કાલાવડ સમાચાર
કાલાવડ તાલુકાના કોઠા ભાડુકીયા ગામની એક વાડીમાંથી રૂપિયા ૯.૩૦ લાખ ની કિંમતની ૧૮૬૦ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી કબજે કરી છે . બાતમીના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે કોઠા ભાડુકીયા ગામમાં આવેલી એક વાડીમાં દરોડો પાડી વાડીમાં સંતાડેલો ૯.૩૦ લાખ ની કિંમત નો ૧,૮૬૦ નંગ ઈંગ્લીશ દારૂ ની બાટલીનો માતબર જથ્થો અને વાહનો સહિત રૂપિયા ૨૦,૧૧,૦૦૦ ની માલમતા પોલીસે કબજે કરી છે, અને બે શખ્સોની અટકાયત કરી છે. જયારે દારૂ ના સપ્લાયર ને ફરારી જાહેર કરાયો છે.
આ દરોડાની વિગત એવી છે કે કાલાવડ ગ્રામ્ય પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, કે કાલાવડ તાલુકાના કોટા ભાડુકીયા ગામની સીમમાં રહેતા બલભદ્રસિંહ ઉર્ફે બળુભા પ્રવિણસિંહ જાડેજા ની વાડીમાં ૩૧ ડિસેમ્બર ની ઉજવણીને લઈને ઇંગલિશ દારૂનો માતબર જથ્થો ઉતારવામાં આવ્યો છે, અને તેના સાગરીત ની મદદ થી ખાનગીમાં વેચાણ કરવાની પેરવી ચાલી રહી છે.જે બાતમી ના આધારે કાલાવડ ગ્રામ્ય પી.એસ.આઇ એચ.વી. પટેલ અને તેમની ટીમે ગઈ મોડી રાત્રે ઉપરોક્ત વાડી પર દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન વાડીમાંથી ઇંગ્લિશ દારૂની ૧,૮૬૦ નંગ બાટલીનો માતબર જથ્થો મળી આવ્યા હતો.
આથી પોલીસે ૯ લાખ ૩૦ હજાર ની કિંમત નો ઇંગલિશ દારૂ અને રૂપિયા દસ લાખની કિંમતની થાર ગાડી તેમજ એક મોટરસાયકલ અને પાંચ નંગ મોબાઈલ સહિત ૨૦,૧૧,૦૦૦ ની માલમતા કબજે કરી છે.જે દારૂના જથ્થા સાથે વાડી માલિક બળભદ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા અને તેના સાગરીત રતનપર ગામના કુલદીપસિંહ નરેન્દ્રસિંહ જેઠવાની અટકાયત કરી લીધી છે. પોલીસ ની પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો રાજકોટના સન્ની રાવતભાઇ આહીર દ્વારા સપ્લાય કરાયો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.