ડુંગળીના ભાવમાં તોતીંગ વધારો થતા ભાવ વધારાને નાથવા કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. જેના વિરોધમાં સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડમાં ત્રણ દિવસ સુધી ડુંગળીની હરાજી બંધ રહ્યા બાદ આજથી હરાજી શરૂ થતાની સાથે જ ખેડૂતો વિફર્યા હતા. ગોંડલ માર્કેટીંગ યાર્ડની બહાર 2 હજારથી વધુ ખેડૂતોએ ડુંગળીની નિકાસબંધીના વિરોધમાં નેશનલ હાઇવે પર ચક્કાજામ કર્યું હતું. રોડ પર ડુંગળીનો જથ્થો ઠાલવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા નિકાસબંધી કરાયા બાદ ડુંગળીના ભાવમાં ઘટાડો: હજારોની સંખ્યામાં ગોંડલ માર્કેટીંગ યાર્ડની બહાર ખેડૂતોનું વિરોધ પ્રદર્શન: ડુંગળી રોડ પર ઠાલવી દીધી: ટ્રાફિક જામ
આજે સવારે ગોંડલ, રાજકોટ, જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં માર્કેટીંગ યાર્ડમાં ત્રણ દિવસ બાદ ડુંગળીની હરાજી ફરી શરૂ કરવામાં આવી હતી. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો ડુંગળીના વેંચાણ માટે આવ્યા હતા. નિકાસ બંધીના કારણે ડુંગળીના ભાવ તળીયે બેસી ગયા હોવાના કારણે તાત્કાલીક અસરથી ડુંગળી પરની નિકાસબંધી ઉઠાવી લેવાની ઉગ્ર માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. ગોંડલ માર્કેટીંગ યાર્ડની બહાર બે હજારથી વધુ ખેડૂતોએ નિકાસબંધી ઉઠાવી લેવાની માંગ સાથે હંગામો મચાવ્યો હતો. નેશનલ હાઇવે પર ચક્કાજામ કરી દીધું હતું. ડુંગળીનો માલ રોડ પર ઠાલવી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોના વિરોધ અને ચક્કાજામના પગલે નેશનલ હાઇવે પર વાહનોની લાંબી-લાંબી કતારો લાગી જવા પામી હતી.
આજથી ડુંગળીની હરાજી શરૂ થઇ હતી. છતા નિકાસબંધીનો વિરોધ કરી રહેલા ખેડૂતો ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીનો માલ વેંચવા માટે આવ્યા ન હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ડુંગળી પરની નિકાસબંધી ઉઠાવી લેવાની માંગણી કેન્દ્રી કૃષિમંત્રી અર્જૂન મુંડા સમક્ષ સૌરાષ્ટ્રના ત્રણ સાંસદ મોહનભાઇ કુંડારિયા, રમેશભાઇ ધડુક અને રાજેશભાઇ ચુડાસમા પણ કરી ચુક્યા છે. છતા તેનો કોઇ નિવેડો આવ્યો નથી.
હવે ખેડૂતોની ધીરજ પણ ખુટી છે. આગામી દિવસોમાં રાજ્યભરમાં ડુંગળી પરથી નિકાસબંધી ઉઠાવી લેવાની માંગ સાથે ખેડૂતો આંદોલન શરૂ કરે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.