોડ રૂપિયા એકત્ર થયા હતા. એક મહિના પહેલા નવેમ્બરમાં સરકારે જીએસટીમાંથી 1.67 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.
આ સતત 10મી વખત છે જ્યારે રેવન્યુ કલેક્શન રૂ. 1.5 લાખ કરોડથી વધુ થયું છે. જોકે, અત્યાર સુધીમાં સૌથી વધુ જીએસટી કલેક્શન એપ્રિલ 2023માં થયું હતું, જ્યારે આ આંકડો રૂ. 1.87 લાખ કરોડને પાર કરી ગયો હતો. આ સિવાય સતત 21 મહિનાથી દેશનું જીએસટી કલેક્શન 1.4 લાખ કરોડ રૂપિયાથી ઉપર રહ્યું છે.
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર ડિસેમ્બર 2023માં જીએસટી કલેક્શન 1.65 લાખ કરોડ હતું. જેમાં સીજીએસટી રૂ. 30,443 કરોડ, એસજીએસટી રૂ. 37,935 કરોડ, આઇજીએસટી રૂ. 84,255 કરોડ (માલની આયાત પર એકત્રિત કરાયેલ રૂ. 41,534 કરોડ સહિત) અને સેસ રૂ. 12,249 કરોડ હતો. સેસમાં માલની આયાતમાંથી મળેલા રૂ. 1,079 કરોડનો સમાવેશ થાય છે.
નાણાકીય વર્ષ 2024માં અત્યાર સુધીમાં રૂ. 13.32 લાખ કરોડનું જીએસટી કલેક્શન
નાણાકીય વર્ષ 2023-24માં એટલે કે છેલ્લા 9 મહિનામાં અત્યાર સુધીમાં કુલ 14.97 લાખ કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થયું છે. જ્યારે ગત નાણાકીય વર્ષ 2022-23માં કુલ જીએસટી કલેક્શન 18.10 લાખ કરોડ રૂપિયા હતું.
ડિસેમ્બર 2023માં જીએસટી કલેક્શનના સંદર્ભમાં ટોપ-3 રાજ્યોમાં મહારાષ્ટ્ર ટોચ પર છે. ગયા વર્ષની સરખામણીમાં મહારાષ્ટ્રમાં જીએસટી કલેક્શન 14% વધીને રૂ. 23,598 કરોડ થયું છે. આ યાદીમાં કર્ણાટક રૂ. 10,061 કરોડના કલેક્શન સાથે બીજા ક્રમે છે અને ગુજરાત રૂ. 9,238 કરોડના કલેક્શન સાથે ત્રીજા ક્રમે છે.
આવકવેરા વિભાગે 2023માં એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. 31 ડિસેમ્બર, 2023 સુધીમાં આકારણી વર્ષ 2023-24 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યા રેકોર્ડ 8.18 કરોડ સુધી પહોંચી ગઈ છે. જ્યારે ગત વર્ષના સમાન સમયગાળામાં 7.51 કરોડ આઇટીઆર ફાઈલ કરવામાં આવ્યા હતા. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ મૂલ્યાંકન વર્ષ 2022-23 માટે ફાઇલ કરાયેલ કુલ આઇટીઆર કરતાં 9 ટકા વધુ છે. આ સમયગાળા દરમિયાન ઓડિટ રિપોર્ટ અને અન્ય ફોર્મ ભરવામાં આવ્યા હતા.
