દારૂબંદીવાળા ગુજરાતમાં ત્રણ વર્ષમાં આરોગ્યના કારણોસર દારૂ પરમિટ ધારકોની સંખ્યામાં 58%નો વધારો નોંધાયો છે. નવેમ્બર 2020માં આવા 27,452 પરમિટ ધારકોની સામે ગુજરાતમાં હવે 43,470 જેટલાં પરમીટધારકો છે તેવું રાજ્યના નશાબંધી વિભાગ દ્વારા સંકલિત કરવામાં આવેલા ડેટામાં જાણવા મળ્યું છે. હવે મહત્વપૂર્ણ બાબત એ છે કે, પરમીટ ધરાવનારી મોટાભાગની વ્યક્તિઓ શ્રીમંત હોય છે તો પછી શું ગરીબોની તબિયત બગડતી જ નહિ હોય કે પછી પૈસાવાળાઓની તબિયત વધુ બગડી રહી છે તેવો સવાલ ઉઠ્યો છે. ત્રણ વર્ષમાં પરમીટધારકોની સંખ્યામાં 58%નો વધારો એવુ પણ સૂચવે છે કે, આરોગ્યના કારણોસર દારૂની પરમીટ મંજુર કરવામાં આવે છે તો શું ફકત પૈસાવાળા લોકોનું જ આરોગ્ય બગડી રહ્યું છે તે પણ સવાલ છે.
ડેટા દર્શાવે છે કે અમદાવાદમાં મહત્તમ 13,456 પરમિટ ધારકો છે, ત્યારબાદ સુરત (9,238), રાજકોટ (4,502), વડોદરા (2,743), જામનગર (2,039) અને ગાંધીનગર (1,851) પરમીટ ધારકો છે.
2020માં 27,452 પરમીટ ધારકોની સામે હવે રાજ્યમાં 43,470 જેટલાં પરમીટધારકો
અનિદ્રા, અસ્વસ્થતા અને હાયપરટેન્શનના કારણોસર 40 વર્ષથી વધુ ઉંમરના લોકો દારૂની હેલ્થ પરમિટ માટે અરજી કરે છે. રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગે પણ દારૂની પરમિટની અરજીઓને ક્લીયર કરવામાં ઝડપ દાખવી છે. પરિણામે એકંદરે સંખ્યા વધી રહી છે, તેવું જાણવા મળ્યું છે.નશાબંદી વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ સૂચવ્યું કે મૃત વ્યક્તિઓના કિસ્સામાં કેટલીક પરમિટ આપોઆપ રદ થઈ જાય છે. ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીએ 2023માં દારૂનું એકંદર વેચાણ 20% વધ્યું છે.
પરમિટ ધારકોની સંખ્યા વધવાથી વેચાણ વધ્યું છે. વેચાણની વૃદ્ધિમાં ફાળો આપનાર મુખ્ય પરિબળ વિઝિટર પરમિટ છે. આ વખતે મુલાકાતીઓ દ્વારા ખરીદવામાં આવતાં દારૂમાં 30%નો વધારો થયો છે, મુખ્યત્વે વિશ્વ કપ ક્રિકેટ મેચો ઉપરાંત અહીં યોજાયેલી જી20 ઇવેન્ટ્સની શ્રેણીને કારણે દારૂના વેચાણમાં વધારો નોંધાયો છે.
અહેવાલ અનુસાર વોડકા અને વ્હાઈટ રમની પસંદગી પણ વધી રહી છે કારણ કે જે લોકો સારી રીતે મુસાફરી કરે છે તેઓ ઘણીવાર કોકટેલને પસંદ કરે છે.
એક વાઈન શોપના માલિકે જણાવ્યું હતું કે, ઉંચી માંગને કારણે એક વર્ષમાં સિંગલ માલ્ટ અને વાઇન સહિત આયાતી દારૂના વેચાણમાં 40%નો વધારો થયો છે.
ગુજરાતમાં હાલમાં 77 જેટલી હોટલોમાં પરમિટ-દારૂની દુકાનો છે. રાજ્યના નશાબંધી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે નવા પરમીટ શોપ માટેની 18 અરજીઓ પાઈપલાઈનમાં છે.