ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ ભારતીય રેસલિંગ ફેડરેશનના નવા ચીફ સંજય સિંહના વિરોધમાં પોતાનો પદ્મશ્રી પુરસ્કાર પરત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. શુક્રવારે મોટી જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે આ ચૂંટણી દર્શાવે છે કે કુસ્તીબાજોનું ભવિષ્ય હવે સુરક્ષીત નહીં રહે.
રેસ્લિંગ ફેડરેશનના વડા તરીકે સંજયસિંહની નિયુક્તિ થતા વિવાદ વકર્યો
બજરંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પદ્મ એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી છે. આ પત્રનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા બજરંગે લખ્યું હતું કે, હું મારો પદ્મશ્રી એવોર્ડ વડાપ્રધાનને પરત કરી રહ્યો છું. આ મારો એક માત્ર પત્ર છે. આ મારું નિવેદન છે.
બજરંગ પુનિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં લખ્યું છે કે, આ વર્ષે જાન્યુઆરી મહિનામાં દેશની મહિલા કુસ્તીબાજોએ રેસલિંગ એસોસિએશનના પ્રભારી બ્રિજ ભૂષણ સિંહ પર જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો હતો, જ્યારે તે મહિલા કુસ્તીબાજોએ તેમનું આંદોલન શરૂ કર્યું ત્યારે હું પણ તેમાં જોડાયો હતો. સરકારે નક્કર પગલાં ભરવાની ખાતરી આપી ત્યારે તેઓએ આંદોલન પાછું ખેંચ્યું હતું, પરંતુ ત્રણ મહિના પછી પણ જ્યારે બ્રિજ ભૂષણ સામે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં નહી આવી, ત્યારે એપ્રિલ મહિનામાં અમે કુસ્તીબાજો ફરીથી રસ્તા પર ઉતરી આવ્યા હતા.અને માગણી કરી હતીકે દિલ્હી પોલીસ બ્રિજભૂષણ સિંહ સામે કાર્યવાહી કરે.
અમે અમારા ગૃહ પ્રધાનને પણ મળ્યા, જેમાં તેમણે અમને ખાતરી આપી કે તેઓ મહિલા કુસ્તીબાજોને ન્યાય અપાવવામાં સાથ આપશે અને બ્રિજ ભૂષણ, તેમના પરિવાર અને તેમના વંશજોને રેસલિંગ ફેડરેશનમાંથી હાંકી કાઢશે. અમે તેમની સલાહ માની લીધી અને રસ્તા પરથી અમારું આંદોલન સમાપ્ત કર્યું હતું. પરંતુ 21મી ડિસેમ્બરે યોજાયેલી રેસલિંગ એસોસિએશનની ચૂંટણીમાં બ્રિજભૂષણનો જ નજીકનો મનાતો સાથી ફરી એકવાર જીત્યો છે. મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણનો આરોપી ફરી ખુલ્લેઆમ ફરી રહ્યા છે. આ માનસિક દબાણ હેઠળ ઓલિમ્પિક મેડલ જીતનારી એકમાત્ર મહિલા રેસલર સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લીધી.