મણિનગર વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસની ટિકિટ પર આગામી વિધાનસભા ચૂંટણી લડવા ઉભી રહેલી શ્વેતા બ્રહ્મભટ્ટ માત્ર ૩૪ વર્ષની યુવતી છે જે રાજકરણ દ્વારા લોકોની લાઇફમાં ચેન્જ લાવવા માગે છે. હાલ તો શ્વેતા બ્રહ્મભટ્ટના નામની જાહેરાત બાદ કોંગ્રેસ પાર્ટીના જ કેટલાક કાર્યકર્તાઓએ પાર્ટીના નિર્ણયનો વિરોધ કર્યો હતો. જોકે આ બધાથી દૂર શ્વેતા આગામી ૧૪ ડિસેમ્બરે યોજાનારા બીજા તબક્કાની ચૂંટણીમાં પોતાના પ્રતિસ્પર્ધી ભાદપના સુરેશ પટેલને હરાવવા માટે પૂર્ણ તૈયારી સાથે કમરકસીને ચૂંટણી મેદાનમાં ઉતરી ગઈ છે.
શ્વેતા કોંગ્રેસ કાર્યકર્તા નરેન્દ્ર બ્રહ્મભટ્ટની પુત્રી છે, જેમણે વર્ષ ૨૦૦૦માં કોંગ્રસે તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં ભાગ લીધો હતો. શ્વેતા કહે છે કે પોલિટિક્સમાં આવવા પાછળ તેના પિતા તેની પ્રેરણાસ્ત્રોત છે. તેણે આગળ જણાવ્યું કે પોતે પહેલાથીજ કોર્પોરેટ વિશ્વમાં કારકિર્દી બનાવવા માગતી હતી. આ કારણે તેણે અમદાવાદમાંથી BBAની ડિગ્રી મેળવી MBA માટે લંડનની વેસ્ટમિનિસ્ટર યુનિવર્સિટી પસંદ કરી હતી. જ્યાંથી ડિગ્રી મેળવ્યા બાદ તેણે HSBC અને Darashaw બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ બેંકરની જોબ કરી હતી.
શ્વેતા કહે છે કે, આ સમયે મારી સામે બે વિકલ્પ હતા એક તો હું મારી કરિયરમાં આગળ વધુ અથવા મારી જે ઇચ્છા હતી તે પોલિટિકલ લીડરશિપનો કોર્સ કરવા IIM બેંગલુરુ જોઇન્ટ કરું અને મે કરિયરની સામે ધ્યેયને પસંદ કર્યું. આ કોર્સ માટે દેશભરમાંથી પસંદ થયેલી ૨૬ મહિલાઓ પૈકી ગુજરાતમાંથી હું એક જ પસંદ થઈ હતી. આ કોર્સનું ધ્યેય ભારતીય સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓની લીડરશિપને વધારવાનું હતું. કોર્સ દરમિયાન અને બાદમાં હું કોંગ્રેસના નેતાઓને મળી હતી. મને આ માટે યુનાઇટેડ નેશનની સ્કોલરશિપ પણ મળી હતી.