આઈસીસી એ મંગળવારે જાહેર કરેલી ટેસ્ટ રેન્કિંગમાં ચેતેશ્વર પૂજારાએ બીજું સ્થાન મેળવી લીધું છે જ્યારે વિરાટ કોહલીએ પાંચમાં સ્થાને છે.
ચેતેશ્વર પૂજારાએ શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં ૧૪૩ રન બનાવ્યા હતા જેને કારણે તે 2 જા સ્થાને પહોચ્યો છે. પૂજારાએ આ સાથે પોતાની કારકિર્દીમાં સર્વશ્રેષ્ઠ રેટિંગ મેળવ્યા હતા. હાલમાં તેના કુલ ૮૮૮ પોઇન્ટ થઈ ગયા છે.
રાજકોટનો ચેતેશ્વર પૂજારા ત્રીજી વખત ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચ્યો છે. આ પહેલાં તે માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે રાંચીમાં રમાયેલી ટેસ્ટ મેચમાં તે બીજા સ્થાને પહોંચ્યો હતો. ત્યાર પછી ગત ઓગસ્ટમાં કોલંબો ટેસ્ટ વખતે પણ તેણે બીજું સ્થાન મેળવ્યું હતું.
નંબર વનના સ્થાને રહેલા સ્ટીવન સ્મિથે એશિઝની પ્રથમ ટેસ્ટમાં અણનમ ૧૪૧ રન બનાવ્યા હતા જેથી કરીને તેને પાંચ પોઇન્ટનો ફાયદો થતાં તેના કુલ ૯૪૧ પોઇન્ટ થઈ ગયા છે. આ સાથે સ્મિથે ટેસ્ટ રેન્કિંગમાં સર્વાધિક પોઇન્ટ મેળવનાર ખેલાડીઓની યાદીમાં સંયુક્ત પાંચમું સ્થાન મેળવી લીધું છે.
ભારતના અન્ય બેટ્સમેનોમાં ઓપનર મુરલી વિજયએ શ્રીલંકા સામે ૧૨૮ રન બનાવ્યા હતા જેને કારણે આઠ સ્થાનનો ફાયદો થતાં ૨૮મા ક્રમે પહોંચ્યો છે જ્યારે નાગપુર ટેસ્ટમાં ૧૦૨” રન બનાવનાર રોહિત શર્માને પણ સાત સ્થાનના ફાયદા સાથે ૪૬મા સ્થાને પહોંચ્યો છે. જોકે, લોકેશ રાહુલ એક સ્થાનના નુકસાન સાથે નવમા અને અજિંક્ય રહાણે બે સ્થાનના નુકસાન સાથે ૧૫મા ક્રમે ધકેલાયો છે. ધવનને પણ એક સ્થાનનું નુકસાન થતાં ૨૯મા ક્રમે ધકેલાયો છે. શ્રીલંકન બેટ્સમેનોમાં કરુણારત્ને એક સ્થાનના નુકસાન સાથે ૧૮મા સ્થાને છે.
ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં રવીન્દ્ર જાડેજાને બીજા ક્રમે પહોંચી ગયો છે. નાગપુર ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપતાં જાડેજાને એક સ્થાનનો ફાયદો થયો છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ૩૦૦ વિકેટ ઝડપવાનો રેકોર્ડ બનાવનાર અશ્વિને નાગપુર ટેસ્ટમાં આઠ વિકેટ ઝડપી હતી જેને કારણે તેને ૪૨ પોઇન્ટ મળ્યા હતા પરંતુ તે ચોથા ક્રમે યથાવત્ છે.
અશ્વિનના કુલ ૮૪૯ પોઇન્ટ થઈ ગયા છે અને તે હવે નંબર વનના સ્થાને રહેલા જેમ્સ એન્ડરસન કરતાં ૪૨ પોઇન્ટ પાછળ છે. જેમ્સ એન્ડરસને એશિઝની પ્રથમ ટેસ્ટમાં માત્ર બે વિકેટ ઝડપી હતી જેને કારણે તેને પાંચ પોઇન્ટનું નુકસાન થતાં તેના ૮૯૧ પોઇન્ટ થઈ ગયા છે.
અન્ય બોલરોમાં ભુવનેશ્વરકુમાર અને ઇશાંત શર્માને ૧-૧ સ્થાનનો ફાયદો થતાં ક્રમશઃ ૨૮મા અને ૩૦મા સ્થાને પહોંચ્યા છે. એશિઝની પ્રથમ ટેસ્ટમાં છ વિકેટ ઝડપનાર મિચેલ સ્ટાર્ક ત્રણ સ્થાનના ફાયદા સાથે ૧૦મા ક્રમે પહોંચી ગયો છે. ઓલરાઉન્ડર્સમાં અશ્વિનને એક સ્થાનનો ફાયદો થતાં ત્રીજા ક્રમે પહોંચ્યો છે. આ લિસ્ટમાં બાંગ્લાદેશનો શાકિબ અલ હસન પ્રથમ સ્થાને અને ભારતનો રવીન્દ્ર જાડેજા બીજા સ્થાને છે.