ભારતમાં ડિજિટલ પેમેન્ટ દિવસેને દિવસે વધી રહ્યું છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) ટ્રાન્ઝેક્શનના નવા આંકડા પરથી જોઇ શકાય છે. તાજેતરના આંકડા દર્શાવે છે કે ડિસેમ્બર મહિનામાં રૂ. 18.23 લાખ કરોડના વ્યવહારો થયા છે અને નવેમ્બરની સરખામણીમાં આમાં 5 ટકાનો વધારો થયો છે. ડિસેમ્બરમાં 12.02 બિલિયન ટ્રાન્ઝેક્શન વોલ્યુમની દ્રષ્ટિએ થયા હતા અને નવેમ્બરની સરખામણીમાં તેમાં 5 ટકાનો વધારો થયો હતો. ડિસેમ્બર મહિનો યુપીઆઈ માટે ખાસ હતો કારણ કે આ મહિનામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વ્યવહારો થયા હતા અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન નવી ઊંચાઈને સ્પર્શી ગયા હતા.
2023-24નું જીએસટી કલેક્શન
- એપ્રિલ – 1.87 લાખ કરોડ
- મે – 1.57 લાખ કરોડ
- જૂન – 1.61 લાખ કરોડ
- જુલાઈ – 1.65 લાખ કરોડ
- ઓગસ્ટ – 1.60 લાખ કરોડ
- સપ્ટેમ્બર- 1.63 લાખ કરોડ
- ઓક્ટોબર – 1.72 લાખ કરોડ
- નવેમ્બર – 1.67 લાખ કરોડ
- ડિસેમ્બર – 1.64 લાખ કરોડ
ઇ-ફાઇલિંગને લઈને આખા વર્ષમાં 23.37 લાખ કવેરી ધ્યાને લેવાય
ઈ-ફાઈલિંગ હેલ્પડેસ્ક ટીમે વર્ષ દરમિયાન 31 ડિસેમ્બર, 2023 સુધી કરદાતાઓની લગભગ 27.37 લાખ ક્વેરીઝને હેન્ડલ કરી હતી અને પીક ફાઇલિંગ સમયગાળા દરમિયાન કરદાતાઓને સક્રિયપણે સમર્થન આપ્યું હતું. હેલ્પડેસ્કે કરદાતાઓને ઇનબાઉન્ડ કોલ્સ, આઉટબાઉન્ડ કોલ્સ, લાઇવ ચેટ, વેબએક્સ અને કો-બ્રાઉઝિંગ સત્રો દ્વારા સહાય પૂરી પાડી હતી.
યુપીઆઈથી થતા વ્યવહારો સતત નવો રેકોર્ડ સર્જી રહ્યા છે
મહિનાની દ્રષ્ટિએ, નવેમ્બર 2023 માં પણ એક રેકોર્ડ બન્યો અને 17.4 લાખ કરોડ રૂપિયાના 11.24 અબજ વ્યવહારો થયા. 2022ના સમાન મહિનાની સરખામણીએ ડિસેમ્બરમાં યુપીઆઈ વ્યવહારોમાં 54 ટકા અને મૂલ્યમાં 42 ટકાનો વધારો થયો હતો. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, સંખ્યાના સંદર્ભમાં, ઓક્ટોબર 2023 માં 11.41 અબજ વ્યવહારો થયા હતા અને તે પણ તે સમય સુધીનો એક નવો રેકોર્ડ હતો.
હવે લોકો ફિક્સ ડિપોઝીટની જગ્યાએ પ્રોપર્ટીમાં વધારે રોકાણ કરી રહ્યા છે
લોકો હવે ફિક્સ ડિપોઝીટની જગ્યાએ પ્રોપર્ટીમાં વધારે રોકાણ કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં દેશમાં નાણાકીય બચટમાં અંદાજે 6 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2020-21માં આ બચત જીડીપીના 11.5 ટકા હતી. જે 2022-23માં 5.1 ટકા રહી છે. આની પાછળનું કારણ એ છે કે લોકો ઘર, કાર જેવી સુવિધાઓ પાછળ વધુ ખર્ચ કરતા થયા છે.આ ઉપરાંત મોટો વર્ગ બેન્ક બેલેન્સ કે રોકડમાં બચત કરવાને બદલે પ્રોપર્ટીમાં રોકાણ કરવા તરફ વળ્યો છે.