ધંધા માટે એક થી બે લાખની લોનની જરુરીયાતમંદનો સંપર્ક કરી ક્રેડિટ કાર્ડ પ્રોસેસના બહાને લોન ઇચ્છકનો મોબાઇલ લઇ તેમાં લોન અંગેની જુદી જુદી એપ્લીકેશન ડાઉન લોડ કરી પોતાના ખાતામાં લોનની રકમ મેળવી દસ જેટલા નાના વેપારીઓ સાથે રુા.17 લાખની ઓન લાઇન છેતરપિંડી કરનાર ઠગને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ ઝડપી રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે. છ માસ પહેલાં લોન અપાવવાના બહાને સામાકાંઠા વિસ્તારના દરજી પ્રૌઢ સાથે કરેલી રુા.2.39 લાખની છેતરપિંડીના ગુનામાં જામીન પર છુટી ફરી દસ લોન ઇચ્છુકો સાથે છેતરપિંડી કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

મોબાઇલમાં લોન અંગેની એપ્લીકેશન ડાઉન લોડ કરી પોતાના ખાતામાં લોનની રકમ જમા લઇ વિશ્ર્વાસઘાત કર્યાનો ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાતો ગુનો

લોન અપાવી દેવાના નામે લોનવાંચ્છુના મોબાઈલ ફોન અને ક્રેડિટ કાર્ડ મેળવી લઈ તેના આધારે લોન આપતી જુદી-જુદી એપમાં પ્રોસેસ કરી લોનવાંચ્છુના ખાતામાંથી બારોબાર રકમ ઉપાડી લઈ છેતરપિંડી કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જે અંગે ક્રાઈમ બ્રાંચે મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી વિરૂધ્ધ ગુનો દાખલ કરી પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તબકકે 10 ભોગ બનનારાઓએ રૂા.16.9ર લાખ ગુમાવ્યાનું બહાર આવ્યું છે. પરંતુ ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ ભોગ બનનારાઓ અને તેમણે ગુમાવેલી રકમનો આંક વધે તેવી શકયતા દર્શાવી છે.

1પ0 ફૂટ રિંગ રોડ પરના ગોવર્ધન ચોક પાસે માધવ પાર્કના પૂર્વા એપાર્ટમેન્ટમાં રહેતાં અને ઘર નજીક સૌરાષ્ટ્ર સોપારીના નામે દુકાન ધરાવતાં અંકુર જગદીશભાઈ સુરાણી (ઉ.વ.30)એ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ગઈ તા.19 નવેમ્બરના રોજ સવારે દુકાને હતો ત્યારે અજાણ્યો શખ્સ આવ્યો હતો. જેણે પોતાની ઓળખાણ મહાવીરસિંહ સોલંકી તરીકે આપી હતી. સાથો-સાથ એકસીસ બેન્કનો કર્મચારી હોવાનું જણાવી લોનની ઓફરો સમજાવી હતી. પરંતુ તે વખતે તેને બહાર જવાનું હોવાથી બીજા દિવસે આવવાનું કહ્યું હતું. ત્યારબાદ બહાવીરસિંહ ફરીથી તેની દુકાને આવ્યો હતો અને લોન ઓફર વિશે સમજાવ્યું હતું. તેને પણ લોનની જરૂરીયાત હોવાથી લોન લેવા માટે સહમતિ દર્શાવતા મહાવીરસિંહે તેનો મોબાઈલ ફોન અને તેની પાસે રહેલા બે ક્રેડિટ કાર્ડ માંગ્યા હતા.

જેના આધારે પ્રોસેસ કરી રૂા.ર લાખની લોન થઈ જશે તેમ કહ્યું હતું. તે વખતે તેનો મોબાઈલ નંબર લઈ ફરીથી પ્રોસેસ કરવા આવશે તેમ જણાવી રવાના થઈ ગયો હતો. બીજા દિવસે તેને કોલ કરી કહ્યું કે તમારા ખાતામાં રૂા.8940 ટ્રાન્સફર કર્યા છે. જે મને પરત કરી આપો. જેથી તેણે તેમ કર્યું હતું. બે-ત્રણ દિવસ બાદ ફરીથી મહાવીરસિંહે દુકાને આવી લોનની પ્રોસેસ કરવાના નામે તેનો મોબાઈલ ફોન અને બંને ક્રેડિટ કાર્ડ લઈ પ્રોસેસ કરી હતી. બાદમાં જણાવ્યું કે લોન થવામાં થોડી વાર લાગશે. બે-ત્રણ દિવસ બાદ ફરીથી તેની દુકાને આવી તેના મોબાઈલ ફોનમાંથી પ્રોસેસ કરી હતી. આ વખતે ફરીથી થોડા દિવસ લાગશે તેમ જણાવી ત્યાંથી નીકળી ગયો હતો.

