ગુજરાતનો હીરા ઉદ્યોગ વિશ્વભરમાં અવ્વલ સ્થાને છે. વિશ્વના 72 ટકા હીરા ગુજરાતથી પ્રોસેસ થાય છે તેવુ સરકારે સત્તાવાર જાહેર કર્યું છે. વધુમાં આ હીરાઉધોગ ન માત્ર ગુજરાત પણ દેશના અર્થતંત્રમાં પણ નોંધનીય ફાળો આપી રહ્યો છે.

રાજ્યના અંદાજિત 90% હીરાનું પ્રોસેસિંગ એકલા સુરતમાં, જ્યાં 9 લાખથી વધુ લોકોને રોજગારી પણ મળે છે

ભારતના જ્વેલરી ક્ષેત્રમાં ગુજરાત નિર્ણાયક ભૂમિકા ભજવે છે, અને રાજ્ય વિશ્વના પ્રોસેસ્ડ હીરાનો 72% હિસ્સો ધરાવે છે. ગુજરાતમાં 450થી વધુ સંગઠિત જ્વેલરી ઉત્પાદકો, આયાતકારો અને નિકાસકારો છે. ગુજરાતના સુરત, અમદાવાદ અને રાજકોટ મુખ્ય ક્લસ્ટર તરીકે ઉભરી આવ્યા છે, જેમાં સુરત હીરાના ઉત્પાદનમાં વૈશ્વિક પાવરહાઉસ છે. આજે વિશ્વના 10માંથી 8 હીરા ગુજરાતમાં પ્રોસેસ થાય છે, અને તે રીતે ભારતની કુલ હીરાની નિકાસમાં રાજ્યનો હિસ્સો 80% છે. ગુજરાતના અંદાજિત 90% હીરાનું પ્રોસેસિંગ સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં કરવામાં આવે છે, જે 9 લાખથી વધુ લોકોને રોજગાર આપે છે, અને સુરતને ‘સિલ્કી સિટી સ્પાર્કલિંગ વિથ ડાયમંડ’ નું બિરૂદ આપવામાં આવ્યું છે.

હીરા ઉદ્યોગની વધતી જતી માંગને પહોંચી વળવા, ગુજરાત સરકારે ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ સિટીની સ્થાપના કરી, જેમાં સુરત ડાયમંડ બુર્સ પણ આવેલું છે. એસડિબી ભારતનું બીજું હીરા વેપારનું હબ છે, અને કદમાં પેન્ટાગોનથી પણ મોટું છે, જે 1,50,000 લોકોને સીધી રોજગારી આપે છે. શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે સુરતની પ્રતિબદ્ધતા ભારતીય ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ માં સ્પષ્ટ થાય છે, જે હીરાના પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગમાં સ્પેશિયલાઇઝેશન કોર્સ ઓફર કરે છે. 32,000થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપવાની સાથે, આઇડીઆઈ વૈશ્વિક ગુણવત્તાના ધોરણો જાળવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

હીરા ઉદ્યોગની બદલાતી ગતિશીલતાને ઓળખીને, ગુજરાત સરકાર લેબ-ગ્રોન ડાયમંડ ક્ષેત્રને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે. જેમ જેમ કુદરતી હીરાનો વૈશ્વિક પુરવઠો ઘટતો જાય છે, તેમ તેમ માંગમાં વધારો થવાની અપેક્ષા છે, અને લેબ ગ્રોન ડાયમંડ્સ આ ખાડાને પૂરવા માટે સજ્જ છે. રાજ્ય લેબ ગ્રોન ડાયમંડના ક્ષેત્રના વિકાસને વેગ આપવા માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સપોર્ટ અને કૌશલ્ય વિકાસ સહિતની પહેલોનું નેતૃત્વ કરી રહ્યું છે.

જેમ્સ એન્ડ જવેલરી ક્ષેત્રેવાયબ્રન્ટ સમિટમાં મોટાપાયે રોકાણ થવાની શકયતા

10મીથી 12મી, જાન્યુઆરી-2024માં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં મોટાપાયે રોકાણની શક્યતા અંકાઈ રહી છે. ભારતના જીડીપીમાં 7 ટકા ફાળો જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રનો છે.  એવી જ રીતે આ ઉદ્યોગ દેશમાં 45 લાખથી વધુ કામદારોને રોજગારી આપે છે. ભારત, વિશ્વના 75 ટકા પોલિશ્ડ હીરાની નિકાસ કરે છે અને નાણાકીય વર્ષ 2022-23માં ભારતની કુલ નિકાસ  37.73 બિલિયન ડોલર સુધી પહોંચી છે. યુએઇ સાથે તાજેતરના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી નિકાસને વધુ વેગ મળવાની અપેક્ષા છે, જેનું લક્ષ્યાંક 52 બિલિયન ડોલર છે.

સુરત ડાયમન્ડ બુર્સનું મોદીના હસ્તે 17મીએ લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી ડિસેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે.આ વખતે તેઓ સુરતમાં બે કાર્યક્રમોનું લોકાર્પણ કરવાના છે. જેમાં મોદી ડાયમન્ડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ (ડ્રીમ) સિટીનો ભાગ બનેલા સુરત ડાયમન્ડ બુર્સ બિલ્ડીંગને ખુલ્લું મૂકશે. આ બિલ્ડીંગમાં કુલ 135 ડાયમન્ડ ટ્રેડીંગ કંપનીઓએ તેમની કામગીરી શરૂ કરી હતી. જેમાં હીરાના 26 વેપારીઓએ તેમની ઓફિસ મુંબઇથી ખસેડીને આ બિલ્ડીંગમાં શિફ્ટ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.