નડીયાદ પાસે આવેલા બિલોદરા ખાતે ઝેરીલા સિરપનું સેવન કરતા પાંચના થયેલા મોતની ઘટનાના સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. નડીયાદ પોલીસે વડોદરાના બે સુત્રધારને ઝડપી લીધા હતા. બંને સુત્રધાર સામે રાજકોટમાં છ માસ પહેલાં મિથાઇલ આલ્કોહોલનો જથ્થો મોકલવાના ગુનામાં સંડોવણી બહાર આવી હોવાથી બંનેનો નડીયાદ જેલમાંથી ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે કબ્જો મેળવી બે દિવસના રિમાન્ડ પર મેળવ્યા છે.
સાત માસ પહેલાં 73275 બોટલ ઝેરીલા સિરપ સાથે પાંચ ટ્રક પકડાયા તેમાં સંડોવણી ખુલ્લી તી
નડીયાદના બિલોદરામાં મિથાઇલ આલ્કોહોલ મિશ્રિત સિરપનું સેવન કરતા પાંચના મોતના ગુનામાં વડોદરાના બંને શખ્સો ઝડપાતા રાજકોટ પોલીસે બંનેનો કબ્જો મેળવ્યો
ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગત તા.3 જુલાઇએ કોઠારિયા રોડ હુડકો વિસ્તારમાંથી 73275 બોટલ ઝેરીલા સિરપ સાથે પાંચ ટ્રક ઝડપી લીધા હતા. પોલીસે મેહુલ જસાણી, લખધિરસિંહ જાડેજા, અશોક ચૌહાણ જયરાજ સહિત દસ જેટલા શખ્સોની ધરપકડ કરી પૂછપરછ દરમિયાન વડોદરાના નિતિન અજીત કોટવાણી અને ભાવેશ જેઠાલાલ સેવકાણી નામના શખ્સોએ રાજકોટમાં સિરપ મોકલ્યાનું ખુલ્યું હતું. બંને શખ્સોને સિરપ બનાવવાની ફેકટરી મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે હોવાનું અને ભીવંડી ખાતે ગોડાઉન હોવાનું બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચે ફેકટરી અને ગોડાઉન સીલ કર્યા હતા પરંતુ નિતિન કોટવાણી અને ભાવેશ સેકવાણીની ભાળ મળી ન હોવાથી શોધખોળ જારી રાખી હતી.
દરમિયાન નડીયાદના બિલોદરા ખાતે ઝેરીલુ સિરપનું સેવન કરવાથી પાંચના મોત થયાની ઘટના બની હતી બિલોદરામાં મિથાઇલ આલ્કોહોલ મિશ્રિત સિરપનો જથ્થો યોગેશ પીરુમલ સિંધી દ્વારા નિતિન કોટવાણી અને ભાવેશ સેવકાણીએ મોકલ્યો હોવાનું બહાર આવતા નડીયાદ પોલીસે બંને સુત્રધારની ધરપકડ કરી જેલ હવાલે કર્યા બાદ બંનેનો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નડીયાદ જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવી રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે બે દિવસના રિમાન્ડ પર સોપવા હુકમ કર્યો છે.