રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાર્ડમાં આજે સતત ત્રીજા દિવસે ડુંગળીની હરરાજી બંધ રહેવા પામી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના ભાવો વધતા નિકાસ બંધી લાદી દેવામાં આવી છે. જેના કારણે ભાવમાં તોતીંગ કડાકો આવતા ગત સોમવારથી રાજકોટ, ગોંડલ, મહુવા અને જામનગર સહિતના માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની હરરાજી બંધ કરી દેવામાં આવી છે. જો બે થી ત્રણ દિવસમાં હરરાજી ફરી શરૂ નહી થાય તો ભાવમાં વધારો થવાની અને ખેડૂતોનો માલ બગડી જવાની પણ ભીતિ રહેલી છે.
હવે જો બે થી ત્રણ દિવસમાં હરાજી શરૂ થાય તો સૌરાષ્ટ્રમાં ડુંગળીની અછત સર્જાવાની અને ખેડૂતોને માલ બગડી જવાની પણ દહેશત
કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય દ્વારા ગત સપ્તાહે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવી હતી. જેના કારણે ભાવમાં મોટો કડાકો બોલી ગયો હતો. ભાવ ઘટાડાના પગલે રાજકોટ, મહુવા, જામનગર અને ગોંડલ સહિતના સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની હરરાજી ગત સોમવારથી બંધ કરી દેવામાં આવી હતી. આજે સતત ત્રીજા દિવસે ડુંગળીની હરાજી બંધ રહી હતી. જો બે-ત્રણ દિવસમાં હરરાજી શરૂ નહી થાય તો ડુંગળીના ભાવમાં ફરી વધારો થશે અથવા ખેડૂતોના ઘરમાં રહેલી ડુંગળીનો માલ બગડી જવાની પણ ભીતિ રહેલી છે.
ડુંગળીની નિકાસબંધી ઉઠાવી લેવા સૌરાષ્ટ્રના સાંસદોની કેન્દ્રીય કૃષિ મંત્રી સમક્ષ માંગ
રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા, પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક અને જુનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા કૃષિમંત્રી અર્જુન મૂંડાને મળ્યા
નિકાસ બંધીના કારણે ડુંગળીના ભાવમાં તોતીંગ ઘટાડો આવ્યો છે. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરિયાએ ડુંગળીની નિકાસ બંધી ઉઠાવી લેવાની માંગણી કરી હતી. દરમિયાન તાજેતરમાં સૌરાષ્ટ્રના ત્રણ સાંસદોએ કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જૂન મૂંડાને મળી ડુંગળી પરની નિકાસ બંધી ઉઠાવી લેવાની માંગણી કરી છે.
રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાએ “અબતક” સાથેની વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે તાજેતરમાં મેં, પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક અને જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ કેન્દ્રીય કૃષિમંત્રી અર્જૂન મૂંડાને મળવા સમય માંગ્યો હતો. તેઓને બે દિવસ પહેલા મળી એેવી માંગણી કરી છે કે ડુંગળી પર નિકાસ બંધી લાદી દેવાના કારણે ભાવમાં મોટો ધડાકો થયો છે. ખેડૂતોને મોટી નુકશાની જવા પામી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડમાં ડુંગળીની હરરાજી પરથી નિકાસ બંધી ઉઠાવી લેવાની માંગણી કરવામાં આવી છે. તેઓએ પ્રત્યુત્તર પણ હકારાત્મક રહ્યો છે. નિકાસ બંધી ઉઠાવી લેવા અંગે અથવા નાફેડ દ્વારા ટેકાના ભાવે ડુંગળીની ખરીદી કરવામાં આવશે. તેવી બાહેંધરી આપી છે.