રાજયના યુવા કલાકારોમાં રહેલી કલા પ્રદર્શિત કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ પુરુ પાડવાનો નિર્ધાર રાજ્ય સરકારે કર્યો છે. જે અંતર્ગત પ્રતિવર્ષ ઓપન યુથ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષ દરમિયાન આ સ્પર્ધા 15 અને 16 ડીસેમ્બરના રોજ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, પાટણ ખાતે યોજાઈ હતી, જેમાં રાજકોટની ઈશિતા ઉમરાણીયાએ સોલો ક્લાસિકલ વોકલ- હિન્દુસ્તાની સંગીતમાં બિલાસખાની તોડી રાગ ગાઈને પ્રથમ ક્રમાંક મેળવીને રાજકોટનું નામ રોશન કર્યું છે.
છેલ્લા 10 વર્ષથી ઈશિતા ઈન્દોર ઘરાનાના વિદુષી પિયુ સરખેલ પાસેથી તાલીમ મેળવે છે
પોતાની આ સિધ્ધિ અંગે વાત કરતા ઈશિતા ઉમરાણીયા કહે છે કે, જિલ્લા કક્ષાએ, પ્રદેશ કક્ષાએ અને રાજ્ય કક્ષાએ સોલો ક્લાસિકલ વોકલ- હિન્દુસ્તાની સંગીતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યાનો મને ખુબ જ આનંદ છે. આગામી દિવસોમાં નેશનલ લેવલે ઓપન યુથ ફેસ્ટીવલ પર્ફોર્મ કરવા મળશે. ઈશિતાએ બી.એ વિથ ઈંગ્લીશનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેઓ છેલ્લા 10 વર્ષથી ઈન્દોર ઘરાનાના વિદુષી શ્રીમતિ પિયુ સરખેલ પાસેથી તાલીમ મેળવે છે. રોજના 3-4 કલાક રિયાઝ કરે છે
રાજ્ય સરકાર દ્વારા કલા મહાકુંભ અને યુથ ફેસ્ટીવલનું આયોજન કરીને કલાકારોને ગ્રામ્ય કક્ષાથી લઈને રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષા સુધીનું પ્લેટફોર્મ પુરૂ પાડે છે. આવા આયોજનો વિદ્યાર્થીઓ કલાકારોને આગળ વધવા માટે એક નવી રાહ ચીંધે છે. અભ્યાસ સિવાયની તેમનામાં રહેલી કલાને નિખારવાનો એક મોકો આપવામાં આવે છે. જેના થકી કલા-સંસ્કૃતિ-સાહિત્યના સાંસ્કૃતિક વારસાનું સુયોગ્ય જતન થાય છે.