ગાંધીનગરમાં રાજ્ય ‘સ્વાગત’માં 105 રજૂઆતકર્તાઓની રજૂઆતો અંગે મુખ્યમંત્રી કાર્યાલયનાં અધિકારીઓની જુદી-જુદી ટીમ દ્વારા યોગ્ય માર્ગદર્શન અને રજૂઆતોનાં નિરાકરણની કાર્યવાહી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ 7 રજૂઆતો થઈ હતી.
‘સ્વાગત’માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જિલ્લા કલેક્ટર-જિલ્લા વહીવટી તંત્રને સ્પષ્ટ દિશાનિર્દેશો: ‘સ્વાગત’ લોક સમસ્યાની રજૂઆત અને નિરાકરણનો વિશ્વસનીય મંચ બને તેવી તાકીદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ ઉપક્રમમાં જિલ્લા કલેકટરો અને જિલ્લા વહીવટી તંત્ર વાહકોને સામાન્ય માનવીની રજૂઆતોના ત્વરિત અને સુખદ નિવારણ માટેનો વિશ્વાસ અપાવવા દિશાનિર્દેશો આપ્યા હતા.
આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું કે, નાનામાં નાનો, સામાન્ય વ્યક્તિ જ્યારે પોતાની રજૂઆત કે સમસ્યા લઈને જિલ્લા ‘સ્વાગત’માં આવે ત્યારે તેને પોતાની સમસ્યાનું નિવારણ જીલ્લા સ્તરે આવશે જ એવો ભરોસો પડવો જોઇએ તેવું દાયિત્વ તંત્રવાહકો નિભાવે.
‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણના દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતા રાજ્ય ‘સ્વાગત’માં આ ગુરૂવારે, સવારથી જ કુલ 105 જેટલી રજૂઆતો મુખ્યમંત્રીના જન સંપર્ક એકમમાં આવી હતી.
મુખ્યમંત્રી કાર્યાલયનાં અધિકારીઓની જુદી-જુદી ટીમોએ આ રજૂઆતો સાંભળીને રજૂઆતકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું અને તેમની સમસ્યાનાં નિવારણ માટેની કાર્યવાહીની આગળની પ્રક્રિયા હાથ ધરી હતી. રાજ્ય ‘સ્વાગત’માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 7 જેટલી રજૂઆતો સાંભળી હતી. તેમની સમક્ષ ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર જિલ્લાના રજૂઆત કર્તાઓ પોતાની સમસ્યાના નિવારણ માટે આવ્યા હતા.
મુખ્યમંત્રીએ પ્રત્યેક રજૂઆતકર્તાને શાંતિપૂર્વક સાંભળીને તેમની સમસ્યાના ઉકેલ માટે જે તે જિલ્લાના કલેકટરો-તંત્રવાહકોને ‘સ્વાગત’ની વિડીયો વોલ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આ સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણનો પ્રજાભિમુખ અભિગમ શરૂ કરાવેલો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર એ જ પરંપરાને આગળ ધપાવતા જિલ્લા, તાલુકા, ગામ અને રાજ્ય ‘સ્વાગત’ નું સફળ આયોજન કરે છે.
તદઅનુસાર, ડિસેમ્બર-2023 મહિનાના ‘સ્વાગત’માં સમગ્રતયા 3887 રજૂઆતો આવી હતી તેમાંથી 75 ટકા એટલે કે 2919 પ્રશ્નોનું સુખદ નિવારણ લાવી દેવામાં આવ્યું છે. આ સ્વાગત ઓનલાઇન હવે તો લોક સમસ્યાની રજૂઆતો અને ત્વરિત નિરાકરણ માટેનો એક વિશ્વસનીય મંચ બન્યો છે.
સામાન્ય માનવીને પોતાની રજૂઆતો માટે ગાંધીનગર સુધી આવવું જ ન પડે અને ગ્રામ, તાલુકા, જિલ્લા કક્ષાએ જ સમસ્યાનો ઉકેલ આવી જાય તેવી આખીયે ફુલપ્રુફ વ્યવસ્થા ‘સ્વાગત’ના આ બે દાયકામાં વિકસી છે. એ જ શૃંખલામાં આગળ વધતાં ડિસેમ્બર-2023નો રાજ્ય સ્વાગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી સહિત સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો ગાંધીનગરથી અને જિલ્લા કલેકટર વિડિયો કોન્ફરન્સ દ્વારા પોતાના સંબંધિત જિલ્લાઓમાંથી આ રાજ્ય સ્વાગતમાં સહભાગી થયા હતા.