રેટિંગ એજન્સી ક્રિસીલ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના રેટિંગમાં સુધારો કરવામાં આવ્યો છે. આર્થિક સધ્ધરતાના આધારે જે-તે સમયે કોર્પોરેશનને રેટિંગ એજન્સી દ્વારા ડબલ-એ માઇનસ રેટિંગ આપવામાં આવ્યું હતું ત્યારબાદ કોર્પોરેશને વેરા વસૂલાત માટે કરેલી પરિણામલક્ષી કામગીરીના કારણે તાજેતરમાં એજન્સી દ્વારા રેટિંગમાં સુધારો કરવામાં આવ્યો છે અને રેટિંગને અપગ્રેડ કરી ડબલ-એ સ્ટેબલ કરવામાં આવ્યું છે. જેના કારણે હવે વિકાસકામો માટે 100 કરોડના મ્યુનિસિપલ બોન્ડ પ્રસિધ્ધ કરવાનો માર્ગ મોકળો થયો છે.
રેટિંગ એજન્સી ક્રિસીલ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાનું રેટિંગ ડબલ-એ માઇનસમાંથી અપગ્રેડ કરી ડબલ-એ સ્ટેબલ કરાયું: સેબીમાં બોન્ડ પ્રસિધ્ધ કરવા માટે ટૂંક સમયમાં કરાશે દરખાસ્ત
આ અંગે આજે પત્રકારો સાથે વધુ વાતચિત કરતા મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે રેટિંગ એજન્સી ક્રિસીલ દ્વારા કોર્પોરેશનના રેટિંગમાં સુધારો કરવામાં આવ્યો છે. હવે ડબલ-એ માઇનસમાંથી અપગ્રેડ કરી ડબલ-એ સ્ટેબલ રેટિંગ કેટેગરીમાં રાજકોટને મુકવામાં આવ્યો છે. જે શહેરની આર્થિક સધ્ધરતા વધી હોવાનું સાબિત કરે છે. છેલ્લા આઠેક માસમાં વેરા વસૂલાત અંગેની કરવામાં આવેલી કાર્યવાહીના કારણે રેટિંગમાં સુધારો આવ્યો છે. 100 કરોડના બોન્ડ બહાર પાડવા માટે કોર્પોરેશન દ્વારા એરેન્જરની નિમણુંક કરી દેવામાં આવી છે. જે ટૂંક સમયમાં સેબી સમક્ષ બોન્ડ બહાર પાડવા માટે જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરીને દરખાસ્ત કરશે.
કેન્દ્ર સરકાર દ્વારા પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સ્વાયતતા પર વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે. બોન્ડ માટે ભારત સરકાર દ્વારા 13 કરોડ રૂપિયા સુધીની સબસિડી પણ આપવામાં આવશે. આગામી ફેબ્રુઆરી માસ સુધીમાં બોન્ડ પ્રસિધ્ધ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કે 100 કરોડના બોન્ડ પ્રસિધ્ધ થશે. જેમાં રોકાણકારને કેટલું વ્યાજ આપવું અને કેટલા વર્ષનું રોકાણ હશે તે અંગેની ઘોષણા કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવશે.
ભવિષ્યમાં મહાપાલિકા ગ્રીન બોન્ડ અને વોટર બોન્ડ પણ પ્રસિધ્ધ કરશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા 1998-99 થી બોન્ડ પ્રસિધ્ધ કરવામાં આવે છે. આ ઉપરાંત સુરત અને બરોડા મહાપાલિકા દ્વારા પણ બોન્ડ પ્રસિધ્ધ કરવામાં આવે છે. હવે કોર્પોરેશન ઉક્ત ત્રણેય મહાપાલિકાની હરોળમાં આવી જશે.
આ વર્ષે જમીન નહિં વેંચાય, નવા અંદાજપત્રમાં જમીન વેંચાણનો લક્ષ્યાંક ઉંચો રખાશે: આનંદ પટેલ
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણેક વર્ષથી જમીન વેંચાણ માટે મંજૂરી આપવામાં આવતી ન હોવાના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ આર્થિક કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. બજેટમાં જમીન વેંચાણનો કરોડો રૂપિયાનો લક્ષ્યાંક રાખવામાં આવે છે પરંતુ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી. મ્યુનિ.કમિશનર આનંદ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારની મંજૂરી મળશે તો પણ કોર્પોરેશન દ્વારા આગામી ત્રણ મહિનામાં એક ઇંચ પણ જમીન વેચવામાં આવશે નહિં. નવા બજેટમાં જમીન વેંચાણનો લક્ષ્યાંક ઉંચો રાખવામાં આવશે. હાલ માત્ર સરકારી સંસ્થાઓને જ જમીનનું વેંચાણ કરવામાં આવે છે.