પડધરી નજીક આવેલા ખોખરી ગામે ખેત મજુરી કરતા મધ્યપ્રદેશના શખ્સે પોતાની પત્નીની હત્યા કરી લાશને દાટી ચાર સંતાનો સાથે ભાગી છુટેલા શખ્સને પોલીસે ઝડપી કરેલી પૂછપરછમાં પત્ની કેશરની હત્યા પોતે નહી પરંતુ પોતાના શરીરમાં પ્રવેશેલા પ્રેતાત્માએ કરી હોવાની ચોકાવનારી કબુલાત આપી છે. પત્નીની હત્યા બાદ પરિવાર અને પોલીસને ગેર માર્ગે દોરવા માટે પત્ની કોઇ સાથે ભાગી ગયાનું જાહેર કર્યુ હતું. હત્યા પાછળ ઘર કંકાસ અથવા ચારિત્ર્યની શંકા કારણભૂત હોવાની શંકા સાથે પોલીસે પૂછપરછ હાથધરી છે.
પત્નીને મોતને ઘાટ ઉતારી પરિવાર અને પોલીસને ગેર માર્ગે દોરવા કોઇ સાથે ભાગી ગયાનું જાહેર કર્યુ: ઘર કંકાસ અથવા ચારિત્ર્યની શંકાએ હત્યા કર્યાની આશંકા
પડધરી તાલુકાના કનકપુર (ખોખરી) ગામમાં વાડી વાવતાં મૂળ મધ્યપ્રદેશના સંતોષ રાધેશ્યામ બુડળીયા તેની પત્ની કેશરબાઈની પૂત્થરોના ઝીંકી, મોઢું છુંદી, ઘાતકી રીતે હત્યા નિપજાવ્યા બાદ વાડીમાં જ લાશ દાટી ચાર સંતાનોને લઈ ભાગી ગયો હતો. પડધરી પોલીસે યુક્તિપૂર્વક તેને ઝડપી લઈ પૂછપરછ કરતાં કહ્યું કે ખરેખર તેણે પત્નીની હત્યા કરી જ નથી. તેના શરીરમાં પ્રવેશેલી પ્રેતાત્માએ મર્ડર કર્યું હોવાની વિચિત્ર કબુલાત આપી છે.
મૂળ મધ્યપ્રદેશના દેવાસ જીલ્લાના બાગલી તાલુકાના માતમોર ગામનો વતની સંતોષ રાધેશ્યામને તેને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. તે પરિવાર સાથે છેલ્લા ઘણાં સમયથી કનકપુર (ખોખરી) ગામે કનકસિંહ બહાદુરસિંહ જાડેજાની વાડી વાવતો હતો. તેણે કનકસિંહને કોલ કરી તેની પત્ની કોઈ સાથે ભાગી ગયાની જાણ કરી હતી. એટલું જ નહીં પોલીસમાં જો કોઈ જાણીતું હોય તો ફરિયાદ નોંધાવવા માંગતો હોવાનું પણ કહ્યું હતું.
ગઈકાલે કનકસિંહને વાડીમાંથી દુર્ગંધ આવતી હોવાથી કાંઈક અજુગતુ બન્યાની શંકા જતાં પડધરી પોલીસને જાણ કરી હતી. જેથી પીએસઆઈ જી.જે. ઝાલા સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. તે વખતે વાડીના વોંકળા પાસેથી દુર્ગંધ આવતી હતી. જેથી મામલતદારને બોલાવી ખોદકામ કરાવતાં કેશરબાઈની ગોદળું વીંટાળેલી અને કોહવાઈ ગયેલી લાશ મળી આવી હતી. સ્થળ પર જરૂરી કાર્યવાહી બાદ લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવીલમાં ખસેડી હતી. જયાં તબીબોએ બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરાયાનો અભિપ્રાય આપ્યો હતો. પોલીસે તપાસ આગળ ધપાવતા જાણવા મળ્યું કે પત્થરના ઘા ઝીંકી અડધું માથું છુંદી કેશરબાઈની હત્યા કરાઈ છે.
વળી તેનો પતિ સંતોષ સંતાનો સાથે ગાયબ હોવાથી તેના પર શંકા ગઈ હતી. બીજી તરફ સંતોષ વાડી માલીક સાથે મોબાઈલ પર સતત સંપર્કમાં હતો. તેણે વાડી માલીકને પત્ની ગુમ થયા અંગે પોતે પોલીસમાં ફરિયાદ નોંધાવવા માંગતો હોવાનું કહ્યું હતું. જેથી વાડી માલીક કનકસિંહે તેને વિશ્વાસમાં લઈ બોલાવતાં તે સંતાનો સાથે વાડીએ આવી પહોંચતાં જ પોલીસે તેને સકંજામાં લીધો હતો. ત્યારબાદ હત્યાનો ભોગ બનનાર કેશરબાઈના ભાઈ દિલીપ હરીરામ બામનીયા (ઉ.વ.28, રહે. મૂળ મધ્યપ્રદેશ, હાલ ખેંગારકા ગામે મગનભાઈ પટેલની વાડીમાં, તા.ધ્રોલ)ની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી આરોપી સંતોષની અટકાયત કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં સંતોષે પોલીસને કહ્યું કે તેણે પત્નીની હત્યા કરી નથી,
પરંતુ તેના શરીરમાં પ્રેતાત્માએ પ્રવેશ કરી હત્યા કરી છે. આરોપી સંતોષે ગઈ તા.3ના રોજ રવિવારે પત્ની કેશરબાઈની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તે ચારેય સંતાનોને લઈ વતન જવા રવાના થઈ ગયો હતો. ઈન્દોર સુધી પહોંચી પણ ગયો હતો. પરંતુ ત્યાંથી તેને વાડી માલીકે વિશ્વાસમાં લઈ પરત બોલાવતાં આવી ગયો હતો. પોલીસે હવે તેણે ખરેખર કયા કારણથી હત્યા કરી તે બાબતે પૂછપરછ શરૂ કરી છે. ગૃહકલેશ કે ચારિત્ર્ય બાબતે શંકા જેવા કારણો જવાબદાર હોવાની શંકા સાથે પોલીસે તપાસ હાથધરી છે.
સંતોષે પત્નીની હત્યા કર્યા બાદ ગઈ તા.4નાં રોજ તેના સાળા દિલીપને કોલ કરી જણાવ્યું કે ખોખરી ગામે મજુરી કામ પુરૂ થઈ ગયું હોવાથી તે હાલ વતન જઈ રહ્યો છે. પરંતુ તેની બહેન કોઈની સાથે ભાગી ગઈ છે. ત્યારબાદ દિલીપે તેની બહેન કોની સાથે ભાગી ગઈ છે તે બાબતે બનેવી સંતોષને અવાર-નવાર પૂછયું હતું પરંતુ તે કોઈ સંતોષકારક જવાબ આપતો ન હતો. આ જ રીતે વાડી માલીકને પણ સંતોષ તેની પત્ની કોઈની સાથે ભાગી ગયાની સ્ટોરી જણાવતો રહ્યો હતો. એટલું જ નહીં આ સ્ટોરીને સમર્થન મળે તે માટે ફરિયાદ નોંધાવવા પણ તૈયાર હતો. પોતાના સંતાનોને પણ તેણે તેની માતા કોઈની સાથે ભાગી ગયાની સ્ટોરી જણાવી હતી. સંતોષને કુલ સાત સંતાનો હતા. જેમાંથી જોડીયા બાળકો – સહિત ત્રણ સંતાનોના મૃત્યુ થઈ ચુકયા છે. તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.