ભાવનગર જિલ્લાના શિહોર ખાતે આવેલી એમ.ડી.રુદ્રા નામની લોખંડના સળીયા બનાવતી કંપનીની ભઠ્ઠીમાંથી સળગો તખણો ઉડવાના કારણે દાઝેલા યુવકને બચાવવા જતાં એક સાથે પાંચ શ્રમજીવી ગંભીર રીતે દાઝયા હતા. જેમાં એકનું મોત નીપજ્યું છે. અને અન્ય ચારને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.એમ.ડી. રુદ્રા કંપનીમાં એક સાથે પાંચ શ્રમજીવીઓ દાઝતા અફડા તફડી મચી ગઇ હતી. એમ.ડી.રુદ્રા કંપનીની ભઠ્ઠી સળગ્યાની પોલીસને જાણ થતા શિહોર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો પરંતુ મોટી દુર્ઘટના સર્જાતા અટકી હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.
લોખંડના સળીયા બનાવતી કંપનીની ભઠ્ઠીમાં દાઝેલા યુવકને બચાવવા જતા અન્ય મજુરો દાઝયા
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શિહોર ખાતે આવેલી એમ.ડી.રુદ્રા નામની લોખંડના સળીયા બનાવતી કંપનીની ભઠ્ઠીમાંથી સળગતો તણખો ઉડીને ભઠ્ઠીમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમજીવી રતિરામ રામદુલારેના શરીર પર પડતા તે સળગતા તેને બચાવવા માટે તેની સાથે કામ કરતા રામ કિશોર નંદલાલ, રાજુભઆઇ, પરસોતમભાઇ મુન્નાભાઇ અને તુલશીરામ પણ દાઝયા હતા.
દાઝેલા પાંચેયને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે દાઝેલા રતિરામ રામદુલ્લારેનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ છે.
એમ.ડી.રુદ્રા કંપનીની ભઠ્ઠીમાં આગ લાગ્યાની જાણ થતા મેનેજર સહિતના સ્ટાફ કંપનીએ પહોચી પોલીસને જાણ કરી હતી. પોલીસ સ્ટાફ અને કંપનીના અધિકારીઓ પહોચી તપાસ કરતા ભઠ્ઠીમાં આગ નહી પરંતુ સળગતો તણખો ઉડવાના કારણે રતિરામ રામદુલ્લારે સળગતા તેને બચાવવા જતા અન્ય શ્રમજીવી દાઝયાનું બહાર આવ્યું હતું. અન્ય કોઇ મોટી દુર્ઘટના ન હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.