યુવાઓના ક્રિએટિવ આઇડિયાને માઇન્ડ ટુ માર્કેટ સુધી લઇ જવામાં મહત્વનો ભાગ ભજવતા સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન હબ (આઇ-હબ)નું અમદાવાદ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્દઘાટન કરશે. આઇ હબમાં યુવાઓને સ્ટાર્ટઅપ માટે કાનૂની, નાણાંકીય, ટેકનિકલ, ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી રાઈટ્સ સહિતના તમામ મુદ્દે માર્ગદર્શન અપાશે. પ્રિ-વાઇબ્રન્ટ ઈવેન્ટના ભાગરૂપે કાલે રાઉન્ડ ટેબલ બેઠકનું આયોજન ગાંધીનગર લીલા હોટલમાં કરાયું છે.
દેશભરમાંથી યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ, વેન્ચર કેપિટલિસ્ટ અને ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે
દેશભરમાંથી યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ, વેન્ચર કેપિટલિસ્ટ અને ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે. 7 ડિસેમ્બરે મુખ્યમંત્રી પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે સ્ટાર્ટ અપ કોન્ક્લેવ યોજાશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને કેન્દ્રીય આઇટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર રાઉન્ડ ટેબલ અને કોન્ક્લેવમાં ઉપસ્થિત રહેશે. આઈ-હબ દ્વારા સ્ટાર્ટઅપ્સમાં 350 કરોડ રૂપિયાનું રોકાણ કરાયું છે.
ગુજરાતમાં 439 જેટલા સ્ટાર્ટ અપ શરૂ થયા છે. કોન્ક્લેવમાં 55થી વધુ વેન્ચર કેપિટાલિસ્ટ ઉપસ્થિત રહેશે.સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીના ભાગરૂપે રાજ્યના યુવાનોના ઇનોવેટીવ અને ઈન્ટેલેકચ્યુઅલ આઈડિયા સ્ટાર્ટઅપમાં પરિણમે તે માટે અમદાવાદમાં ખાતે વૈશ્વિક સવલતો ધરાવતું આઇ-હબ ભવનનું નિર્માણ શિક્ષણ વિભાગ દ્વારા નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતના કેમ્પસમાં કરાયું છે.
પાંચ માળનું ભવન 500 જેટલા સ્ટાર્ટઅપને ઇન્ક્યુબેટ કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે. 100 કરોડના ખર્ચે 1.50 લાખ ચો.મી.માં સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને વેગ આપવા 12થી વધુ ફ્લેગશીપ સુવિધા શરૂ કરાશે.