ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2024માં લેવામાં આવનારી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની મુદત શુક્રવારે પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા મુદત લંબાવવામાં આવી છે. હજુ અમુક સ્કૂલોના વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા ન હોવાનું જણાતા ત્રણ તબક્કામાં લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવામાં આવશે. જેમાં 16 ડિસેમ્બરથી લેઈટ ફી સાથે ફોર્મ સ્વિકારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે, જે 6 જાન્યુઆરી સુધી ચાલશે.
એપ્રુવલની કામગીરી બાકી હોય તો તે પણ પુર્ણ કરવા માટે શિક્ષણ બોર્ડની સ્કૂલોને સૂચના
આ સમયગાળા દરમિયાન સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓની માહીતીમાં સુધારો હોય તો તે પણ કરી શકાશે અને પ્રિન્સીપાલ એપ્રુવલની કામગીરી બાકી હોય તો તે પણ પુર્ણ કરવા માટે જણાવાયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવામાં આવનારી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહીનો 6 નવેમ્બરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શાળાઓએ વિદ્યાર્થીઓના ફોર્મ રેગ્યુલર ફી સાથે 15 ડિસેમ્બર સુધીમાં ભરવાના રહેશે તેમ બોર્ડ દ્વારા જણાવાયું હતું. જોકે, 15 ડિસેમ્બરના રોજ બોર્ડની ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થયા બાદ પણ ઘણા વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી હોવાનું સામે આવતા હવે લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવાનું નક્કી કરાયું છે. શિક્ષણ બોર્ડ દ્વારા લેઈટ ફી સાથે ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવા સાથે 6 જાન્યુઆરી સુધી શાળા કક્ષાએથી કોઈ પણ સમયે વિદ્યાર્થીની માહિતીમાં પણ સુધારો કરી શકવાની સુવિધા કરી છે. જોકે, આ માટે શાળાઓએ અલગથી કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં. આ ઉપરાંત વિદ્યાર્થીઓનું પ્રિન્સિપલ એપ્રૂવલ બાકી હોય તો તે પણ 6 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.