ગુજરાત હાઇકોર્ટની આકરી ઝાટકણી બાદ રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકા મુજબ રાજ્યભરમાં રખડતા-ભટકતા ઢોરનો ત્રાસ દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આજથી લાયસન્સ કે પરમીટ વિનાના ઢોર નહિં છોડવાના નિયમની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી 1 જાન્યુઆરીથી લાયસન્સ વિનાના ઢોર છોડવામાં નહિં આવે. આ અંગે એકાદ પખવાડીયામાં વિધિવત જાહેરનામું પ્રસિધ્ધ કરી દેવામાં આવશે.
એક મહિનામાં 1662 રખડતા-ભટકતા ઢોરને ડબ્બે પુરતું રાજકોટ કોર્પોરેશન
રખડતા ઢોરનો ત્રાસ અટકાવવા માટે રાજ્ય સરકારની ગાઇડલાઇનની અમલવારી કરવા માટે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં મોડો ઠરાવ પસાર કરવામાં આવ્યો હોવાના કારણે કેટલાક નિયમોની અમલવારી હજુ સુધી થઇ શકતી નથી. અમદાવાદમાં આજથી લાયસન્સ કે પરમીટ વિનાના ઢોર છોડવાની પરવાનગી બંધ કરી દેવામાં આવી છે. રાજકોટમાં પણ આગામી 1 જાન્યુઆરીથી લાયસન્સ વિનાના ઢોર છોડવામાં આવશે નહિં. માલધારીઓ એક મહિનામાં લાયસન્સ કે પરમીટ મેળવી લે તેવી તાકીદ કરવામાં આવી છે. છેલ્લા એક મહિનામાં ઢોર પકડ પાર્ટી દ્વારા 1662 ઢોર પકડી લેવામાં આવ્યા છે. જે પૈકી 350 ઢોરને રૂ.15.75 લાખનો દંડ વસૂલી છોડી પણ દેવામાં આવ્યો છે. 2014થી કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી દ્વારા ઢોરનું ટેગીગ કરવાની કે ચીપ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજ સુધીમાં 8,500 ઢોરનો ટેગીગ કરવામાં આવ્યું છે અને 6,000 ઢોરને ચીપ લગાવવામાં આવી છે. તે સમયે શહેરમાં 35,000 જેટલા ઢોર હતા. હાલ 10,000 જેટલા ઢોર હોવાનો અંદાજ છે.
શહેરમાં પશુઓ રાખવા માટે પરમીટ-લાયસન્સ પશુપાલકે મેળવી લેવાનું રહેશે. પરમીટ-લાયસન્સ ધારક પશુપાલકો તેઓનાં પશુઓ પરમીટ-લાયસન્સ વાળી જગ્યામાં રાખી શકશે.
આઈએફઆરડી ચીપ અને ટેગ વિનાનાં પશુઓ તેમજ લાયસન્સ-પરમીટ વિનાના પશુઓ શહેરમાં રાખી શકતા નથી. આવા પશુઓ જપ્ત કરી ઢોર ડબ્બે પુરવામાં આવશે. પશુપાલકો પોતાની જગ્યાની બહાર પશુઓ કાઢી શકતા નથી-રાખી શકતા નથી. પશુઓને શહેરી વિસ્તારમાં ચરીયાણ માટે કાઢી શકતા નથી કે બહાર રાખી શકતા નથી.
જાહેર માર્ગો-સ્થળો પર જોવા મળતાં કે રાખવામાં આવતા પશુપાલકોના પશુઓ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. હાલ કોર્પોરેશનની અલગ-અલગ ચાર એનિમલ હોસ્ટેલમાં 1250થી વધુ ઢોર છે. જેમાં કોઠારીયા રોડ એનિમલ હોસ્ટેલમાં 650, મવડી એનિમલ હોસ્ટેલમાં 450, રોણકી એનિમલ હોસ્ટેલમાં 30 અને રૈયાધાર ખાતે આવેલી એનિમલ હોસ્ટેલમાં 200 ઢોર છે.