નવજાત બાળકો-માતાના આરોગ્યમાં સતત ઘટાડા અને કુપોષણ સહિતના કારણે ગુજરાતમાં નવજાત બાળકોનો મૃત્યુનો આંક અટકવાનો નામ લેતો નથી. ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટરમાં સતત વધી રહેલા નવજાત બાળકો અંગે ગંભીર ચિંતા કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કરએ જણાવ્યું હતું કે ગુજરાત ‘સિવિયર એક્યુટ માલન્યુટ્રીશન’થી પાંચ વર્ષથી નાના હજારો બાળકો પીડાઈ રહ્યા છે જેના લીધે તેમને ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટરમાં રાખવામાં આવે છે.
અતિ કુપોષિત બાળકોની સંખ્યામાં છેલ્લા ત્રણ વર્ષમાં બમણો વધારો
ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 41632 ગંભીર તીવ્ર કુપોષણ બાળકો ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. બાળકો ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે આવે છે. ગંભીર તીવ્ર કુપોષણ બાળકોની સંખ્યામાં છેલ્લા ત્રણ વર્ષમાં બમણો વધારો નોધાયો છે જે ખુબ જ ગંભીર બાબત છે.
‘સિવિયર એક્યુટ માલન્યુટ્રીશન’ને લીધે વર્ષ 2020-21માં 9606, વર્ષ 2021-22માં 13048 અને વર્ષ 2020- 23માં 18978 બાળકો ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં સરેરાશ 12 લાખ બાળકોના જન્મ સમયે 30 હજારથી બાળકોના મોત થાય છે. આજે પણ વર્ષે 30 હજાર બાળકોના મોત થાય છે આ વાસ્તવિકતા છે. છેલ્લા પાંચ વર્ષમાં 7,15,515 બાળકો કુપોષિત છે. જાહેર હિતને બદલે જાહેરાતોમાં રચતા આરોગ્ય વિભાગ નવજાત બાળકો-ગર્ભવતી મહિલાઓ યોગ્ય અને પુરતી સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યું છે.
ગતિશીલ અને પ્રગતિશીલ ગુજરાતની વાતો કરતી ભાજપ સરકારમાં પાંચ વર્ષથી નાના હજારો બાળકોને માતાની કોખમાં ઉછેર અને કુદરતી પોષણએ બદલે રિહેબિલિટેશન સેન્ટર દાખલ થવું પડી રહ્યું છે, વાઈબ્રન્ટ ગુજરાતમાં કુપોષિત બાળકોની વધતી જતી સંખ્યા ગુજરાત માટે ચિંતાનો વિષય છે. પોષણ અભિયાનોના નામે કરોડો રૂપિયા ક્યાં ગટર થઈ જાય છે ? તે તપાસ નો વિષય છે.