શાસ્ત્રી મેદાનને સુરક્ષિત કરતા કલેકટર તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જેમાં મેદાનના ચારેય ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. આડેધડ થતા પાર્કિંગ ઉપર મનાઈ ફરમાવી દેવામાં આવી છે. આ ઉપરાંત સિક્યુરિટીનો પહેરો રાખી દેવામાં આવ્યો હોય હવે કાટમાળ અને અન્ય કચરો પણ ત્યાં કોઈ ઠાલવી શકશે નહીં.
શહેરની મધ્યમાં આવેલું શાસ્ત્રી મેદાન જે રાજકોટના અનેક મહત્વના પ્રસંગોનું સાક્ષી છે. ભૂતકાળમાં અહીં લોકમેળા પણ યોજાયા છે. રાષ્ટ્રીય નેતાઓની સભાઓ પણ યોજાઈ છે. આ ઉપરાંત અનેક મહત્વના ધાર્મિક પ્રસંગો પણ યોજાયા છે. હજુ પણ અહીં અનેક ઇવેન્ટો યોજાઈ છે. નજીવા ભાડે અહીં કલેકટર તંત્ર દ્વારા ગ્રાઉન્ડ ભાડા ઉપર આપવામાં આવે છે.
બે સિક્યુરિટી ગાર્ડના બે શિફ્ટમાં પહેરા ગોઠવી દેવાયા: કાટમાળ અને અન્ય કચરો ફેંકીને ડમ્પિંગ સાઇટ તરીકે થતો ઉપયોગ પણ હવે બંધ
મેદાનમાં પડયા પાથર્યા રહેતા ન્યુસન્સ અને આંટાફેરા કરતા કોલેજીયનોને પ્રવેશ નહિ: સવારે સ્પોર્ટ્સ એક્ટિવિટીને કોઈ પાબંધી નહિ
છેલ્લા ઘણા સમયથી આ મેદાનની દુર્દશા હતી. પણ હવે કલેકટર તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. અગાઉ આ મેદાનને ફરતે બાઉન્ડ્રી બનાવવામાં આવી હતી. હવે આ મેદાનના કુલ ચાર ગેટ છે. તે તમામનું રીપેરીંગ કરાવીને તેને બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે મેદાનના મુખ્ય ગેટ ઉપર બે શિફ્ટમાં એક- એક સિક્યુરિટી ગાર્ડ પણ મૂકી દેવામાં આવ્યા છે.
સિક્યુરિટી ગાર્ડના જણાવ્યા મુજબ અગાઉ જે આડેધડ વાહનો અહીં પાર્ક થતા તે બંધ કરી દેવામાં આવ્યું છે. અહીં કોઈ વાહનોને પ્રવેશ આપવામાં આવતો નથી. સિવાય જરૂરી હોય માત્ર એવા વાહનને જ અહીં પાર્ક કરવા દેવામાં આવે છે.
વધુમાં અત્યાર સુધી આ મેદાનમાં લોકો કાટમાળ અને અન્ય કચરો ઠાલવી જતા હતા. હવે સિક્યુરિટી ગાર્ડ સાથે ગેટ પણ બંધ કરી દેવામાં આવતા હવે આ સમસ્યાનું પણ સમાધાન થયું છે. વધુમાં આ મેદાનમાં આડેધડ કચરો ઠલવાતો હતો તેના કારણે કોઈ ઇવેન્ટ પૂર્વે સફાઈનો ખર્ચ આવતો હતો હવે તે ખર્ચ પણ બચી જશે.
વધુમાં આ મેદાનમાં મેદાનમાં પડયા પાથર્યા રહેતા ન્યુસન્સ અને આંટાફેરા કરતા કોલેજીયનોને પ્રવેશ આપવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. બીજી તરફ આ મેદાનમાં સવારે મોટા પ્રમાણમાં ક્રિકેટ સહિતની સ્પોર્ટ્સ એક્ટિવિટી થતી હોય તેના ઉપર કોઈ પાબંધી રાખવામાં આવી નથી.