નવું વર્ષ ભારત માટે ખુબ ખાસ છે. તેમાં પણ ભારત આકાશી ક્ષેત્રે જે ક્રાંતિ માટે ઝડપથી આગળ ધપી રહ્યું છે તેના માટે આ વર્ષ અત્યંત મહત્વપૂર્ણ છે. અગાઉ 2 સપ્ટેમ્બર 2023ના દિવસે લોન્ચ કરવામાં આવેલું આદિત્ય એલ-1 મિશન હવે તેના આખરી પડાવમાં છે. આગામી 6 જાન્યુઆરી એટલે કે શનિવારે આદિત્ય મિશન નિર્ધારિત એલ-1 પોઇન્ટમાં પહોંચી જશે તેવું સત્તાવાર નિવેદન ઈસરો દ્વારા આપવામાં આવ્યું છે.
આશરે 125 દિવસ બાદ આદિત્ય મિશન લેગ્રેન્જ પોઈન્ટ સુધી પહોંચી જશે
ભારતીય સ્પેસ એજન્સી આ મહિને વધુ એક ઈતિહાસ રચવા જઈ રહી છે. ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું છે કે, આદિત્ય એલ- 1 ટૂંક સમયમાં લેગ્રેન્જ પોઈન્ટ (એલ1) પર પહોંચી જશે. આદિત્ય એલ-1ને ગયા વર્ષે 2 સપ્ટેમ્બરે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યો હતો. ભારતીય અવકાશ એજન્સીનું આ પ્રથમ સૂર્ય મિશન છે. આદિત્ય એલ-1એ છેલ્લા 120 દિવસમાં સફળતાપૂર્વક ઘણા સીમાચિહ્નો પાર કર્યા છે.
ઈસરો ચીફ એસ સોમનાથે તાજેતરમાં આઈઆઈટી બોમ્બે દ્વારા આયોજિત વાર્ષિક કાર્યક્રમ દરમિયાન આદિત્ય એલ-1ની લેગ્રેન્જ પોઈન્ટ પર પહોંચવાની તારીખ જાહેર કરી હતી. આદિત્ય એલ-1 મિશન 2 સપ્ટેમ્બર 2023 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. 125 દિવસની લાંબી મુસાફરી પૂર્ણ કર્યા પછી તે 6 જાન્યુઆરી, 2024 ના રોજ સાંજે 4 વાગ્યે એલ-1 પોઇન્ટ પર પહોંચશે.
ઉલ્લેખનીય છે કે લેગ્રેન્જ પોઈન્ટ અવકાશમાં એક બિંદુ છે જ્યાં પૃથ્વી અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ તટસ્થ થઈ જાય છે. આ સમયે કોઈ ગ્રહણ થતું નથી, જેના કારણે સૂર્યના વાતાવરણમાં થતા ફેરફારો પર સતત નજર રાખી શકાય છે. ઈસરોના વડાએ કહ્યું કે આદિત્ય એલ-1માં ફીટ કરાયેલા તમામ 6 પેલોડ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે અને સારો ડેટા મોકલી રહ્યા છે.
આદિત્ય એલ-1ની અત્યાર સુધીની સફર પર નજર કરવામાં આવે તો સપ્ટેમ્બર 2, 2023ના રોજ આદિત્ય એલ-1ને શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશથી પીએસએલવી-સી57 મારફતે લોન્ચ કરવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર 3, 2023ના રોકડા પ્રથમ અર્થ બાઉન્ડ મેન્યુવર સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. સપ્ટેમ્બર 5, 2023ના રોજ બીજું ઇબીએન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. સપ્ટેમ્બર 10, 2023ના રોજ ત્રીજું ઇબીએન, સપ્ટેમ્બર 15, 2023ના ચોથું ઇબીએન કે જેનું અંતર 256 કિલોમીટર ડ્ઢ 121973 કિલોમીટર સફળતાપૂર્વક પૂર્ણ થયું થયું હતું.
સપ્ટેમ્બર 18, 2023ના રોજ આદિત્ય એલ-1 એ વૈજ્ઞાનિક ડેટા એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું. સપ્ટેમ્બર 30, 2023ના રોજ આદિત્ય એલ-1 પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળે છે અને તેની એલ-1 યાત્રા શરૂ કરે છે. નવેમ્બર 7, 2023ના રોજ આદિત્ય એલ1એ સૂર્યના વાતાવરણની પ્રથમ ઉચ્ચ-ઊર્જા એક્સ-રે ઇમેજ કેપ્ચર કરી હતી. ડિસેમ્બર 1, 2023ના રોજ સોલર વિન્ડ આયન સ્પેક્ટ્રોમીટર પેલોટોન કાર્યરત કરવામાં આવ્યું હતું.