અલનીનોની અસરના કારણે રાજ્યમાં ડિસેમ્બર મહિનો હુંફાળો રહ્યો છે. સવારનું તાપમાન મોટાભાગે સામાન્ય કરતા ઊંચું રહ્યું છે જ્યારે રાત્રે ઠંડક અનુભવાઈ રહી છે પરંતુ આજથી જ સવારે પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.
નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલીક જગ્યાં છાંટા પડવાની વકી: સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ધુમ્મ્સભર્યું વાતાવરણ
સૌરાષ્ટ્ર સહિત અમદાવાદ, ગાંધીનગર સહિતના ભાગોમાં સવારના સમયે ધુમ્મસ જોવા મળી રહ્યું છે. રાજ્યભરમાં ઠંડીનો પારો 3 થી 4 ડિગ્રી જેટલો ઘટ્યો છે.નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલીક જગ્યાં છાંટા પડવાની વકી વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ પવનની ગતિ પણ સામાન્યથી વધુ રહેવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. નવા વર્ષની શરૂઆત સાથે જ આગામી 2-3 દિવસ સુધી રાજ્યના કેટલા વિસ્તારોમાં ઘાટાવાદળો રહેવાની શક્યતા છે.
આ વાદળો સીમિત વિસ્તારોમાં હશે, જેમાં સાબરકાંઠાના કેટલાક ગામો સાથે દાહોદ, ગોધરા, અરવલ્લી અને છોટાઉદેપુરનો સમાવેશ થાય છે અને અહીં અમુક વિસ્તારોમાં સામાન્ય છાંટા થવાની શક્યતાઓ છે, જોકે, મોટા માવઠાની કોઈ શક્યતાઓ નથી. આગામી 3 જાન્યુઆરી 2024 દરમિયાન આ સ્થિતિ જોવા મળી શકે તેવી સંભાવનાઓ છે. જ્યારે 1-2 જાન્યુઆરી સુધી ઝાકળ વરસાદ જોવા મળી શકે છે, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઝાકળ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે, ઝાકળ વર્ષાને કારણે ભારે ધુમ્મસ જોવા મળી શકે છે.
સાથે તેમણે પવનની ગતિ વિશે આગાહી છે કે, 1થી 3 જાન્યુઆરી દરમિયાન પવનની ગતિમાં વધારો થશે. જેની ગતિ 14થી 18 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. આ સાથે હિમવર્ષા ઉત્તરના પર્વતિય પ્રદેશોમાં થઈ રહી છે અને તેના કારણે ઠંડીની અસર રાજ્યમાં અનુભવાશે જેમાં આગામી સમયમાં ઠંડીનું જોર વધવાની શક્યતાઓ છે અને રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 5 ડિગ્રી સુધી જઇ શકે છે.