કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ – રિફાઈન્ડ સોયાબીન ઓઈલ અને રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ પરની ઘટાડેલી આયાત જકાતને માર્ચ 2025 સુધી લંબાવી છે. જો કે આ નિર્ણયથી ગ્રાહકોને સસ્તાભાવે આયાતી તેલ મળી રહેશે. પણ આ નિર્ણય સ્થાનિક મિલોને ભારે અસર કરશે. હાલ મોટાભાગની મિલો માર્કેટમાં ટકી રહેવા માટે ઝઝમુ રહી છે તેવામાં આ નિર્ણયથી મિલોને નુકસાન પણ સહન કરવુ પડે તેવી નોબત આવી છે.
12.5 ટકા આયાત ડ્યુટી માર્ચ 2025 સુધી યથાવત રહેશે: લોકોને સસ્તું આયાતિ ખાદ્ય તેલ મળતું રહેશે, પણ સ્થાનિક મિલોને નુકસાનની ભીતિ
ખાદ્ય તેલની સાથે મસૂર પરની આયાત ડ્યૂટી મુક્તિ પણ 31 માર્ચ, 2025 સુધી લંબાવવામાં આવી છે. સરકારના આ પગલાનો ઉદ્દેશ્ય ખાદ્ય મોંઘવારી પર અંકુશ લાવવાનો છે. નાણા મંત્રાલયની સત્તાવાર સૂચનામાં જણાવાયું છે કે ઘટાડેલી ડ્યુટી માર્ચ 2024માં સમાપ્ત થવાની હતી, પરંતુ હવે તે માર્ચ 2025 સુધી ચાલુ રહેશે. શુદ્ધ સોયાબીન તેલ અને શુદ્ધ સૂર્યમુખી તેલ પરની મૂળભૂત આયાત જકાત 17.5% થી ઘટાડીને 12.5% કરવામાં આવી છે. ડ્યુટીમાં આ ઘટાડાથી દેશમાં આવતા આ તેલની કિંમતમાં ઘટાડો થશે, જેનાથી સ્થાનિક ભાવમાં ઘટાડો થશે અને લોકોને રાહત મળશે.
ખાદ્ય મોંઘવારી દર નવેમ્બરમાં વધીને 8.70 ટકા થયો હતો, જે અગાઉના મહિનામાં 6.61 ટકા હતો. ખાદ્ય ફુગાવો એકંદર ગ્રાહક ભાવ બાસ્કેટમાં લગભગ અડધો હિસ્સો ધરાવે છે, જે ઘણા ઘરો પર બોજ મૂકે છે અને 2024 માં સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સરકાર માટે ચિંતાનું કારણ છે.
ભારત વનસ્પતિ તેલનો વિશ્વનો બીજો સૌથી મોટો ઉપભોક્તા અને નંબર વન આયાતકાર દેશ છે. આ દેશ તેની 60% જરૂરિયાતો આયાત દ્વારા પૂરી કરે છે. આનો મોટો હિસ્સો પામ ઓઈલ અને તેની સાથે સંબંધિત ઉત્પાદનોનો છે, જે ઈન્ડોનેશિયા અને મલેશિયાથી આયાત કરવામાં આવે છે. ભારતમાં, મુખ્યત્વે સરસવ, ખજૂર, સોયાબીન અને સૂર્યમુખીમાંથી બનેલા ખાદ્ય તેલનો વપરાશ થાય છે. હાલમાં 31 માર્ચ 2024 સુધી માન્ય ખાદ્ય તેલ તેમજ મસૂર પરની આયાત ડ્યૂટી મુક્તિ પણ 31 માર્ચ 2025 સુધી લંબાવવામાં આવી છે.
આ નિર્ણયથી મિલો, વેપારીઓ અને ખેડૂતોને નુકસાન: સમીર શાહ (રાજમોતી)
સોમાના પ્રમુખ અને રાજમોતી મિલના માલિક સમીરભાઈ શાહે જણાવ્યું કે આ નિર્ણયથી મિલોને અને વેપારીઓને નુકસાન જ છે. સોયાબીન અને સરસવ પકાવતા ખેડૂતોને પણ નુકસાન છે. આ નિર્ણયથી આ પાકના ભાવ ટેકા કરતા પણ નીચા જ રહેશે. સરકાર સરસવને ખાસ પ્રમોટ કરે તો આપણે જાતે જ આપણી તેલની જરૂરિયાત પૂર્ણ કરી શકીએ તેમ છીએ.
મિલો અત્યારે બાંધેલા ગ્રાહકોને કારણે ટકી રહી છે: મુકેશભાઇ ભાલારા (ત્રણ એક્કા)
ગોંડલના ત્રણ એક્કા બ્રાન્ડ ધરાવતા દોલત પ્રોટીનના માલિક મુકેશભાઇ ભાલારાએ જણાવ્યું કે મિલોને અત્યારે નુકસાની જ સહન કરવી પડી રહી છે. હાલ ગોંડલમાં તો અંદાજે 10 જેટલી મિલ જ ચાલુ છે. બાકીની બધી બંધ હાલતમાં છે. આ ચાલુ મિલો પણ જાણીતા અને બાંધેલા ગ્રાહકોના ઓર્ડરને લીધે ટકી રહી છે. સરકારે મિલોના પ્રશ્ને યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે.
નુક્સાનીના કારણે અડધો અડધ મિલો બંધ થઈ ગઈ : મનીષભાઈ ભોજાણી (ગીતા)
ગીતા ઓઇલ મિલના માલિક મનીષભાઈ ભોજાણીએ જણાવ્યું કે સરકાર આયાતી તેલ ઉપર ડ્યુટીમાં રાહત આપી રહી છે. જેના કારણે સસ્તું આયાતી તેલ મળવાથી સ્થાનીક અડધો અડધ મિલો બંધ થઈ ગઈ છે. આ નિર્ણયથી મિલોનું નુકસાન વધશે. સ્થાનિક મિલો જે ભાવે તેલ વેચે છે તે ભાવ લોકોને ઊંચા લાગતા તેલ વેચાતું નથી. આગામી દિવસોમાં સરકાર કક્ષાએથી મિલોને પ્રોત્સાહન મળે તેવા નિર્ણયો લેવાય તેવી આશા છે.