અત્યારે નિકાસબંધીના કારણે ભાવ તળિયે, નિકાસ બંધી જ્યારે હટાવાશે ત્યારે કમનસીબે ખેડૂતો પાસે ડુંગળી નહિ રહી હોય
હાલ યાર્ડમાં ડુંગળીના મણ ભાવ રૂ. 71થી 251, ખેડૂતો યાર્ડે માલ લઈ આવીને વેચે તો પણ ખિસ્સામાંથી પૈસા નાખવા પડે તેવી દયનિય પરિસ્થિતિ
ગરીબોની કસ્તુરીએ ખેડૂતોને જેવા નહિ તેવા રડાવ્યા છે. ડુંગળીને યાર્ડે લઈ જવાનું ભાડું પણ માથે પડે તેવી સ્થિતિ છે.અત્યારે નિકાસબંધીના કારણે ભાવ તળિયે છે. નિકાસ બંધી જ્યારે હટાવાશે ત્યારે કમનસીબે ખેડૂતો પાસે ડુંગળી નહિ રહી હોય. ખેડૂતોમાં અત્યારે દેકારો બોલી ગયો છે. હાલ યાર્ડમાં ડુંગળીના મણ ભાવ રૂ. 71થી 251 બોલાઈ રહ્યા છે. ખેડૂતો યાર્ડે માલ લઈ આવીને વેચે તો પણ ખિસ્સામાંથી પૈસા નાખવા પડે તેવી દયનિય પરિસ્થિતિ સર્જાઈ છે. ડુંગળીનું હાલ માર્કેટ સાવ ડીમ છે. ડુંગળી ફેંકી દેવી પડે એવા સાવ નીચા ભાવ મળે છે. ઉપરથી સરકારનો આ નિર્ણય ખેડૂતોને પડ્યા
પર પાટુ પડી હોય એવી હાલત છે. ડુંગળીનું ઉત્પાદન થાય એટલે બે ચાર દિવસમાં જ વેચી નાખવી પડે નહિતર ડુંગળી સડી જાય. એટલે ડુંગળી ફરજિયાત જેટલા ભાવ મળતા હોય આટલા ભાવે નુકસાન વેઠીને પણ ખેડૂતોને વેચવી પડે છે.
વધુમાં ખેડૂતો એવા આક્ષેપ કરી રહ્યા છે કે સરકારના નિકાસબંધીના નિર્ણય પાછળ વેપારીઓની મોનોપોલી જવાબદાર છે. વેપારીઓએ ખેડૂતો પાસેથી ડુંગળી લઈ લીધા બાદ સંગ્રહખોરી કરતા ડુંગળીની અછત થવાથી ભાવ વધતા નાના વર્ગને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. પણ હકીકતમાં જેણે ડુંગળીની આવી સ્થિતિ પેદા કરી એ વેપારીઓ સામે સરકારને કાર્યવાહી કરવી જોઈતી હતી. એના બદલે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
નિકાસબંધીથી પાડોશી દેશોમાં ડુંગળીના ફાંફા
ડુંગળીની નિકાસ પર ભારતના પ્રતિબંધથી એશિયન દેશોમાં વ્યાપક અસર થઈ છે. પરંપરાગત એશિયન ખરીદદારો ડુંગળી માટે ભારતમાંથી આયાત પર આધાર રાખે છે, પ્રતિબંધને કારણે બાંગ્લાદેશ અને નેપાળ જેવા દેશોમાં ડુંગળીના ઊંચા ભાવ અને ડુંગળીની અછત સર્જાઈ છે. અછતને દૂર કરવા માટે બાંગ્લાદેશ અને ચીન, ઇજિપ્ત અને તુર્કીથી ડુંગળીની આયાત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. નેપાળ ચીનથી આયાત પર વિચાર કરી રહ્યું છે અને ભારતના પ્રતિબંધમાંથી મુક્તિ આપવા વિનંતી કરી રહ્યું છે.
આગોતરા આયોજનના અભાવથી કૃષિ ક્ષેત્રને ધરખમ નુકસાન
હાલની સ્થિતિએ દેશમાં આગોતરા આયોજનના અભાવથી કૃષિ ક્ષેત્રને ધરખમ નુકસાન સહન કરવું પડી રહ્યું છે. એક જ પ્રદેશમાં ખેડૂતો વાવેતર કરે છે તેમાં કૃષિ તંત્ર તરફથી કોઈ આયોજન રહેતું નથી. જેને પરિણામે પ્રદેશમાં કોઈ એક ખેત પેદાશનું ઉત્પાદન વધુ રહે છે. જ્યારે બીજાનું ઓછું રહે છે એટલે જેનું ઉત્પાદન ઓછું થાય તેના ભાવ ટોચે પહોંચે છે અને જેનું ઉત્પાદન વધુ થાય તેના ભાવ તળિયે રહે છે. બીજી તરફ પાણીના આયોજનનો પણ અભાવ જોવા મળે છે. આ વર્ષે જ વિપુલ પ્રમાણમાં વરસાદ પડ્યો તેમ છતાં શિયાળામાં જ પાણીની ખેંચ ઉભી થઇ ગઇ છે.
