સાયબર અપરાધોમાં દિન પ્રતિદિન ઉછાળો જોવા મળી રહ્યો છે. નાણાકીય છેતરપિંડીથી માંડી અશ્લીલ હરકતો માટે હવે સોશિયલ મીડિયા અને હેકિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન એક આ પ્રકારની જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. હેકર્સે સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ હેક કર્યું હતું. આ પછી સુનાવણી દરમિયાન જ લાઇવ સ્ટ્રીમિંગ પર અશ્લીલ વીડિયો અને ફોટા બતાવવામાં આવ્યા હતા.
હેકર્સની હરકતને પગલે લાઈવ સ્ટ્રીમિંગ તાત્કાલિક બંધ કરી દેવાયું : ફરિયાદ નોંધાઈ
હાઇકોર્ટના ન્યાયાધીશને આ વાતની જાણ થતાં જ તેમણે લાઈવ સ્ટ્રીમિંગ બંધ કરાવી દીધું હતું. ત્યારબાદ આ મામલે સ્પષ્ટતા આપવામાં આવી હતી. હાઈકોર્ટના સ્ટાફે હાલમાં સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને હવે વધુ તપાસ ચાલી રહી છે.
અદાલત દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કેટલાક તોફાની તત્વોએ આ હરકત કરી છે. અભૂતપૂર્વ પરિસ્થિતિને કારણે અમારે લાઈવ સ્ટ્રીમિંગ બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે. કર્ણાટક હાઈકોર્ટ હંમેશા જનતા માટે વધુ સારી ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની તરફેણમાં હતી. જો કે, કમનસીબે ટેકનોલોજીનો દુરુપયોગ થઈ રહ્યો છે.
તેમણે વકીલોને અનુમતિ શા માટે આપવામાં આવી નથી તે જાણવા માટે રજિસ્ટ્રાર અને કોમ્પ્યુટર ટીમનો સંપર્ક ન કરવા અપીલ કરી છે. ચીફ જસ્ટિસે તેને દુર્ભાગ્યપૂર્ણ અને અભૂતપૂર્વ ઘટના ગણાવી હતી. તમને જણાવી દઈએ કે આ ઘટના બાદ સાયબર ક્રાઈમ સેલે કેસ નોંધ્યો છે અને કેન્દ્રીય વિભાગે તપાસ શરૂ કરી છે.