ફારગતિ દસ્તાવેજ ન હોવા છતાં ગામ નમુના નંબર 2ની એન્ટ્રી રદ કરી 1600 વારના પ્લોટનો માલિકી હકક છીનવી લીધાની ગાંધીનગર વિજિલન્સ કમિશનરને રાવ
ગોંડલના ગુંદાળા ચોકડી પાસે હાઇવે ટચની કરોડોની કિંમતની જમીન અંગે એન્જલ ડૈવલોપર્સના ભાગીદારોની 2014માં 4000 વાર પ્લોટના થયેલા ગામ નમુના નંબર 2ની એન્ટ્રી ગોંડલના ડેપ્યુટી કલેકટરે એન્જલ ડેવલોપર્સના ફારગતિ દસ્તાવેજ વિના જ અને કોર્ટમાં કેસ પેન્ડીગ હોવા છતાં એન્જલ ડેવલોપર્સની માલિકી હક્ક ડુબાડવા ગામ નમુના નંબર 2ની એન્ટ્રી રદ કરી જમીનના મુળ માલિકની તરફેણમાં કરેલા હુકમ પાછળ ગેરરીતી થયાના આક્ષેપ સાથે એન્જલ ડેવલોપર્સના ભાગીદાર ચંદ્રેશભાઇ પ્રવિણભાઇ મહેતાએ ગાંધીનગર ચીફ વિઝીલન્સ કમિશનરને લેખિત ફરિયાદ કરી ગોંડલના તત્કાલિન ડેપ્યુટી કલેકટરની અપ્રમાણસરની મિલકત અંગે તપાસ કરવા માગ કરી છે.
ગોંડલના ભીમજીભાઇ જીવરાજભાઇ વૈષ્ણવ અને રાજકોટના નાના મવા રોડ પર હરીદ્વાર હાઇટસમાં રહેતા ચંદ્રેશભાઇ પ્રવિણભાઇ મહેતાએ 2014માં ગોંડલના ગુંદાળા બ્રીજ પાસેની હાઇવે ટચની 4000 વાર જમીન ડેવલોપ કરવા માટે એન્જલ ડેવલોપર્સથી ભાગીદારી શરુ કરી હતી. ભીમજીભાઇ વેષ્ણવની જમીન અંગેનો તે તે સમયે 11 હજાર ભાવ નક્કી કરી ડેપ્યુટી કલેકટરમાં 2014માં ગામ નમુના નંબર 2માં એન્જલ ડેવલોર્પસના ભાગીદારોની એન્ટ્રી કરાવી હતી. જેથી ભીમજીભાઇની જમીનની માલિકી હક્ક એન્જલ ડેવલોર્પસના થયા હતા. બંને ભાગીદારોએ 4000 વાર પૈકી 2600 વાર જમીનનું વેચાણ કરી તેનો હિસાબ પુરો કરી નાખ્યો હતો. બાકી રહેલી 1600 વાર જમીન અંગે ભીમજીભાઇ વૈષ્ણવે ગામ નમુના નંબર 2માં એન્ટ્રી ફરી પોતાના નામે કરવા માટે કરેલી અરજી અંગે ગત તા.19-7-23ના રોજ તે સમયના ડેપ્યુટી કલેકટર રાજેશ આલ દ્વારા સુનાવણી માટે જાણ કરી હતી. ગામ નમુના નંબર 2ની એન્જલ ડેવલોપર્સની એન્ટ્રી રદ કરવા માટે તેનું ફારગતિ દસ્તાવેજ ન હોવા છતાં અને કોર્ટમાં કેસ પેન્ડીગ હોવા છતાં ડેપ્યુટી કલેકટર રાજેશ આલે એક જ મુદતમાં એન્ડલ ડેવલોપર્સની એન્ટ્રી રદ કરી નાખી ગેર રીતી આચરી હોવાનું એન્જલ ડેવલોપર્સના ભાગીદાર ચંદ્રેશભાઇ મહેતા દ્વારા આક્ષેપ કરી ગાંધીનગર ચીફ વિઝીલન્સ કમિશનર સંગીતા સિંધને લેખિત ફરિયાદ આપી ડેપ્યુટી કલેકટર રાજેશ આલની અપ્રમાણસરની મિલકત અંગેની તપાસ કરવા માગ કરી છે.
એન્જલ ડેવલોપર્સના ભાગીદાર ચંદ્રેશભાઇ મહેતાએ ચીફ વિઝીલન્સ ઉપરાંત મુખ્ય મંત્રી, અધિક મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ ગૃહ વિભાગ, ગૃહ મંત્રી, ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યુરો અને રાજકોટ જિલ્લા કલેકટરને ફરિયાદની કોપી મોકલી ન્યાયની માગ કરી છે.