સુરત સમાચાર
સમગ્ર ગુજરાતમાં અત્યારે ગીફ્ટ સિટીમાં દારૂબંધી હટાવવા અને હળવા કરવાના નિર્ણયની ચર્ચા ચાલી રહી છે. ત્યારે સુરતના ડિંડોલીમાં દારૂ છોડનાર વ્યક્તિનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. બે મહિનાથી દારૂ છોડી સારવાર કરાવી રહેલા યુવકે સંબંધીના ઘરના ધાબા પર આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગળું કાપીને જીવન ટૂંકાવવા પ્રયાસ કરનાર યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ડિંડોલી વિસ્તારમાં સંબંધીના ઘરના ધાબા પર યુવકે પોતાના જ હાથે ગળું કાપી નાખ્યું હતું. બે મહિનાથી દારૂ છોડી પોતાની સારવાર કરાવતો 28 વર્ષીય મહેન્દ્ર આજે સવારે માસીને મળવા જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. મહેન્દ્ર ભરતભાઇ તુવર રહે મહારાણા પ્રતાપ નગર લિંબાયતના કાપડ માર્કેટમાં મજૂરી કામ કરે છે. ઘટનાની જાણ બાદ માતા-પિતા ઇજાગ્રસ્ત પુત્રને 108ની મદદથી સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતાં.
મહેન્દ્રએ 12 સે.મી. લાબું અને 4 સે.મી. પહોળું ગળું કાપ્યું છે. નાના બાળકની બૂમાબૂમ સાંભળી દોડીને ધાબા પર જતાં મહેન્દ્ર લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો. મહેન્દ્રની સિવિલમાં જ દારૂ છોડવાની સારવાર ચાલતી હતી. ત્યારથી દારૂ છોડી દીધો હતો. જો કે ઈજાગ્રસ્ત થતાં ફરી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો.