રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ-2024/25નું અંદાજપત્ર તૈયાર કરવાનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. મ્યુનીસીપલ કમિશનર આનંદ પટેલ દ્વારા તમામ શાખાઓ પાસેથી વર્ષ દરમિયાન થનારા ખર્ચ અને આવકના હિસાબોનો અહેવાલ મંગાવવામાં આવ્યો છે. શહેરીજનોને પણ એવુ લાગે કે કોર્પોરેશનના બજેટમાં અમારો પણ થોડાઘણો રોલ છે. તે માટે આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા રાજકોટવાસીઓ પાસે બજેટ કેવુ હોવુ જોઇએ અને બજેટમાં ક્યાં પ્રોજેક્ટનો સમાવેશ કરવો જોઇએ તે અંગે સુચન મંગાવવામાં આવશે. મ્યુનીસિપલ કમિશનર આનંદ પટેલે “અબતક” સાથેની વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે દર વર્ષ મહાપાલિકા દ્વારા બજેટ તૈયાર કરતા પહેલા શહેરીજનોના સુચનો મંગાવવામાં આવે છે.
જાન્યુઆરી માસના અંતમાં મ્યુનીસિપલ કમિશનર આનંદ પટેલ રજૂ કરશે નવા કરબોજ વિહોણું ફૂલ ગુલાબી બજેટ: ચૂંટણી વર્ષમાં વહિવટી પાંખ નહી શાસક પાંખ ઉમેરશે નવી-નવી યોજનાઓ
આ વર્ષ પણ આ પરંપરા જાળવી રાખવામાં આવશે. આગામી દિવસોમાં પદાધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ બજેટ માટે નાગરિકોના સુચનો મંગાવવા માટે વિધિવત ઘોષણા કરવામાં આવશે. જે સુચનો આવશે તેમાંથી યોગ્ય લાગે અને ખરેખર સાર્થક થઇ શકે તેવા હોય તેનો બજેટમાં સમાવેશ કરવામાં આવશે. તેઓએ ઉમેર્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં મૂકવામાં આવેલા તમામ પ્રોજેક્ટ જાન્યુઆરીના અંત સુધીમાં ચાલુ થઇ જાય તેવુ પ્લાનીંગ કરવા અધિકારીઓને સુચના આપી દેવામાં આવી છે. નવા બજેટમાં વાસ્તવિકતા પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. આર્થિક સધ્ધરતાના આધારે જ બજેટમાં નવા-નવા પ્રોજેક્ટની ઘોષણા કરવામાં આવશે. જમીન વિવાદના કારણે પ્રોજેક્ટ ઘોંચમાં પડે તેવો કોઇ પ્રોજેક્ટની બજેટમાં જાહેરાત કરવામાં આવશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષમાં કોર્પોરેશન દ્વારા પાણીવેરો, મિલકત વેરો, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જ સહિત કરોડો રૂપીયાનો કરબોજ શહેરીજનો પર લાદવામાં આવ્યો છે. નવા અંદાજપત્રમાં નવો કોઇ કરબોજ લાદવામાં આવશે નહી તે વાત ફાઇનલ છે. જાન્યુઆરી-2024ના અંતિમ સપ્તાહમાં મ્યુનીસીપલ કમિશનર આનંદ પટેલ દ્વારા દરખાસ્ત સ્વરૂપે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. જેના પર એકાદ સપ્તાહ ઉંડાણપૂર્વકનો અભ્યાસ કર્યા બાદ નવી-નવી યોજનાનો ઉમેરો કરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટને બહાલી આપવામાં આવશે. બીપીએમસી એક્ટના નિયમાનુસાર 20મી ફેબ્રુઆરી સુધીમાં બજેટ બોર્ડમાં મંજૂર કરી સરકારમાં મોકલી દેવુ પડે છે.
મ્યુનીસિપલ કમિશનર આનંદ પટેલ વાસ્તવિક બજેટ આપવાનો પ્રયાસ કરશે તો પણ લોકસભાની ચૂંટણી વર્ષમાં શાસકો દ્વારા બજેટમાં નવા-નવા પ્રોજેક્ટની રંગોળી પુરવામાં આવશે.