વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી ખાતે ૧૧મી ડિસેમ્બરે ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ યોજાશે. ગુજરાતમાં રમત-ગમત સાહસિકતાના વિકાસને પ્રોત્સાહન આપવા દેશમાં પ્રથમવાર આ પ્રકારના સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું આયોજન કરાયું હોવાનું રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપમાં ઈનોવેશનને પ્રોત્સાહિત કરવા માટે કોન્ક્લેવ શ્રેષ્ઠ માધ્યમ બનશે
સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવની માહિતી આપતા મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, સ્પોર્ટ્સ બિઝનેસ ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓને પ્રોત્સાહિત કરવા અને સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપમાં ઈનોવેશનને પ્રોત્સાહિત કરવા માટે કોન્ક્લેવ શ્રેષ્ઠ માધ્યમ બનશે. આ ઈવેન્ટમાં પેનલ ચર્ચા, વર્કશોપ્સ, પિચબુક સ્પર્ધા અને એક પ્રદર્શન જેવી ગતિશીલ પ્રવૃત્તિઓનો સમાવેશ કરાયો છે.
પિચબુક સ્પર્ધાના શોર્ટ લિસ્ટેડ સ્ટાર્ટઅપ્સને 25 લાખના આકર્ષક રોકડ પુરસ્કારો અપાશે. જે રમતગમત સાહસિકતા માટે ઇકોસિસ્ટમને મજબૂત કરશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઈવેન્ટનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી, સ્પોર્ટ્સકોમ સાથેની ભાગીદારીમાં કરાયું છે. તેને આઇ-હબ અને સ્ટાર્ટઅપ ઈન્ડિયા જેવી સંસ્થાઓ દ્વારા સહકાર અપાયો છે.