ગઈ તા.11 ડિસેમ્બરના રોજ તે તેના એચડીએફસી બેન્કનું ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા ગયો હતો ત્યારે જાણવા મળ્યું કે તેના કાર્ડમાંથી રૂા.43,ર6પ ઉપડી ગયા છે. જેને કારણે ફ્રોડ થયાનું જણાતાં સાયબર ક્રાઈમના હેલ્પ લાઈન નંબર ઉપર ફરિયાદ આપી હતી. આ પછી શંકા જતાં તેણે એકસીસ બેન્કમાં જઈ ક્રેડિટ કાર્ડ ચેક કરાવતાં તેમાંથી પણ કટકે-કટકે રૂા.1.પ8 લાખ ઉપડી ગયાનું જાણવા મળ્યું હતું.

જેથી તેણે ફરીથી સાયબર ક્રાઈમ હેલ્પ લાઈન પર ફરિયાદ કરી હતી. ગઈ તા.18 ડિસેમ્બરના રોજ તેને એક લોન એપ્લીકેશનમાંથી મેસેજ આવ્યો હતો. જોકે તેને તેમાં કંઈ સમજાયું ન હતું. બાદમાં એક કોલ આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે તે લોન એપ્લીકેશનમાંથી લીધેલી લોન ભરી આપો. તપાસ કરતાં જાણવા મળ્યું કે તેણે મહાવીરસિંહને ગઈ તા.ર1 નવેમ્બરના રોજ જે રૂા.8940 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા તે આ લોનના હપ્તાના હતા.

વધુ તપાસ કરતાં મહાવીરસિંહે   ક કસંદિપ દિનેશભાઈ આંબલીયા (રહે. ન્યુ ગણેશનગર શેરી નં.3, કોઠારીયા ચોકડી) સાથે રૂા.6.79 લાખની, મયુરભાઈ વિજયભાઈ ભારદીયા (રહે. અંબાજી કડવા સોસાયટી-6) સાથે રૂા.1.09 લાખ, પંકજભાઈ બાબુભાઈ દોમડીયા (રહે. મોરબી રોડ, જકાત નાકા પાસે, રામાયણ પાર્ક શેરી નં.3) સાથે રૂા.6પ600, શૈલેષભાઈ ભીખાલાલ રૂપાભીંડા (રહે. દ્વારકેશ પાર્ક શેરી નં.6, આલાપ ગ્રીન સિટી પાછળ) સાથે રૂા.1.0પ લાખ, કલ્પેશભાઈ રામજીભાઈ ચાંગાણી (રહે. રાણી પાર્ક-11, શેરી નં.1, નંદનવન-3 પાછળ, 1પ0 ફૂટ રિંગ રોડ) સાથે રૂા.70606, પરસોતમભાઈ વેલજીભાઈ ડાભી (રહે. ભારતનગર-1, સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં) સાથે રૂા.ર.19 લાખ, પ્રશાંત ભૂપેન્દ્રભાઈ સેજપાલ (રહે. આનંદનગર, કોઠારીયા રોડ) સાથે રૂા.48,469, રાહુલ દિલીપભાઈ નકુમ, સાથે રૂા.1.33 લાખ, ગિરીશભાઈ દિલીપભાઈ નકુમ (રહે. બંને) અયોધ્યા ચોક, યોગરાજનગર, માધાપર ગામ) સાથે રૂા.48ર60ની છેતરપિંડી  કરી હોવાનું બહાર આવ્યું હતુ.  આ તમામને ફરિયાદમાં સાહેદ તરીકે નિવેદન લીધા છે.

છેતરપિંડીના ગુનામાં જામીન મુકત થયેલા શખ્સે ફરી દસને શીશામાં ઉતાર્યા

માધવ પાર્કમાં રહેતા સોપારીના વેપારી અંકુરભાઇ સુરાણી સહિત દસ જેટલા નાના વેપારીઓને લોન અપાવવાના બહાને રુા.17 લાખની છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલા રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે સોમનાથ સોસાયટીમાં રહેતા મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી નામના શખ્સની ગત તા.23 મેના રોજ બી ડિવિઝન પોલીસે રુા.2.39 લાખની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરી હતી. પેડક રોડ પર પાણીના ઘોડા પાસે રહેતા કમલેશભાઇ ગીરધરભાઇ રાઠોડને લોન અપાવવાના બહાને તેના મોબાઇલમાં મની વ્યુ એપ્લીકેશ ડાઉન લોડ કરી છેતરપિંડી કરી હોવાનો ગુનો નોંધાયો હતો. છેતરપિંડીના ગુનામાં જામીન પર છુટી ફરી એક સાથે દસ નાના વેપારી સાથે રુા.17 લાખની ઠગાઇ કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.