બોગસ ફિંગરપ્રિન્ટ કૌભાંડમાં સસ્તા અનાજના 20 દુકાનદારોનું હિયરીંગ પૂર્ણ થઈ ગયા બાદ જિલ્લા કલેકટર દ્વારા 10 વેપારીઓને રૂ.41.44 લાખના દંડનો હુકમ કરવામાં આવ્યો છે. બાકીના 10 જેટલા વેપારીઓ સામે હવે થોડા દિવસોમાં હુકમ થશે તેવું જાણવા મળી રહ્યું છે.
20 જેટલા વેપારીઓએ ડીએસઓની દંડનીય કાર્યવાહી સામે કલેકટર સમક્ષ અપીલ કરી હતી : બાકીના 10 જેટલા વેપારીઓનું હિયરીંગ પૂર્ણ થઈ ગયા બાદ હવે થોડા દિવસોમાં હુકમ થશે
બોગસ ફિંગર પ્રિન્ટ કૌભાંડમાં રાજકોટ શહેર અને જિલ્લામાં સસ્તા અનાજના 20 વેપારીઓના નામ ખુલ્યા હતા. સાબરકાંઠામાંથી આ કૌભાંડ બહાર આવ્યું હતું. ત્યાંથી એવું ખુલ્યું હતું કે રાજકોટમાં પણ આ રાશન કાર્ડ વેચવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં રાજકોટના કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર કામ કરતા 3 કર્મચારીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત તત્કાલીન પુરવઠા અધિકારી પ્રશાંત માંગુડાએ આ કૌભાંડમાં સંડોવાયેલ 20 વેપારીઓને સાંભળીને તેઓને દંડ ફટકાર્યો હતો.આ સાથે તે તમામના લાયસન્સ સસ્પેન્ડ કર્યા હતા.
વેપારીઓ જિલ્લા પુરવાર અધિકારીની આ કાર્યવાહીથી નારાજ થઈ કલેકટર સમક્ષ અપિલમાં આવ્યા હતા.જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ 20 વેપારીઓની સુનાવણી હાથ ધરી હતી. જેમાં તમામ વેપારીઓને સાંભળવામાં આવ્યા હતા. બાદમાં હવે જિલ્લા કલેકટર દ્વારા 10 સસ્તા અનાજના વેપારીઓ સામે દંડનો હુકમ કર્યો છે.
જેમાં જેતપુર તાલુકાના વીરપુર ગામના વિજયભાઈ બાવનજીભાઈ વઘાસિયાને રૂ. 9648, જેતપુર તાલુકાના દેરડી ગામના જગજીવનભાઈ ગોબરભાઈ ગોંડલીયાને રૂ.48,579, રાજકોટના હનુમાનમઢી ચોકના હસમુખ નાનજીભાઈ રાણાને રૂ. 12.14 લાખ, રાજકોટના સંતકબીર રોડના મુકેશભાઇ જેન્તીલાલ જોબનપુત્રાને રૂ. 1.63 લાખ, રાજકોટના પેડક રોડના લાખાભાઈ ખીમાભાઈ બગડાને રૂ.13.35 લાખ, જેતપુર તાલુકાના આરબટીંબડીના દિલીપભાઈ ચંદુલાલ ભાયાણીને રૂ. 12,495, જેતપુરના નીતિનભાઈ સવજીભાઈ નાગરને રૂ. 20,768, રાજકોટના ગુલાબનગરના એન.એમ.ભારમલને રૂ.9.84 લાખ, જેતપુરના દેવકીગાલોળના સંજયભાઈ તુલજાશંકર જાનીને રૂ. 1.12 લાખ તથા રાજકોટના ઢેબર કોલોની પ્રગતિ મંડળના અનિલભાઈ ભુપતભાઇ જેઠવાને રૂ.2.42 લાખ મળી કુલ રૂ.41,44,917નો દંડ ફટકારવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે હવે બાકીના 10 દુકાનદારો સામે ટૂંક સમયમાં હુકમ થશે. કલેકટર તંત્ર દ્વારા આ દુકાનદારોના લાયસન્સ સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. આ દંડ દુકાનદારો ભરપાઈ કરશે ત્યારબાદ જ તેઓની દુકાનો ખુલી શકશે તેવું જાણવા મળી રહ્યું છે.