નવા અને યુવા કાર્યકરોને તક મળે તે માટે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયનો ઈરાદો: ૪ ટર્મ નગરસેવક તરીકે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, બાંધકામ સમિતિના ચેરમેન અને આરોગ્ય સમિતિના ચેરમેન જેવા હોદા શોભાવ્યા બાદ હવે કોર્પોરેશનના રાજકારણમાં નિવૃતની ઈચ્છા વ્યકત કરી

રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.જૈમનભાઈ દયાશંકર ઉપાધ્યાયનો આજે જન્મદિવસ છે. આજે તેઓ પોતાની સફળ અને યશસ્વી કારકિર્દીના ૬૧ વર્ષ પૂર્ણ કરી ૬૨ વર્ષમાં મંગલપ્રવેશ કરી રહ્યા છે.

આ શુભ અવસરે તેઓએ રાજકારણમાં આવતા યુવા કાર્યકરોને તક મળે તે માટે હવે પછી કોર્પોરેશનની ચૂંટણી નહીં લડવાનો ઈરાદો વ્યકત કર્યો હતો. સાથો સાથ એ વાત પણ દોહરાવી હતી કે જો પક્ષ કહેશે તો ચોકકસ ચૂંટણીમાં ઝંપલાવીશ. અન્ય પક્ષને મજબુત કરવા માટે પરાકાષ્ઠા સર્જવા હું તૈયાર છું.

આજે ૬૨માં જન્મદિવસ નિમિતે પત્રકારો સાથે વાતચીત દરમિયાન મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, તેઓ વર્ષ ૧૯૮૧માં પ્રથમ વખત કોંગ્રેસના પ્રતિક પરથી કોર્પોરેશનની ચૂંટણી જીતી કોર્પોરેટર બન્યા હતા ત્યારબાદ તેઓએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો.

વર્ષ ૨૦૦૫ થી અત્યાર સુધી તેઓ ભાજપના કોર્પોરેટર તરીકે લોકોને સેવા કરી રહ્યા છે.

નગરસેવક તરીકે ૪ ટર્મ દરમિયાન તેઓ એક વખત આરોગ્ય સમિતિના ચેરમેન, એક વખત બાંધકામ સમિતિના ચેરમેન, ત્રણ વખત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવી જવાબદારી નિભાવી ચૂકયા છે અને ગત ૧૪ ડિસેમ્બર ૨૦૧૫થી રાજકોટના મેયર તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે.

રાજકારણમાં નવા અને યુવા કાર્યકરોને યોગ્ય તક મળે અને તેઓનો ઉત્સાહ વધે તે માટે હવે પછી હું મહાપાલિકાની ચૂંટણી લડવાનો નથી તેવી ઈચ્છા તેઓએ વ્યકત કરી હતી. મહાપાલિકામાં તેઓએ મેયરનું સર્વોચ્ચ પદ સહિતના ૬ હોદા શોભવ્યા છે. ભાજપે જે કંઈ આપ્યું છે તેનાથી મને પુરો સંતોષ છે. હવે પછી મહાપાલિકાની ચૂંટણી લડવાની મારી ઈચ્છા નથી છતાં જો ભારતીય જનતા પાર્ટી આદેશ આપશે તો એક આજ્ઞાકારી કાર્યકર તરીકે હું ફરી ચૂંટણી જંગમાં ઉતરવા માટે તૈયાર છું. મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયનો જન્મ તા.૨૮/૧૧/૧૯૫૬ના રોજ રાજકોટ ખાતે થયો હતો.

આજે તેઓ પોતાની કારકિર્દીના ૬૧ વર્ષ પૂર્ણ કરી ૬૨માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો. ડો.ઉપાધ્યાયે ૧૯૮૧ થી પોતાની રાજકીય કારકિર્દીની શ‚આત કરી હતી. ચાર ટર્મ નગરસેવક તરીકે તેઓએ મહાપાલિકામાં મેયર સહિતના અનેક મહત્વપૂર્ણ હોદાઓ શોભવ્યા છે. હાલ તેઓ પાર્થ ટેકનોલેજ યુવા ગ્રુપના પ્રમુખ, ગીતા મંદિર ભકિતનગર સોસાયટીના ટ્રસ્ટી, ઉપલેટાના જય જલારામ સેવા મંડળના ટ્રસ્ટી, રાજકોટના માતૃ સમર્પણ ટ્રસ્ટ (જલારામ મંદિર)ના ટ્રસ્ટી ઉપરાંત અનેક એનજીઓ સાથે સંકળાયેલા છે. વર્ષ ૧૯૭૯ કોઠારીયા રોડ ખાતે આવેલી પોતાની કલીનીકમાં ડોકટર તરીકે સેવા કરે છે. જન્મદિવસ નિમિતે આજે સવારથી મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયના મો. ૯૮૨૪૨ ૧૦૬૫૦ પર અનરાધાર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

રાજકોટને એઈમ્સ મળે તેવી ઈચ્છા

શહેરના પ્રથમ નાગરિક ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે આજે પોતાના જન્મદિવસે એવી ઈચ્છા વ્યકત કરી હતી કે, સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટને કેન્દ્ર સરકાર દ્વારા એઈમ્સની ફાળવણી કરવામાં આવે. રાજકોટ હાલ ખૂબ જ વિકસિત છે અને હજી પણ વિકાસની ચરમસીમા હાંસિલ કરે તેવી મારી અદમ્ય ઈચ્છા છે. તેઓએ જણાવ્યું હતું કે, એઈમ્સ માટેના તમામ નોમ્સ હાલ રાજકોટ પરીપૂર્ણ કરે તેવી સ્થિતિમાં છે. રાજકોટને તાજેતરમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ ફાળવવામાં આવ્યું છે. હવે પૂરતી એર કનેકટીવીટી પણ ઉપલબ્ધ હોય. કેન્દ્ર દ્વારા સૌરાષ્ટ્રભરના દર્દીઓને સારવાર મળી રહે તે માટે એઈમ્સની ફાળવણી કરવામાં આવે તેમ આજે જન્મદિવસે મારી ઈચ્છા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.