ડુંગળીમાં સરકારના ’ટેકા’ની જરૂરિયાત: રાજુ ગજેરા
રાજકોટ માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગના ઇન્સ્પેકટર રાજુ ગજેરાએ જણાવ્યું હતું કે, ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ આવતા ભાવ ગગડ્યો છે. જેથી ભાવણે યથાવત સ્થિતિમાં પરત લાવવા સરકારે નિકાસ પર પ્રતિબંધ હટાવવો જરૂરિયાત છે. તેમણે કહ્યું હતું કે, સરકાર જાહેર હરાજીમાંથી ખેડૂતોની ડુંગળીની ખરીદી કરે તો ખેડૂતોણે પોષણક્ષમ ભાવ મળી શકે છે. મગફળી, ચણા સહીતની ઉપજો સરકાર ટેકાનાં ભાવે ખરીદે જ છે ત્યારે ડુંગળીની પણ ટેકાના ભાવે ખરીદી થવી જરૂરી બની છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, સામે ખેડૂતોએ પણ અમુક બાબતોની તકેદારી રાખવી જોઈએ. જેમ કે, ઘણીવાર વધતા ભાવને જોઈને ખેડૂતો કાચી ડુંગળી પણ કાઢી લેતા હોય છે અને અતિ માલની આવકને લીધે ભાવ ગગડી જતાં હોય છે. ઉપરાંત કાચી ડુંગળીના ભાવ પણ ઓછા હોય છે જેથી ડુંગળીનો પાક યોગ્ય સમયે જ કાઢવો જોઈએ.
એક વીઘાનો વાવેતર ખર્ચ રૂ.4 હજાર, સામે આવક 1500 રૂપેડી: ખેડૂત
કોઠારીયાના ખેડૂત ભાવેશભાઈ ડોડીયાએ જણાવ્યું હતું કે, અહીંયા રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે ડુંગળી લઈને આવ્યા હતા. જેમાં ભાવ પ્રતિ કિલોના આશરે રૂ. 10 જેવા ભાવ મળી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, ચોમાસું ડુંગળી એક વીઘામાં આશરે 100 મણની ઉપજ આવતી હોય છે. એટલે કે હાલ એક વીઘાની ઉપજના અંદાજિત રૂ. એક હજારથી પંદર સો મળી રહ્યા છે. જેની સામે એક વીઘાનું વાવેતર કરવામાં અંદાજિત રૂ. 3 થી 4 હજારનો ખર્ચ થતો હોય છે. બિયારણ, ખાતર, દવાના ભાવ સતત વધી રહ્યા છે જેની સામે ડુંગળીના ભાવ તળિયે જતાં રહેવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ભાવમાં મજૂરીના પણ ઉપજતા નથી તેવું તેમણે કહ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડુંગળીના પ્રતિ મણ રૂ. 500નો ભાવ મળે તો ખેડૂતોને કંઈક ઉપજે નહીંતર ડુંગળીનું વાવેતર બંધ કરી દેવું પદે તેવી સ્થિતિનું સર્જન થયું છે.
ડુંગળીમાં ભાવ બાંધણું કરવાની ખેડૂતોની માંગ
કોટડાનાયાણી ગામના ખેડૂત કિશોરભાઈએ જણાવ્યું હતું કે, મહામહેનતે પકવેલી ડુંગળીના પ્રતિ મણ સો થી દોઢ સો રૂપિયા મળી રહ્યા છે. ડુંગળીના આવા ભાવમાં મજૂરીનો ખર્ચ પણ ઉપજતો નથી તેવું ખેડૂતે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હાલ ખાતર, બિયારણ અને દવાનો ભાવ સતત વધી રહ્યો છે. રાત-દિવસનો ઉજાગરો કરીને ખેડૂત ડુંગળી જેવા પાકની માવજત કરે છે અને જયારે બજારમાં વેચવા માટે મુકવામાં આવે ત્યારે બજાર કિંમત પડતર કિંમત કરતા પણ ઓછી હોવાથી મહેનત પર પાણી ફરી ગયાં જેવી પરિસ્થિતિ ઉભી થાય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, સરકારે ડુંગળીમાં ભાવ બાંધણુ કરવાની જરૂરિયાત છે જેથી સંતુલન જાળવી શકાય.